Get The App

લોસ એન્જલસની ભીષણ આગમાં હોલિવૂડની અનેક સેલિબ્રિટીના મકાન ખાક, ઇમરજન્સી જાહેર

Updated: Jan 9th, 2025


Google NewsGoogle News
લોસ એન્જલસની ભીષણ આગમાં હોલિવૂડની અનેક સેલિબ્રિટીના મકાન ખાક, ઇમરજન્સી જાહેર 1 - image


America Los Angeles Fire: અમેરિકામાં કેલિફોર્નિયાના લોસ એન્જલસ વિસ્તારમાં મંગળવારે તેજ હવાના કારણે ફેલાયેલી જંગલની આગ બેકાબુ બની હતી. કેટલીક જગ્યાએ 97 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતા આગ વધુ ફેલાઈ હતી. આ આગના કારણે એક હજારથી વધારે ઘર બળીને ખાક થઈ ગયા છે. 

હોલિવૂડ સ્ટાર્સના બંગલા પણ બળીને ખાક થઈ ગયા છે. હજારો લોકોને સુરક્ષિત સ્થળોએ ભાગવું પડ્યું હતું. આગ ફેલાતાં લોકો ઉતાવળમાં પોતાના વાહન પણ ત્યાં મૂકીને ભાગી ગયા હતાં, લોકો રસ્તા પર પગપાળા ભાગતા જોવા મળ્યા હતાં. બુધવારે લોસ એન્જલસ કાઉન્ટીમાં લગભગ 1,88,000 ઘરમાંથી વીજળી જતી રહી હતી. હવાની સ્પીડ પણ વધીને 129 કિમી પ્રતિ કલાક થઈ ગઈ હતી.

આ પણ વાંચોઃ 'આવી આગ કદી જોઈ નથી..', લોસ એન્જલસના જંગલોમાં ભીષણ દાવાનળ, 70000ને બચાવાયા

ક્યારે ઘટશે જોખમ?

લોસ એન્જલસ ફાયર ચીફ ક્રિસ્ટન ક્રોલેએ કહ્યું કે, આપણે હજુ સુધી જોખમમાંથી બહાર નથી આવ્યા. હજારો અગ્નિશામકો આગને કાબૂમાં લેવાના કામમાં જોડાયા છે. મંગળવારે સાંજે લોસ એન્જલસના ઉત્તર-પૂર્વમાં સ્થિત એક પ્રકૃતિ સંરક્ષણ વિસ્તાર પાસે આગ લાગી અને જલ્દી જ 2,000 એકરથી વધારે વિસ્તારમાં ફેલાઈ હતી.

આગ એટલી ઝડપથી ફેલાઈ હતી કે, વરિષ્ઠ નાગરિકોના એક રહેણાંક કેન્દ્રના ડઝનબંધ વડીલોને કર્મચારીઓએ વ્હીલચેર અને હૉસ્પિટલના પલંગ દ્વારા રસ્તા પર એક પાર્કિંગ સ્થળ સુધી લઈ જવા પડ્યા હતા. તેઓએ ત્યાં પહેરેલાં કપડે જ એમ્બ્યુલન્સ અને બસની રાહ જોવી પડી હતી.

5 હજાર એકરથી વધારે વિસ્તાર આગની લપેટમાં

થોડા કલાકો પહેલાં શરુ થયેલી આગે શહેરના પેસિફિક પાલિસેડ્સના નજીકના 5 હજાર એકરથી વધારે વિસ્તારને પોતાની લપેટમાં લીધા જે સમુદ્ર તટે આવેલો એક પહાડી વિસ્તાર છે. આ સાંતા મોનિકા અને માલિબૂ વચ્ચે સ્થિત છે. અહીં ઘણાં ફિલ્મ, ટેલિવિઝન તેમજ સંગીતના વિખ્યાત લોકો રહે છે. 

આ પણ વાંચોઃ અનેક દેશો પર કબજાની વાતો કરનારા ટ્રમ્પને ઝટકો, મહિલા પ્રમુખે મેક્સિકન અમેરિકાનો નક્શો જાહેર કર્યો

આગના કારણે ભાગવા માટે મજબૂર લોકોમાં જેમી લી કર્ટિસ, માર્ક હમિલ, મૈંડી મૂર અને જેમ્સ બુડ્સ જેવા સ્ટાર્સ સામેલ છે. સુરક્ષિત સ્થાન પર પહોંચવાની હડબડીમાં લોકો જે વાહનો મૂકીને ગયા હતાં, તેના કારણે પૉલિસૈડ્સ ડ્રાઇવ પર જામ લાગી ગયો અને ઇમરજન્સી સેવાના વાહનો માટે બુલડોઝરથી કારને કિનારે કરી રસ્તો બનાવવામાં આવ્યો. 56 વર્ષોથી પૉલિસૈડ્સ નિવાસી વિલ એડમ્સે કહ્યું, ત્યાં રહેતાં લોકોએ ક્યારેય આવું કંઈ નથી જોયું. તેઓએ જોયું કે, ઘર બળી રહ્યા હતા અને આકાશ ભૂરું અને કાળું થઈ ગયું હતું. 

