ગાઝાનો કબજો મેળવી તેના વિકાસ, પુનઃનિર્માણ માટે અમેરિકા તૈયાર
- 'મધ્ય-પૂર્વના ક્ષેત્રમાં શાંતિ માટે ઈતિહાસ બદલવાની તક મળી છે'
- દરેક ઈમારત તૂટેલી, ત્યાં રહેવું જોખમી, પેલેસ્ટાઈની નાગરીકોને અન્યત્ર વસવાટ કરવા અમેરિકન રાષ્ટ્રપતિની સલાહ
- ઇઝરાયેલ ટ્રમ્પના વિકલ્પને સ્વીકારવા તૈયાર, આવું બને તો ઐતિહાસિક ઘટના : નેતાનયાહૂ
વોશિંગ્ટન : યુદ્ધગ્રસ્ત ગાઝા પ્રદેશ ઉપર અમેરિકા કબજો જમાવી લેશે, માલિકી મેળવશે અને ત્યાં આર્થિક વિકાસ સાધી અમર્યાદિત રોજગારી અને મકાનો ઉભા કરશે એવી આશ્ચર્યજનક જાહેરાત ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામીન નેતાનયાહૂ સાથે દ્વિપક્ષીય મંત્રણા બાદ સંયુક્ત પત્રકાર પરિષદ સમયે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કરી હતી. અમેરિકા આ વિસ્તારમાં જરૂર પડયે સેના પણ મોકલી શકે છે અને ગાઝા વિસ્તાર ઉપર લાંબાગાળા સુધી કબજો હોય એવી સંભાવના પણ પોતે જોઈ રહ્યા હોવાનું જણાવ્યું હતું.
રાષ્ટ્રપતિ ટ્રમ્પે ગાઝામાં કોણ વસવાટ કરશે એની વિગતો આપ્યા વગર ઉમેર્યું હતું કે ગાઝામાં વસવાટ કરતા ૨૦ લાખ જેટલા લોકોએ ત્યાંથી બહાર નીકળી મધ્ય-પૂર્વના અન્ય દેશોમાં સ્થાયી વસવાટ કરવો જોઈએ. ટ્રમ્પના નિવેદન અંગે નેતાનયાહૂએ જણાવ્યું હતું કે આવું થાય તો ઈતિહાસને પલટાવનાર ઘટના હશે. જોકે, અમેરિકાના સહયોગી દેશો અને વિરોધીઓએ ટ્રમ્પના નિવેદનની ટીકા કરી હતી.
તા.૭ ઓક્ટોબર ૨૦૨૩ના રોજ હમાસે ઇઝરાયેલ ઉપર કરેલા હુમલા બાદ ઇઝરાયેલની સેનાએ ગાઝા પટ્ટી ઉપર કરેલા હુમલા અને બોમ્બવર્ષાના કારણે અત્યારે ત્યાં મોટાભાગની ઈમારતો ખંડેર હાલતમાં છે. ઈઝરાયેલી હુમલામાં ૪૭,૦૦૦ જેટલા પેલેસ્ટાઈની નાગરીકોના મોત થયા છે.
'અમેરિકા ગાઝાપટ્ટી ઉપર કબજો જમાવી લેશે અને અમે તેનું પુનઃનિર્માણ કરીશું. અમે તેની માલિકી ભોગવીશું અને ગાઝામાં ખંડેર ઇમારતો, યુદ્ધના કારણે નહીં ફૂટેલા વિસ્ફોટકો અને અન્ય શસ્ત્રોનો નાશ કરીશું. અહી આર્થિક વિકાસ હાથ ધરીશું. અહીં અમાપ રીતે નોકરીઓ અને મકાનો ઉભા કરીશું,' એમ બાજુમાં નેતાનયાહૂની હાજરીમાં ટ્રમ્પે જણાવ્યું હતું. અમેરિકન રાષ્ટ્રપતિએ ઉમેર્યું હતું કે કોઈ વિકલ્પ નહીં હોવાથી પેલેસ્ટાઈનના નાગરીકો પરત આવવા ઈચ્છે છે. પરંતુ અત્યારે ત્યાં દરેક ઈમારત પડેલી છે, તેમને તૂટેલા કોન્ક્રીટ નીચે જોખમી જીવન જીવવું પડે છે. એના બદલે તેમણે સુરક્ષા અને ઘરની સાથે અન્યત્ર જવું જોઈએ.
