આજે વ્હાઇટ હાઉસનો બર્થ-ડે, જાણો કઈ રીતે નિર્માણ પામ્યું છે જગત જમાદારની વૈશ્વિક સત્તાનું પાવરહાઉસ
Image - freepik |
White House Foundation Day : આજે 13 ઓક્ટોબર છે. આજ તારીખે 232 વર્ષ પહેલાં ઈ.સ. 1792માં અમેરિકાના સત્તાનું કેન્દ્ર ગણાતા વ્હાઇટ હાઉસનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. અમેરિકાની રાજધાની વૉશિંગ્ટન ડી.સી.માં પોટોમેક નદીના પૂર્વ કિનારે પ્રમુખ જ્યોર્જ વોશિંગ્ટને વ્હાઇટ હાઉસ માટેનું સ્થળ પસંદ કર્યું હતું. મકાનનું બાંધકામ આઠ વર્ષ ચાલ્યું અને નવેમ્બર 1, 1800ના રોજ જ્યારે એને ખુલ્લું મૂકવામાં આવ્યું એ પહેલાં જ જ્યોર્જ વોશિંગ્ટન અવસાન પામ્યા હોવાથી વ્હાઇટ હાઇસમાં પ્રવેશ કરનાર પ્રથમ રાષ્ટ્રપતિ હતા જ્હોન એડમ્સ.
વ્હાઇટ હાઉસનો ભવ્ય દેખાવ
1600 પેન્સિલવેનિયા એવન્યુ ખાતે સ્થિત વ્હાઇટ હાઉસ સંકુલ 18 એકરમાં ફેલાયેલું છે, જેમાં પ્રમુખ જેમાં સપરિવાર રહે છે એ ‘એક્ઝિક્યુટિવ રેસિડન્સ’ ઉપરાંત પ્રમુખની ઑફિસ જેમાં છે એ ‘વેસ્ટ વિંગ’, પ્રમુખ-પત્નીની ઑફિસ જેમાં છે એ ‘ઇસ્ટ વિંગ’, ઉપપ્રમુખ અને વ્હાઇટ હાઉસના સ્ટાફની ઑફિસો જેમાં છે એ ‘આઇઝનહોવર એક્ઝિક્યુટિવ ઓફિસ બિલ્ડિંગ’, અતિથિ નિવાસસ્થાન ગણાતું ‘બ્લેર હાઉસ’ જેવા કુલ સાત મકાનોનો સમાવેશ થાય છે. છ માળના વ્હાઇટ હાઉસમાં બે માળનું તો ભોંયરું જ છે. 55,000 ચોરસ ફૂટનો ફ્લોર એરિયા ધરાવતા વ્હાઇટ હાઉસમાં 132 રૂમ છે, જેમાં 16 ફેમિલી-ગેસ્ટ રૂમ, 3 કિચન અને 35 બાથરૂમનો સમાવેશ થાય છે. એમાં 412 દરવાજા, 147 બારીઓ, 28 ફાયરપ્લેસ, 8 દાદર અને 3 એલિવેટર્સ છે. નેશનલ હેરિટેજ સાઇટ ગણાતા આ સંકુલમાં 'રોઝ ગાર્ડન' અને 'જેકલીન કેનેડી ગાર્ડ' એમ બે બગીચા ઉપરાંત એક કિચન ગાર્ડન પણ છે.
વ્હાઇટ હાઉસ સફેદ પથ્થરોથી નથી બનેલું!
સાધારણ માન્યતા એવી છે કે સફેદ પથ્થરોથી બનેલું હોવાથી વ્હાઉટ હાઉસને આવું નામ મળ્યું હતું, પણ હકીકત એ છે કે વ્હાઇટ હાઉસના બાંધકામમાં ‘ક્રીક સેન્ડસ્ટોન’ વપરાયેલા છે, જેનો મૂળ રંગ ગ્રે-કથ્થઈ હોય છે. એ પથ્થરોને સફેદ કલર કરેલો હોવાથી વ્હાઇટ હાઉસ સફેદ દેખાય છે.
