અમેરિકા ડોલરનો રાજકીય હથિયાર તરીકે ઊપયોગ કરી રહ્યું છે : પુતિન
યુએસ ડોલર સામે રશિયા-ચીને નેતૃત્વ સંભાળ્યું
મોસ્કો: દુનિયામાં ડોલરનું પ્રભુત્વ ઘટાડવા માટે બ્રિક્સ દેશો બ્રિક્સ બેન્કનોટ બનાવવા માટે વિચારણા કરી રહ્યા છે. હાલ બ્રિક્સ દેશોનું સંયુક્ત ચલણ અવાસ્તવિક લાગે પરંતુ આ ચર્ચાએ વૈશ્વિક નાણાકીય વ્યવસ્થામાં પરિવર્તનની ચર્ચાને બળ આપ્યું છે. બ્રિક્સ દેશોના આ પ્રયત્નને એવી વધુ સ્વતંત્ર આર્થિક વ્યવસ્થા બનાવવાના પ્રયત્ન તરીકે જોવામાં આવે છે, જે પશ્ચિમી નાણાકીય માળખા પર ઓછી નિર્ભર હોય.
યુક્રેન પર હુમલા પછી અમેરિકા અને પશ્ચિમી દેશોએ રશિયા પર અનેક પ્રકારના આર્થિક પ્રતિબંધો મૂકી દીધા છે. બ્રિટન અને યુરોપીયન સંઘની સાથે ઓસ્ટ્રેલિયા, કેનેડા અને જાપાન સહિત અનેક દેશોએ રશિયા પર ૧૬,૫૦૦થી વધુ પ્રતિબંધો મૂક્યા છે. આ પ્રતિબંધો હેઠળ રશિયાની લગભગ અડધી વિદેશી કરન્સી એટલે કે ૨૭૬ અબજ ડોલર ફ્રિઝ કરી દેવાઈ છે. આ સિવાય યુરોપીયન સંઘે રશિયન બેન્કોની લગભગ ૭૦ ટકા સંપત્તિ જપ્ત કરી લીધી છે અને તેને સ્વિફ્ટ બેન્કિંગ વ્યવસ્થામાંથી બહાર કરી દીધી છે.
વૈશ્વિક આર્થિક લેવડ-દેવડમાં અમેરિકા અને પશ્ચિમી દેશોનું પ્રભુત્વ ઘટાડવા માટે રશિયા અને ચીને અમેરિકન ડોલરને નબળો પાડવાના બ્રિક્સના અભિયાનનું નેતૃત્વ લીધું છે. રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિનનું કહેવું છ ેકે બ્રિક્સ રાષ્ટ્ર અમેરિકન ડોલરનો સંપૂર્ણપણે અસ્વીકાર નથી કરી રહ્યા, પરંતુ ડોલર સુધીની પહોંચ મર્યાદિત હોવાની સ્થિતિમાં વિકલ્પ તૈયાર કરી રહ્યા છે. અમેરિકા ડોલરનો રાજકીય હથિયાર તરીકે ઊપયોગ કરી રહ્યું છે, જેથી તેના પર દુનિયાનો વિશ્વાસ ઘટયો છે. વેપાર માટે વૈકલ્પિક ચલણોની શોધ કરીને બ્રિક્સ એવા રાજકીય પ્રયત્નોથી ઉત્પન જોખમો ઘટાડવા માગે છે.