શપથ પહેલાં ટ્રમ્પની સામે થયા ઉપપ્રમુખ! હિંસાના આરોપીઓને મુક્ત કરવા મામલે ખટપટ
US President Donald Trump: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની હિંસાના તમામ આરોપીઓને માફ કરવાની જાહેરાતનો નવા ચૂંટાયેલા ઉપપ્રમુખ ડી વેન્સે વિરોધ કર્યો છે. ટ્રમ્પે થોડા સમય પહેલાં જ નિવેદન આપ્યું હતું કે, '2020ની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં મારી હાર બાદ ફાટી નીકળેલી હિંસાના આરોપીઓની સજા માફ કરવા મારી શક્તિઓનો ઉપયોગ કરીશ.' જેનો જેડી વેન્સ દ્વારા વિરોધ કરતાં રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ વચ્ચે ખટપટ શરૂ થઈ છે.
ઉપપ્રમુખ જેડી વેન્સે જણાવ્યું હતું કે, 'માફીનો મુદ્દો અત્યંત સરળ છે. જેમણે શાંતિપૂર્વક વિરોધ કર્યો, તેમને માફી આપવી જોઈએ, પરંતુ જેઓએ હિંસા કરી છે, તેમને માફ કરવા જોઈએ નહીં. છ જાન્યુઆરીની હિંસામાં 1500થી વધુ લોકો પર આરોપો મૂકાયા હતા. આ ઘટનામાં 100થી વધુ પોલીસ અધિકારીઓ ઘાયલ થયા હતા.'
આ પણ વાંચોઃ દુનિયાની સૌથી ઊંચી ઈમારત બુર્જ ખલીફાના માલિક કોણ છે? નિર્માણમાં રાષ્ટ્રપતિએ કરી હતી આર્થિક મદદ
ટ્રમ્પ વિરૂદ્ધ કેસ લડનારા સ્મિથે રાજીનામું આપ્યું
ડોનાલ્ડ ટ્રમ્પ વિરૂદ્ધ આ હિંસા મામલે કેસ લડનારા અમેરિકાના સ્પેશિયલ પ્રોસિક્યુટર જેક સ્મિથે ગત શુક્રવારે રાજીનામું આપ્યું હતું. સ્મિથનું રાજીનામું આવકારતાં ટ્રમ્પે સોશિયલ મીડિયા પર સ્મિથ પર અનેક પરિવારોના જીવનને નષ્ટ કરવાનો આરોપ મૂક્યો હતો.
કેપિટલ હીલ્સમાં હિંસા થઈ હતી
અમેરિકામાં 2020ની પ્રમુખની ચૂંટણીમાં ટ્રમ્પની હાર બાદ છ જાન્યુઆરી, 2021ના રોજ કેપિટલ હિલ્સમાં હિંસક વિરોધ પ્રદર્શનો થયા હતાં. ટ્રમ્પ પર આ હિંસક પ્રદર્શનો કરવા તેમજ રાષ્ટ્રપતિ કાર્યાલય છોડ્યા બાદ ગેરકાયદે ગોપનીય દસ્તાવેજો પોતાની પાસે રાખવાના આરોપસર સ્મિથે ટ્રમ્પ વિરૂદ્ધ સ્પેશિયલ પ્રોસિક્યુટર તરીકે કેસ લડ્યો હતો. ટ્રમ્પ ફરી રાષ્ટ્રપતિ તરીકે સત્તા પર આવતાં સ્મિથે આ બંને કેસો પાછા ખેંચ્યા હતા. આમ કરવા પાછળનું કારણ જણાવતાં કહ્યું હતું કે, 'ન્યાય વિભાગના નિયમોનુસાર, રાષ્ટ્રપતિ પર કેસ ચલાવી શકાય નહીં.' તદુપરાંત સ્મિથે સાત જાન્યુઆરીના રોજ સિક્રેટ રિપોર્ટ જમા કરાવી 10 જાન્યુઆરીએ રાજીનામું આપ્યું હતું.