અમેરિકામાં હિમવર્ષાનું એલર્ટ, 6 કરોડ લોકોને અસરની સંભાવના, અનેક રાજ્યોમાં ઈમરજન્સી જાહેર
America Snowstorm Alert : અમેરિકન હવામાન વિભાગે અમેરિકામાં હિમવર્ષાને પગલે એલર્ટ જાહેર કર્યું છે. વિભાગે અનેક રાજ્યોમાં શક્તિશાળી બરફનું તોફાન આવવાની સંભાવના વ્યક્ત કરી ચેતવણી જાહેર કરી છે.
1300 માઈલ સુધી અસર થવાની શક્યતા
રાષ્ટ્રીય હવામાન વિભાગની માહિતી મુજબ, અમેરિકાના મધ્યથી બરફનું તોફાન શરૂ થવાની તેમજ 1300 માઈલ વિસ્તાર સુધી તેની અસર થવાની આગાહી કરાઈ છે. વિભાગે હિમવર્ષા, ભયંકર બરફ વર્ષા, વરસાદ અને ભારે તોફાનની સંભાવનાને ધ્યાને રાખી અનેક રાજ્યોને ચેતવણી આપી છે. આ ઉપરાંત એમ પણ કહ્યું છે કે, આ બરફનું તોફાન ધીરે ધીરે પૂર્વ તરફ આગળ વધશે અને સોમવાર સુધીમાં આર્કટિક હવાની ઝપેટમાં આવ્યા બાદ અમેરિકાના પૂર્વ ભાગમાં તાપમાનમાં ઘટાડો થઈ શકે છે.
6 કરોડ લોકો પ્રભાવિત થવાની સંભાવના
દેશના વિવિધ રાજ્યોના લગભગ 6 કરોડ લોકોને બરફ વર્ષાની અસર થવાની શક્યતા છે. હવામાન વિભાગે સફેદ હિમવર્ષાને લઈને અગાઉથી જ એલર્ટ જાહેર કરેલું છે. હિમવર્ષાને ધ્યાને રાખી દેશના ઉત્તર-પશ્ચિમમાં રૉકી માઉન્ટેન સ્થિત મોંટાના, ડેલાવેયર, મેરીલેન્ડ તથા વર્જિનિયાના દરિયાકાંઠાના રાજ્યોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો : કેન્દ્ર સરકારની વિદેશી વિદ્યાર્થીઓ માટે મોટી જાહેરાત, શરૂ કરી બે સ્પેશ્યલ વિઝા કેટેગરી
અનેક રાજ્યોમાં ઈમરજન્સી જાહેર
એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે કે, જો આ હિમવર્ષા વિકરાળ સ્વરૂપ ધારણ કરશે તો અહીંના રસ્તાઓ સંપૂર્ણ બરફથી ઢંકાઈ જશે, રસ્તાઓ પર બરફનું જાડું થર જામી શકે છે, જેના કારણે લોકોનું ઘરમાંથી નીકળવું તેમજ વાહનોમાં બહાર નીકળવું પણ મુશ્કેલ થઈ શકે છે. વિભાગે કેટલાક ભાગોમાં વરસાદની પણ આગાહી કરી છે. આ ઉપરાંત હિમવર્ષાને કારણે કેટલાક વિસ્તારોમાં વીજ પૂરવઠો પણ ખોરવાઈ શકે છે. આ જ કારણે હવામાન વિભાગે લોકોને સાવચેત રહેવાની સલાહ આપી છે. વિભાગે અમેરિકાના અનેક રાજ્યોમાં ઈમરજન્સી જાહેર કરી છે.
આ પણ વાંચો : ભારતની બાજુમાં જ એક નવો દેશ બનશે! મ્યાનમારમાં બળવાખોરોની સેના જીત તરફ