અમેરિકાની આર્થિક રાજધાની ઉંદરોથી પરેશાન, વસતી ઘટાડવા ગર્ભનિરોધક ગોળીઓ ખવડાવાશે
Rats Terror in New York : દુનિયાના સૌથી શાનદાર શહેરોમાં સ્થાન પામતા અને અમેરિકાની આર્થિક રાજધાની તરીકે ઓળખાતા ન્યૂયોર્ક શહેરના શાસકોને ઉંદરોએ હેરાન પરેશાન કરી નાંખ્યા છે.
ઝાકઝમાળથી ભરેલા આ શહેરમાં ઉંદરોની વસતીમાં સતત વધારો થઈ રહ્યો છે અને તેમની વસતી રોકવા માટે અત્યાર સુધી કરેલા તમામ ઉપાયો અસરકારક પૂરવાર થયા નથી. ન્યૂયોર્કમાં ઉંદરોની વસતી 30 લાખનો આંકડો વટાવી ચુકી છે.
ઉંદરોની વસતીને કાબૂમાં લેવા માટે અત્યાર સુધી ઝેર, વિશેષ પ્રકારની જાળ તેમજ સૂકા બરફનો પણ ઉપયોગ થઈ ચુકયો છે. તેનાથી ઉંદરોની વસતીમાં તો ઘટાડો નથી થયો પણ બીજા પ્રાણીઓ માટે જોખમ વધી ગયુ છે. જેમ કે ન્યૂયોર્ક ઝૂમાંથી ભાગી ગયેલુ એક ઘૂવડ મૃત હાલતમાં મળ્યુ હતુ. તેના શરીરમાં ઉંદરો મારવાની ઝેરી દવા મળી આવી છે. જેના કારણે તંત્ર જગ્યાએ બીજા વિકલ્પો અજમાવવા પર વધારે ભાર મૂકી રહ્યુ છે.
ન્યૂયોર્ક શહેરના શાસકો ઉંદરો પર વસતી નિયંત્રણનો પ્રયોગ કરવાની વિચારણા કરી રહ્યા છે. આ માટે પહેલા એક પાયલોટ પ્રોજેકટ શરૂ કરવામાં આવશે. જેમાં ઉંદરોના જન્મદર પર કાબૂ કરી શકાય તેવી વિશેષ ગોળીઓ ઠેર ઠેર મુકવામાં આવશે. પાયલોટ પ્રોજેકટના ભાગરૂપે ઓછામાં ઓછા 10 બ્લોકને આવરી લેવામાં આવશે.
અમેરિકન ન્યૂઝ ચેનલે કહ્યુ હતુ કે, 'આ ગોળીઓને કોન્ટ્રાપેસ્ટ નામ આપવામાં આવ્યુ છે. ગોળીઓનો ટેસ્ટ ઉંદરોને ભાવે તેવો હોય છે. . જેમાં ચરબી ભરવામાં આવતી હોય છે. આ ગોળીઓને ઉંદરોના વિસ્તારમાં ઠેર ઠેર મુકી દેવામાં આવશે. આ ગોળીઓ ઉંદરોમાં ગર્ભાધાનની પ્રક્રિયાને ટાર્ગેટ કરશે તેમજ શુક્રાણુઓને પેદા નહીં થવા દે. ગોળીઓનો સ્વાદ ઉંદરોને એટલો પસંદ આવશે કે તે બીજા કોઈ ભોજનની શોધમાં નહીં જાય. '
ગોળીઓ બનાવનાર વૈજ્ઞાનિક ડો લોરેટા મેયરે પહેલા લેબોરેટરીમાં ઉંદરોને આ ગોળીઓ ખવડાવી હતી. ડો. મેયરે જણાવ્યુ હતુ કે, 'ગોળીઓ ઉંદરોને એટલી સ્વાદિષ્ટ લાગી હતી કે તેમણે કચરામાં મોઢુ મારવાની જગ્યાએ તેના પર જ પસંદગી ઉતારી હતી. આ ગોળીઓથી બીજા પ્રાણીઓ કે જાનવરો માટે ખતરો નથી. તેને ખાસ ઉંદરો માટે બનાવવામાં આવી છે. '