ઈઝરાયલ-હમાસના યુદ્ધમાં અમેરિકાની દખલથી રશિયા નારાજ, બ્લેક સીમાં ઉતારી હાઈપરસોનિક મિસાઈલ

અમેરિકાએ બે યુદ્ધજહાજો ઈઝરાયલની મદદે મોકલ્યા હતા

જિનપિંગ સાથે મુલાકાત બાદ પુટિને આ નિર્ણય કર્યો

Updated: Oct 19th, 2023


Google NewsGoogle News
ઈઝરાયલ-હમાસના યુદ્ધમાં અમેરિકાની દખલથી રશિયા નારાજ, બ્લેક સીમાં ઉતારી હાઈપરસોનિક મિસાઈલ 1 - image

Israel vs Hamas War | ઇઝરાયેલ અને હમાસ વચ્ચે સંઘર્ષ ચાલુ છે. બે અઠવાડિયા પહેલા જ્યારે હમાસે ઈઝરાયેલ પર હુમલો કર્યો ત્યારે અમેરિકા તરત જ ઈઝરાયેલના સમર્થનમાં આવ્યું. રાષ્ટ્રપતિ જો બાયડેને તમામ સહાયતાની ખાતરી આપી અને થોડા કલાકોમાં ઇઝરાયેલ તરફ લશ્કરી કાફલો મોકલ્યો. એમ કહી શકાય કે અમેરિકા ઈઝરાયેલ-પેલેસ્ટાઈન (Israel vs Palestine War) સંઘર્ષમાં વધારે રસ દાખવી રહ્યું છે, પરંતુ આનાથી રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન પણ ચિંતિત છે. જોકે તેમની ચિંતાનું કારણ શું છે?

બાયડેન સરકારે ઇઝરાયેલના સમર્થનમાં જહાજો મોકલ્યા હતા

ઉલ્લેખનીય છે કે ઈઝરાયેલને સમર્થન આપવા માટે બાયડેન સરકારે (Joe Biden) બીજા એરક્રાફ્ટ કેરિયર યુએસએસ ડ્વાઈટ ડી. આઈઝનહોવર કેરિયર સ્ટ્રાઈક ગ્રુપને પૂર્વી ભૂમધ્ય સમુદ્રમાં મોકલ્યું છે. અમેરિકાના ડિફેન્સ સેક્રેટરી લોયડ ઓસ્ટિને કહ્યું કે તેને ઈઝરાયેલ વિરુદ્ધ ઉઠાવવામાં આવી રહેલા પગલા અને આ યુદ્ધને વ્યાપક બનાવવાના કોઈપણ પ્રયાસને રોકવા માટે મોકલવામાં આવ્યો છે. આઈઝનહોવર યુએસએસ ગેરાલ્ડ આર. ફોર્ડ કેરિયર સ્ટ્રાઈક ગ્રુપમાં જોડાશે, જે ઈઝરાયેલ પહેલાથી જ ધરાવે છે. ફાઈટર એરક્રાફ્ટ અને ક્રૂઝર સાથે ત્યાં અમેરિકાની હાજરી વધારવા માટે પણ આ પગલું  લેવાયાની ચર્ચા છે. 

રશિયાએ કિંજલને બ્લેક સીમાં તહેનાત કરી

દરમિયાન રશિયાના રાષ્ટ્રપતિએ (Russia president vladimir Putin) ઈઝરાયેલને અમેરિકાની મદદ અંગે ચીનમાં રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત કર્યા બાદ પત્રકાર પરિષદમાં પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. રશિયન રાષ્ટ્રપતિએ કહ્યું કે અમેરિકાએ ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચેના સંઘર્ષના જવાબમાં ભૂમધ્ય સમુદ્રમાં બે એરક્રાફ્ટ કેરિયર મોકલ્યા છે. રશિયાએ ભૂમધ્ય સમુદ્રમાં અમેરિકાની સીધી હાજરીને પોતાના માટે એક અસ્પષ્ટ ચેતવણી તરીકે લીધી છે. તેથી રશિયાએ  બ્લેક સીમાં પેટ્રોલિંગ કરવા માટે કિંજલ હાઇપરસોનિક મિસાઇલો સાથે રશિયન એરક્રાફ્ટને તહેનાત કરવાનો આદેશ આપ્યો છે.

ઇઝરાયેલનું સમર્થન, રશિયા પર નિશાન

એક રીતે અમેરિકા ઈઝરાયેલના સમર્થનમાં ઉભું છે. બીજી તરફ તે દરિયાઈ સરહદ પર રશિયાને પણ સીધું નિશાન બનાવી રહ્યું છે. તેનો અર્થ એ છે કે, એક રીતે, બંને દેશ કશું બોલ્યા વિના એકબીજાની સામ-સામે આવી ગયા છે. જો આપણે તેની દરિયાઈ ભૌગોલિક સ્થિતિ પર નજર કરીએ, તો તે બોસ્પોરસ સ્ટ્રેટ દ્વારા મરમારાના સમુદ્ર સાથે અને ડાર્ડેનેલ્સ સ્ટ્રેટ દ્વારા એજિયન સમુદ્ર સાથે જોડાયેલ છે. બ્લેક સી પ્રદેશ પર પ્રભુત્વ એ રશિયા માટે ભૂમધ્ય સમુદ્રમાં રશિયન શક્તિને જાળવવા માટે ભૌગોલિક વ્યૂહાત્મક જરૂરિયાત છે.

ભૂમધ્ય સાગર અને બ્લેક સી વચ્ચેનું અંતર માત્ર 1700 કિમી 

ભૂમધ્ય સાગરથી બ્લેક સી સુધીનું અંતર માત્ર 1700 કિમી છે. આ રીતે અમેરિકાએ તેનો સૈન્ય કાફલો રશિયાની નજીક ઉતાર્યો છે. એક તરફ રશિયા-યુક્રેન યુદ્ધમાં અમેરિકા પહેલેથી જ યુક્રેનનું સમર્થક છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું કે અમેરિકા રશિયા-યુક્રેન યુદ્ધમાં વધુ ઊંડું ઉતરી રહ્યું છે. અમેરિકા યુક્રેનને લાંબા અંતરની ATACMS મિસાઈલો આપીને ભૂલ કરી રહ્યું છે. રશિયાએ કહ્યું કે આ એક મોટી ભૂલ છે. અમેરિકા આ સંઘર્ષમાં વ્યક્તિગત રીતે વધુને વધુ સામેલ થઈ રહ્યું છે. 

ઈઝરાયલ-હમાસના યુદ્ધમાં અમેરિકાની દખલથી રશિયા નારાજ, બ્લેક સીમાં ઉતારી હાઈપરસોનિક મિસાઈલ 2 - image


Google NewsGoogle News