દુનિયાનો સૌથી શક્તિશાળી દેશ આગ સામે લાચાર: લાખો કરોડની સંપત્તિ રાખ, લૂંટ બાદ કર્ફ્યૂ, 11ના મોત
US Forest Fire: દક્ષિણ કેલિફોર્નિયાના લોસ એન્જલસ વિસ્તારમાં આ અઠવાડિયે ભડકેલા દાવાનળે અત્યાર સુધીમાં આશરે એક ડઝન લોકોનો જીવ લઈ લીધો અને હજારો ઈમારતો અને નિવાસને ખાખ કરી કાટમાળમાં બદલી દીધા છે. આ મુશ્કેલીમાં લાખો નાગરિકોને સ્થળાંતર કરવું પડ્યું છે. અત્યાર સુધીમાં 35 હજારથી વધુ વિસ્તાર આગથી લપેટમાં આવી ગયો છે. ઓછામાં ઓછા 12 હજાર મકાન, ઈમારતો અને અન્ય સંરચનાઓ બળીને ખાખ થઈ ચુકી છે. આ દાવાનળના કારણે અત્યાર સુધી 11 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ ચોંકાવનારૂ તથ્ય છે કે, અમેરિકા દુનિયાનો સૌથી અમીર અને તાકાતવર દેશ છે. પરંતુ, હાલ તે આગની સામે લાચાર થઈ ગયો છે.
અમેરિકાના ઈતિહાસની સૌથી મોટી તબાહી
માનવામાં આવી રહ્યું છે કે, અમેરિકાના ઈતિહાસમાં આ સૌથી ભીષણ અગ્નિકાંડ છે. અમેરિકાને કોઈપણ અગ્નિકાંડમાં આટલું મોટું નુકસાન આજ સુધી નથી થયું. નુકસાનની નાણાંકીય અસર હજુ સુધી સ્પષ્ટ નથી. હવામાનના ડેટા ઉપલબ્ધ કરાવનાર ખાનગી કંપની ‘AccuWeather’ દ્વારા આશરે 150 બિલિયન ડોલર સુધીના નુકસાનનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જો ભારતીય ચલણમાં વાત કરીએ તો આ નુકસાન આશરે 129 લાખ કરોડ રૂપિયા (150 બિલિયન ડોલર) છે. જોકે, સરકારી અધિકારીઓએ હજુ સુધી નુકસાનનું કોઈ અનુમાન નથી આપ્યું.
આ પણ વાંચોઃ કુદરતની અવગણના કરતું અમેરિકા હવે લાચાર, અબજો ડોલરના દેવાં વચ્ચે અબજો ડોલરનું નુકસાન
લૂંટારાનો આતંક
એકબાજુ કેલિફોર્નિયાના લોસ એન્જલન્સમાં ફાટી નીકળેલા દાવાનળમાં લોકો પોતાનો જીવ બચાવવા ઘર-સામાન મૂકી સુરક્ષિત સ્થળે આશરો લઈ રહ્યા છે. ત્યાં બીજી બાજુ ચોર-લૂંટારાઓ આ દુર્ઘટનાનો લાભ લઈ ખાલી પડેલાં ઘરોમાં લૂંટ મચાવી રહ્યા છે. પોલીસે લૂંટફાટ કરનારા સંદિગ્ધ લોકોને પકડી તેમની ધરપકડ કરી રહી છે.
12 હજારથી વધુ ઘર ઈમારત તબાહ
- પ્રશાંત પાલિસેડ્સના પહાડી વિસ્તારમાં 5300 થી વધારે ઈમારત ક્ષતિગ્રસ્ત અથવા નષ્ટ થઈ ગઈ. જેમાં જેમી લી કર્ટિસ અને બિલી ક્રિસ્ટલ જેવા ફેમસ સેલેબ્સના ઘર પણ સામેલ છે.
- ઉત્તરી પાસાડેનામાં 7 હજારથી વધારે ઈમારત બળીને ખાખ થઈ ગઈ. જેમાં ઘર, એપાર્ટમેન્ટ અથવા વ્યવસાયિક ઈમારતો અને વાહનનો સમાવેશ થાય છે.
આ પણ વાંચોઃ લોસ એન્જલસમાં આગની વચ્ચે લૂંટારાઓનો ત્રાસ, 20ની ધરપકડ, નેશનલ ગાર્ડ તૈનાત કરવા પડ્યા
1.7 કરોડ લોકોનું જીવન પ્રભાવિત થયું
આગના કારણે 1.7 કરોડ લોકોનું જીવન પ્રભાવિત થયું હતું. આકાશમાં ધુમાડા અને રાખના કાળા વાદળ છવાઈ જવાના કારણે સાઉથ કેલિફોર્નિયામાં 1.7 કરોડ લોકોની હવાની ગુણવત્તા અને ધૂળને લઈને ગાઇડલાઈન બહાર પાડવામાં આવી હતી.
વીજકાપ
સાઉથ કેલિફોર્નિયામાં 1,75,000 થી વધારે ઘરોમાં વીજકાપની સમસ્યા આવી હતી. જેમાં લગભગ અડધાં લોસ એન્જલસ કાઉન્ટીના હતાં.