મિસ્ટર ટ્રમ્પ, તમને કોર્ટ બહાર મોકલી દેવાશે...સુનાવણી દરમિયાન વારંવાર ટિપ્પણી કરી રહેલા ટ્રમ્પ પર અકળાયા જજ
Image Source: Twitter
ન્યૂયોર્ક, તા. 18 જાન્યુઆરી 2024
અમેરિકામાં પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સામે ચાલી રહેલા કેસની સુનાવણી દરમિયાન ટ્રમ્પ કોર્ટમાં જ જજ સાથે ભિડાઈ ગયા હતા.
કેસની સુનાવણી દરમિયાન કંઈને કંઈ ટિપ્પણી કરી રહેલા ટ્રમ્પને જજે ચૂપ રહેવાની ચેતવણી આપી હતી. જોકે દર વખતે ટ્રમ્પે આ વોર્નિંગને નજર અંદાજ કરી હતી. છેવટે રોષે ભરાયેલા ન્યાયધીશે ટ્રમ્પને કહ્યુ હતુ કે, જો તમે આ પ્રકારની હરકતો કરવાનુ ચાલુ રાખશો તો તમને કોર્ટની બહાર મોકલી દેવામાં આવશે.
તેના પર ટ્રમ્પે એવો જવાબ આપ્યો હતો કે તેની કલ્પના કદાચ જજે પણ નહીં કરી હોય. ટ્રમ્પે કહ્યુ હતુ કે, તમે જો આવુ પગલુ ભરશો તો મને સારુ લાગશે. ટ્રમ્પનો જવાબ સાંભળીને જજ લુઈસ કેપ્લાન પણ હેરાન થઈ ગયા હતા.
જજ કેપ્લાને તો ત્યાં સુધી કહ્યુ હતુ કે, ટ્રમ્પ આ જ રીતે ચાલુ સુનાવણીમાં દખલગીરી કરવાનુ ચાલુ રાખશે તો આ કેસની સુનાવણીમાં હાજર રહેવાના તેમના અધિકારને પણ રદ કરી દેવામાં આવશે.
ટ્રમ્પ સામે ન્યૂયોર્કની મેનહટ્ટન કોર્ટમાં યૌન શોષણનો કેસ ચાલી રહ્યો છે. જેની સુનાવણીમાં ટ્રમ્પ બુધવારે હાજર રહ્યા હતા. જોકે ટ્રમ્પની હરકતો બાદ જજે કહ્યુ હતુ કે, મિસ્ટર ટ્રમ્પ મને આશા છે કે તમે મને આ મામલાનુ સુનાવણીમાં તમને હાજર નહીં રાખવાનો નિર્ણય લેવા માટે મજબૂર નહીં કરે. તમે તમારા પર કંટ્રોલ નથી રાખી શકતા તે દેખાઈ રહ્યુ છે.
જેના જવાબમાં ટ્રમ્પે ધીમા અવાજે કહ્યુ હતુ કે, તમે પણ મને મજબૂર નહીં કરી શકો.
આ ઘટના બન્યા બાદ પત્રકારો સાથેની વાતચીતમાં ટ્રમ્પે ન્યાયાધીશની ટીકા કરી હતી અને તેમને ક્લિન્ટન સરકાર દ્વારા નિયુક્ત કરાયેલા એક ખરાબ જજ અને મારા પ્રત્યે નફરત કરનાર વ્યક્તિ ગણાવ્યા હતા.