'જરૂર પડે એ અનુસાર અમેરિકા બધું કરશે,' એમ ગાઝામાં જરૂર પડયે અમેરિકા સેના મોકલશે કે નહીં તે અંગે પૂછતાં ટ્રમ્પે જણાવ્યું હતું. પોતે આ વિસ્તારની મુલાકાત લેવાના છે એવી જાહેરાત કરતા ટ્રમ્પે વિસ્તારપૂર્વક જણાવ્યું હતું કે આ વિસ્તાર ઉપર લાંબા સમય સુધી અમેરિકાનો કબજો હોય એ જરૂરી છે. આમ થવાથી આ વિસ્તાર અને સમગ્ર મધ્ય- પૂર્વ ક્ષેત્રમાં સ્થિરતા આવી શકે છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે જણાવ્યું હતું કે આ વિચારની પ્રશંસા થઇ રહી છે અને અખાતમાં જો અમેરિકા શાંતિ બહાલ કરી શકે તો તેમ થવું જ જોઈએ. ઈતિહાસ વારંવાર દોહરાય એના બદલે તેમાંથી શિખ મેળવવાની તક મળી હોય તો તે બદલવાનો સમય આવી ગયો છે.
ગાઝા પટ્ટી ઉપર અમેરિકાના કબજો મેળવે એ અંગે પ્રતિક્રિયા આપવા માટે વડાપ્રધાન નેતાનયાહૂને પૂછવામાં આવ્યું હતું ત્યારે તેમણે જણાવ્યું હતું કે આવી શક્યતા ઈતિહાસ બદલી શકે છે. ગાઝા પટ્ટી ઇઝરાયેલના કબજા હેઠળ હોય તે અંગે પૂછતાં નેતાનયાહૂએ જણાવ્યું હતું, 'આ અંગે ચોક્કસપણે વિચાર કરવું જોઈએ.' તેમણે ઉમેર્યું હતું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ જે વાત કરી રહ્યા છે તે એના કરતા પણ વધારે વ્યાપક છે.
'આ પ્રદેશના કારણે ત્રાસવાદ અને અમારા ઉપર સેંકડો હુમલા થયા છે. પણ રાષ્ટ્રપતિનો વિચાર અલગ છે. તેના ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. અમે વાતચીત કરી રહ્યા છીએ, તેઓ વિવિધ લોકો અને પોતાના અધિકારીઓ સાથે વિકલ્પ ચકાસી રહ્યા છે. આનાથી ઈતિહાસ બદલી શકાય એમ છે અને તેના ઉપર વિચારણા થવી જોઈએ, એમ નેતાનયાહૂએ જણાવ્યું હતું.
પેલેસ્ટાઈની નાગરીકોને 1948ના પુનરાવર્તનનો ડર
ટ્રમ્પ જે ઈચ્છી રહ્યા છે તે આંતરરાષ્ટ્રીય કાયદાઓની વિરુદ્ધ
ટ્રમ્પના ગાઝાપટ્ટી અંગેના નિવેદન અંગે પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિ મોહ્મ્મુદ અબ્બાસે નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે યુનાટેડ નેશન્સને આ અંગે હસ્તક્ષેપ કરી પેલેસ્ટાઈનના નાગરીકો અને તેમના અવિભાજ્ય અધિકારોની રક્ષા કરવા જણાવ્યું હતું. 'ટ્રમ્પ જે ઈચ્છી રહ્યા છે તે તે આંતરરાષ્ટ્રીય કાયદાઓની વિરુદ્ધ છે,' એમ અબ્બાસે જણાવ્યું હતું. બીજી તરફ, ગાઝાની વર્તમાન સ્થિતિ માટે જવાબદાર હમાસે અમેરિકા આ ક્ષેત્રમાં વધારે કોલાહલ અને તંગદિલી ઉભી થાય તેવું ટ્રમ્પ ઈચ્છે છે એમ જણાવ્યું હતું. 'જે લાખો પરિવારને વિચરતા કરવા, તેમના નાશ અને નુકસાન માટે જવાબદાર છે તેને આ પ્રસ્તાવથી શિરપાવ મળશે,' એમ હમાસે નિવેદનમાં જણાવ્યું હતું.
દરમિયાન, પેલેસ્ટાઈની નાગરીકોને હાંકી કાઢી આજથી ૭૭ વર્ષ પહેલા ઇઝરાયેલની સ્થપના કરવામાં આવી હતી. આરબ ભાષામાં નક્બા કે આફત તરીકે પેલેસ્ટાઈની નાગરીકો એ ઘટનાનો ઉલ્લેખ કરે છે. આ વિસ્તારમાં વસવાટ કરતા સાત લાખ જેટલા લોકોને આરબ - ઇઝરાયેલ યુદ્ધમાં હાંકી કાઢવામાં આવ્યા હતા અને વર્તમાન સ્થિતિમાં ટ્રમ્પ પણ તેમને અન્યત્ર વસવાટ કરવા સૂચન કરી રહ્યા હોવાથી નાગરિક અને સ્થાનિકો માટે આ ઈતિહાસનું પુનરાવર્તન હોય એવી લાગણી ઉભી થઇ છે.