પાકિસ્તાનમાં નિષ્પક્ષ ચૂંટણી અંગે અમેરિકાએ શંકા ઊઠાવી

Updated: Feb 10th, 2024


Google NewsGoogle News
પાકિસ્તાનમાં નિષ્પક્ષ ચૂંટણી અંગે અમેરિકાએ શંકા ઊઠાવી 1 - image


- માત્ર નવાઝ શરીફની પાર્ટીના મોબાઈલ ઇન્ટરનેટ ચાલુ

- ચૂંટણી પૂર્વે અને મતદાન સમયે પણ થયેલી રાજકીય હિંસા વ્યાપી સેલ ફોન પણ બંધ કરાયા, જનતાની સ્વતંત્રતા પર કાપ મૂકાયા

ઇસ્લામાબાદ : પાકિસ્તાનમાં ચૂંટણી હિંસા અને કંગાળ અર્થતંત્રના ઓછાયા નીચે આજે મતદાન યોજાયું. આજે આખો દિવસ મોબાઈલ સેવા અને ઇન્ટરનેટ બંધ રાખવામાં આવ્યાં. જનસામાન્યનું કહેવું છે કે મિડીયાને પણ મતદાન અંગે પૂરી જાણકારી મળી શકી નથી. અશાંત પરિસ્થિતિમાં પણ લોકોએ મતદાન કેન્દ્રો ઉપર જઈ મતદાન કર્યું હતું.

જનતાને વાંધો તે છે કે, એક માત્ર નવાઝ શરીફની પાર્ટીના નોંધાયેલા કાર્યકરો સિવાય અન્ય તમામ પાર્ટીઓની મોબાઈલ અને ઇન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી હતી. આમ છતાં પહેલાં મળેલાં સમાચારો પ્રમાણે ઇમરાનખાનના સમર્થકો મતગણતરીમાં આગળ ચાલી રહ્યાં હતાં.

ઇમરાન ખાન અને તેમની પાર્ટી, પાકિસ્તાન-તહરિકે-ઇન્સાફ (પીટીઆઈ) ઉપર પ્રતિબંધ મુકાયો હોવાથી તે પાર્ટીના ઉમેદવારો નિષ્પક્ષ ઉમેદવારો તરીકે ચૂંટણીમાં ઊભા હતા. પરંતુ એમ પણ કહેવાય છે કે પછીથી અચાનક પાકિસ્તાન-મુસ્લિમ-લીગ (એન) નવાઝ શરીફની પાર્ટી મતગણતરીમાં આગળ ચાલી રહી છે. બપોરના બે વાગ્યા સુધી તો કોઈ સ્પષ્ટ પરિણામ જાણી શકાયું ન હતું. વાસ્તવમાં વચમાં જ મતગણતરી થંભી ગઈ હતી.

દરમિયાન અમેરિકાની કોંગ્રેસ (સંસદ)ના સાંસદોએ ચૂંટણી પહેલાં અને મતદાન દરમિયાન પણ વ્યાપેલી રાજકીય હિંસા, સેલ ફોન અને ઇન્ટરનેટ બંધ કરાયા હોવાથી કાર્યવાહીની નિંદા કરી છે.

અમેરિકી કોંગ્રેસના સાંસદ દીના ટાઈટસે પાકિસ્તાનમાં થતી રાજકીય હિંસા અને અભિવ્યક્તિની સ્વતંત્રતા ઉપર મુકાયેલા કામની નિંદા કરી છે. તેઓએ કહ્યું, સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી કાર્યશીલ લોકતંત્રની આધારશીલા છે.

પાકિસ્તાનમાં અગ્રીમ અખબાર ''ડોન''ના રિપોર્ટ પ્રમાણે તોફાનો મતદાનમાં ગરબડ અને સેલ-ફોન તથા ઇન્ટરનેટ સેવા બંધ હોવા છતાં પાકિસ્તાનમાં જનતાએ મતદાન કર્યું. મતદાન પ્રક્રિયા સવારના ૮ વાગ્યાથી સાંજનાં ૫ વાગ્યા સુધી ચાલી.

સૌથી પહેલાં મળેલા રિપોર્ટ પ્રમાણે અપક્ષ તરીકે ચૂંટણી લડનારા ઈમરાન ખાનના ઉમેદવારો ૧૫૪ સીટ ઉપર આગળ ચાલતા હતા. જ્યારે નવાઝ શરીફની પાર્ટી પીએમએલ (એન) અને બિલાવલ ભુટ્ટોની પાર્ટી પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી) બંને માત્ર ૪૭-૪૭ સીટો ઉપર આગળ ચાલતા હતા, જ્યારે ૪ સીટો ઉપર અન્ય પાર્ટીઓના ઉમેદવારો આગળ ચાલતા હતા. ઇમરાન ખાનની પાર્ટીના ચેરમેન બેરિસ્ટર ગૌહર અલીખાને જણાવ્યું હતું કે તેમની પાર્ટી સરકાર રચવાનો દાવો કરવાની છે.

શહબાઝ શરીફ અને તેમનાં પુત્રી મહીયમ શરીફ પોતપોતાની બેઠકો ઉપર આગળ ચાલી રહ્યાં હતાં.

મતદાન પૂરૃં થયા પછી ૧૩ કલાક વીતી ગયા હતા છતાં હજી પાકિસ્તાન ચૂંટણી પંચે માત્ર ૮ પરિણામો જ જાહેર કર્યા છે. દેશની નેશનલ એસેમ્બલીનાં આઠ પરિણામો જાહેર થયાં છે. જે પૈકી ૩ પીટીઆઈ સાથે સંકળાયેલા ઉમેદવારો છે.


Google NewsGoogle News