એક્ટર જેમ્સ વુડ્સે આગનો વીડિયો પોસ્ટ કર્યો

એક્ટરે પોતાના X પ્લેટફોર્મ પર શેર કરેલાં વીડિયોમાં કહ્યું કે, મેં જોરદાર ધમાકો સાંભળ્યો, કદાચ ટ્રાન્સફોર્મર ફાટી રહ્યું હતું. એક્ટર જેમ્સ વુડ્સે પોતાના ઘરની પાસે એક પહાડી પર ઝાડીઓ અને તાડના ઝાડ વચ્ચે સળગતી આગના ફૂટેજ પોસ્ટ કર્યા હતા.


મંગળવારે મોડી રાત સુધીમાં, ગેટ્ટી વિલાના મેદાનમાં કેટલાક વૃક્ષો અને વનસ્પતિ બળી ગયા હતા, પરંતુ સ્ટાફ અને સંગ્રહાલયના સંગ્રહ સુરક્ષિત હતા. કારણ કે આસપાસની વનસ્પતિને કાપી નાખવામાં આવી હતી. વિશ્વ વિખ્યાત ગેટ્ટી મ્યુઝિયમ પ્રાચીન ગ્રીસ અને રોમન કલા અને સંસ્કૃતિ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. સાન ફર્નાન્ડો ખીણના સિલ્મરમાં રાત્રે 10:30 વાગ્યાની આસપાસ ત્રીજી આગ ફાટી નીકળી અને 500 એકરથી વધુ જમીનને પોતાની લપેટમાં લઈ લીધી. અહીં પણ લોકોને બહાર કાઢવાનું કામ તાત્કાલિક શરુ કરવું પડ્યું. બુધવારે સવારે રિવરસાઇડ કાઉન્ટીના કોચેલામાં ચોથી આગ લાગી હોવાના અહેવાલ મળ્યા હતા, જોકે તે પ્રમાણમાં નાના વિસ્તારને આવરી લેતી હતી. હાલ તેના કારણોની તપાસ કરવામાં આવી રહી છે.

ઑફ-ડ્યુટી કર્મચારીને તાત્કાલિક બોલાવવા પડ્યા

પરિસ્થિતિ એટલી વણસી ગઈ હતી કે, તેનો સામનો કરવા માટે લોસ એન્જલસ ફાયર વિભાગે પોતાના ઑફ ડ્યુટી કર્મચારીને પરત બોલાવવાની ફરજ પડી હતી. હવાની સ્પીડ ખૂબ જ તેજ હોવાના કારણે અગ્નિશમન વિમાન ઉડાડવા પડ્યા હતાં. ખરાબ હવામાનના કારણે રાષ્ટ્ર પ્રમુખ જો બાઇડેનને ઇનલૅન્ડ રિવરસાઇટ કાઉન્ટીની યાત્રા રદ કરવી પડી હતી. તે લોસ એન્જલસમાં જ રોકાયેલા હતા. જ્યાં તેઓને હોટેલથી ધુમાડો દેખાઈ રહ્યો હતો અને જંગલની આગ વિશે માહિતી મેળવી રહ્યા હતા.

રાજ્યપાલે કટોકટી લાદી

અધિકારીઓએ જણાવ્યું હતું કે લગભગ 70,000 રહેવાસીઓને સ્થળાંતર કરવાના આદેશો જારી કરવામાં આવ્યા હતા અને 13,000થી વધુ ઇમારતો જોખમમાં છે. ગવર્નર ગેવિન ન્યુસમે ઘટનાસ્થળની મુલાકાત લીધી અને કહ્યું કે ઘણા ઘરો બળી ગયા છે. તેમણે ત્યાં કટોકટી જાહેર કરી. મોટાભાગના ઈજાગ્રસ્તો એવા છે જેમણે સ્થળાંતરના આદેશોનો અનાદર કર્યો હતો.

લોસ એન્જલસની ભીષણ આગમાં હોલિવૂડની અનેક સેલિબ્રિટીના મકાન ખાક, ઇમરજન્સી જાહેર 2 - image

પ્રિયંકા ચોપરાએ વીડિયો પોસ્ટ કર્યો

લોસ એન્જલસમાં રહેતી એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાએ ત્યાંના રહેવાસીઓની સલામતી અંગે ચિંતા વ્યક્ત કરી. પ્રિયંકાએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું: "મારી સંવેદનાઓ તે બધા લોકો સાથે છે જે પ્રભાવિત થયા છે. "આશા છે કે આજે રાત્રે આપણે બધા સુરક્ષિત રહીશું.'' તેણે આગનો વીડિયો પણ પોસ્ટ કર્યો.


Google NewsGoogle News