સાયબરટ્રકમાં બ્લાસ્ટ કરવા ChatGPTનો ઉપયોગ, ટ્રમ્પની હોટલ બહારની ઘટના અંગે ખુલાસો
Tesla Cybertruck Blast: નવા વર્ષે લાસ વેગાસમાં ટ્રમ્પ ઇન્ટરનેશનલ હોટલની બહાર ટેસ્લા સાયબરટ્રકમાં થયેલા બ્લાસ્ટ મામલે મહત્ત્વનો ખુલાસો થયો છે. આ હુમલા માટે લોકપ્રિય એઆઇ ચેટબોટ ચેટજીપીટીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, સંદિગ્ધે ચેટજીપીટીની મદદથી હુમલાને અંજામ આપ્યો હતો. બ્લાસ્ટ કરવા માટે તેણે કેટલા વિસ્ફોટક પદાર્થોની જરૂર પડશે, અને કેવા પ્રકારના વિસ્ફોટકો જોઈશે, તેવો સવાલ ચેટજીપીટીને કરી માહિતી મેળવી હતી. એફબીઆઇએ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
આપઘાત કર્યો હોવાની શંકા
ટેસ્લા સાયબરટ્રકમાં થયેલા હુમલામાં સંદિગ્ધ ડ્રાઇવર મેથ્યુ લિવેલ્સબર્ગરનું મૃત્યુ થયું હતું. તે અમેરિકાની સેનામાં કાર્યરત હતો. આ ઘટનામાં તે એક જ સામેલ હતો અને એફબીઆઇના મતે તેણે અપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે સંદિગ્ધના ફોનમાંથી છ પાનાંની સુસાઇડ નોટ જપ્ત કરી છે. જેના પરથી અનુમાન લગાવ્યું છે કે, તે પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર(તણાવ)થી પીડિત હતો.
આ પણ વાંચોઃ OpenAIના CEO સેમ અલ્ટમેન પર તેની જ બહેને લગાવ્યાં જાતિય શોષણના ગંભીર આરોપ
અમેરિકામાં પ્રથમ સાયબરટ્રક બ્લાસ્ટ
લાસ વેગાસ મેટ્રોપોલિટન પોલીસે જણાવ્યું હતું કે, અમેરિકામાં પ્રથમ વખત સાયબરટ્રકમાં બ્લાસ્ટની ઘટના બની છે. હુમલાને અંજામ આપવા ચેટજીપીટીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. એઆઇની ટીકા કરતાં લોકોએ ચેટજીપીટીના લોન્ચિંગ સાથે જ તેને ઘાતક ગણાવી હતી.
કંપનીએ આપી સ્પષ્ટતા
ચેટજીપીટીએ આટલી ઘાતક ઘટનાને અંજામ આપ્યો હોવાના આક્ષેપો પર કંપનીએ સ્પષ્ટતા આપી છે કે, ચેટજીપીટી ક્યારેય કોઈને નુકસાન પહોંચાડવાના સંદર્ભ સાથે કામ કરતું નથી. આ મોડલ જોખમી આદેશો આપતું નથી. ચેટજીપીટીએ જે માહિતી આપી તે વોર્નિંગ નોટિફિકેશન સાથે આપી હતી. તેમાં પણ આ માહિતી અગાઉથી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ હતી.
ન્યૂ ઓર્લિયન્સ ઘટના સાથે કોઈ લેવાદેવા નહીં
ન્યૂ યરના દિવસે અમેરિકામાં બે ઘાતકી હુમલા થયા હતા. એક ટેસ્લા સાયબરટ્રકમાં બ્લાસ્ટ અને બીજી ન્યૂ ઓર્લિયન્સમાં ટ્રક ચાલકે અનેક લોકોને કચડી નાખવાની ઘટના. આ બંને ઘટનાના આરોપી અમેરિકાની સેનામાં કાર્યરત હતા. જેથી એફબીઆઇએ આ ઘટનાની કડી જોડી હતી. પરંતુ આ બંને ઘટના અલગ-અલગ હોવાની સ્પષ્ટતા એફબીઆઇએ આપી છે. ન્યુ ઓર્લિન્સનો હુમલાખોર પણ પત્ની સાથે છૂટાછેડા થયા હોવાથી તણાવમાં હોવાનું જાણવા મળ્યું હતું.