ફિલાડેલ્ફિયાને બદલે વોશિંગ્ટન રાજધાની બન્યું
અમેરિકાનો રાજકારભાર અગાઉ ફિલાડેલ્ફિયાથી ચલાવવામાં આવતો હતો, પણ ફિલાડેલ્ફિયા એકદમ પૂર્વી કિનારે વસેલું હોવાથી દેશની રાજધાનીને પશ્ચિમ દિશામાં ખસેડવાની જરૂરત અનુભવાઈ હતી જેને લીધે છેવટે પસંદગી વૉશિંગ્ટન ડી.સી. પર ઉતરી હતી. અમેરિકી પ્રમુખ જ્યોર્જ વોશિંગ્ટને પોતે વ્હાઇટ હાઉસ માટેનું વર્તમાન સ્થળ પસંદ કર્યું હતું
કોણે ડિઝાઇન કર્યું વ્હાઇટ હાઉસ?
ફ્રેન્ચ આર્કિટેક્ટ પિયર ચાર્લ્સ લ'એનફન્ટે વ્હાઇટ હાઉસની આસપાસના વિસ્તારનો લેઆઉટ ડિઝાઇન કર્યો હતો. વ્હાઇટ હાઉસની ઈમારત બનાવવાનો સમય આવ્યો ત્યારે મકાનની ડિઝાઇન માટે એક સ્પર્ધા રાખવામાં આવી હતી. સ્પર્ધામાં નવ દરખાસ્ત આવી હતી, જેમાંથી આઇરિશ-અમેરિકન આર્કિટેક્ટ ‘જેમ્સ હોબાન’ની ડિઝાઈન વિજેતા નીવડી હતી. હોબાને વ્હાઇટ હાઉસ બનાવ્યું, પણ પાછળથી બીજા આર્કિટેક્ટ ‘બેન્જામિન હેનરી બોનેવલ લેટ્રોબ’એ પણ એમાં નોંધપાત્ર ઉમેરા કર્યા હતા.
આગમાં ભસ્મ થયેલું વ્હાઇટ હાઉસ
1812 ના યુદ્ધ દરમિયાન અમેરિકન સૈનિકોએ કેનેડામાં સરકારી ઇમારતોને બાળી નાંખી હતી. એનો બદલો લેવા માટે 1814માં બ્રિટિશ સૈનિકોએ વ્હાઇટ હાઉસમાં આગ લગાવી દીધી હતી. (ત્યારે કેનેડા પર બ્રિટનનું રાજ હતું.) ઈમારત એટલી ખરાબ રીતે બળી ગઈ હતી કે ફક્ત બહારની દીવાલો જ સાબુત બચી હતી, અંદરનું બધું ભસ્મ થઈ ગયેલું. એવા ખોખાને ખૂબ બધી મરમ્મત કરીને ફરી જીવતું કરાયું. પુનઃનિર્માણ દરમિયાન એનું કદ પણ મોટું કરવામાં આવ્યું. સમારકામ 1820 સુધી ચાલ્યું હતું.
વર્ષે લાખો પ્રવાસીઓ આવે છે વ્હાઇટ હાઉસની મુલાકાતે
વર્ષે 10 લાખથી વધુ પ્રવાસીઓ વ્હાઇટ હાઉસની મુલાકાત લે છે. સલામતીના કારણસર વર્ષ 1995થી વ્હાઇટ હાઉસ સંકુલનો ઘણો વિસ્તાર પ્રતિબંધિત છે. પેન્સિલવેનિયા એવન્યુ પણ વાહનોની અવરજવર માટે બંધ છે.
વ્હાઇટ હાઉસનું કૉપી-હાઉસ પણ છે અમેરિકામાં!
દુનિયામાં બધાની નકલ થાય તો અમેરિકન પ્રમુખના નિવાસસ્થાનની કેમ નહીં? અમેરિકાના વર્જિનિયા રાજ્યના મેકલીન નગરમાં એય થયું છે. અહીં 12,000 ચોરસ ફૂટનો ફ્લોર એરિયા ધરાવતી વ્હાઇટ હાઉસની પ્રતિકૃતિ બનાવવામાં આવી છે જે દેખાવનાં અદ્દલ વ્હાઇટ હાઉસ જેવી જ છે. 1995 માં વિયેતનામના શરણાર્થીઓ દ્વારા બનાવાયેલી આ ઈમારતમાં છ બેડરૂમ અને ઓવલ ઓફિસની પ્રતિકૃતિનો સમાવેશ થાય છે. આ કોપીકેટ સંકુલનો ફેલાવો લગભગ 1.6 એકર જેટલો છે.