ગુજરાત નજીક ઈઝરાયલી સમુદ્રી જહાજ પર ઈરાને ડ્રોન હુમલો કર્યો હતો, પેન્ટાગોનનો મોટો દાવો
આ ઈઝરાયલી વેપારી જહાજ પર ઓઈલ ભરેલું છે
હુમલાને કારણે તેના એક ભાગમાં આગ લાગી ગઇ હતી
Drone Attack: ભારત આવતા ઈઝરાયલી વ્યાપારિક જહાજ એમ.વી.કેમ પ્લૂટો પર અરબ સાગરમાં ભારતીય તટ નજીકમાં ડ્રોન વડે હુમલો કરાયો હતો. જેના લીધે લાઈબેરિયાના ઝંડા લગાવેલા આ જહાજના એક ભાગમાં આગ લાગી ગઇ હતી. આ સૌની વચ્ચે પેન્ટાગોને મોટો દાવો કર્યો છે કે ઈરાનના ડ્રોન હુમલાને કારણે ભારતની નજીકમાં આ રાસાયણિક ટેન્કર જહાજને નિશાન બનાવાયું હતું.
ઈરાનથી ડ્રોન લોન્ચ કરાયાનો દાવો
અમેરિકી સંરક્ષણ વિભાગે કહ્યું કે આ ડ્રોન ઈરાનથી લોન્ચ કરાયો હતો જેણે હિન્દ મહાસાગરમાં એક રાસાયણિક ટેન્કર જહાજને નિશાન બનાવ્યું હતું. પેન્ટાગોનના પ્રવક્તાએ કહ્યું કે ગુજરાતના ગીર સોમનાથ જિલ્લમાં વેરાવળથી 200 સમુદ્રી માઈલ દૂર (લગભગ 370 કિ.મી.) દક્ષિણ પશ્ચિમ ક્ષેત્રમાં ઈઝરાયલી જહાજ પર ઈરાનથી આવેલા ડ્રોનથી હુમલો કરાયો હતો જેના કારણે આગ લાગી ગઈ હતી.
વાણિજ્યક શિપિંગ પર સાતમો ઈરાની હુમલો
પેન્ટાગોનના નિવેદનમાં જણાવાયું છે કે આ 2021 બાદથી વાણિજ્યક શિપિંગ પર સાતમો ઈરાની હુમલો હતો. સંયુક્ત રાષ્ટ્રમાં ઈરાનના પ્રતિનિધિમંડળના એક પ્રવક્તાએ આ નિવેદન સામે કોઈ ટિપ્પણી કરી નહોતી.
ડ્રોન હુમલાના કારણે ઈઝરાયેલના જહાજમાં આગ લાગી
ઈરાન સમર્થિત હૌથી બળવાખોરોએ ઈઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચે રાતાસમુદ્રમાં જહાજો પર હુમલામાં વધારો કર્યો છે અને આ સૌની વચ્ચે જ આ ઘટના બની છે. બ્રિટિશ આર્મીના યુનાઇટેડ કિંગડમ મેરીટાઇમ ટ્રેડ ઓપરેશન્સ (યુકેએમટીઓ) અનુસાર, ગુજરાતના ગીર સોમનાથ જિલ્લામાં વેરાવળથી દક્ષિણ પશ્ચિમમાં 200 નોટિકલ માઇલ (લગભગ 370 કિમી) દૂર વિસ્તારમાં ડ્રોન હુમલાને કારણે ઇઝરાયેલી જહાજમાં આગ લાગી હતી.
વેપારી જહાજમાં ક્રૂડ ઓઈલ
ઈઝરાયેલનું વેપારી જહાજ ક્રૂડ ઓઈલ લઈને સાઉદી અરેબિયાના એક બંદરેથી મેંગલુરુ તરફ જઈ રહ્યું હતું. ભારતીય નૌકાદળના અધિકારીઓએ જણાવ્યું હતું કે હુમલાની માહિતી મળતાં તરત જ આ વિસ્તારમાં મોકલવામાં આવેલા દરિયાઈ પેટ્રોલિંગ વિમાને વેપારી જહાજ પર ઉડાન ભરી અને તેની સાથે સંપર્ક સ્થાપિત કર્યો. જહાજ અને તેના ક્રૂની સલામતી સુનિશ્ચિત કરવામાં આવી હતી.