દુનિયાના સૌથી ધનિક વ્યક્તિએ કહ્યું - અમેરિકા નાદારીની અણીએ, દેવાના બોજ તળે દટાયું
Elon Musk's post created a stir : વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા અને દુનિયાનો સૌથી શક્તિશાળી દેશ એવો અમેરિકા નાદારીના માર્ગે છે. આવું નિવેદન કોઈ કરે તો સૌને ટાઢા પહોરના ગપ્પા જેવું લાગે, પણ જો આવું સ્ટેટમેન્ટ દુનિયાનો સૌથી અમીર વ્યક્તિ આપે તો? તો એમ થાય કે વાતમાં કંઈક તો વજૂદ હશે. કંઈક એવું જ બન્યું છે હાલમાં. અમેરિકાની કંપની ‘ટેસ્લા’ના ચીફ અને વિશ્વના સૌથી અમીર વ્યક્તિ ઈલોન મસ્કે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર આવું નિવેદન લખ્યું છે, જેને લીધે સનસનાટી મચી ગઈ છે. ચાલો જાણીએ કે, મસ્કે આવું શા માટે લખ્યું.
દેવાના બોજ તળે દટાયેલી મહાસત્તા
છેલ્લા ઘણા સમયથી અમેરિકા તોતિંગ દેવાના બોજ તળે દબાયેલું હોવાની ચર્ચા થતી રહેતી હતી. ડૉનાલ્ડ ટ્રમ્પે પણ પોતાના ચૂંટણી પ્રચારમાં અમેરિકાના ખર્ચ પર કાપ મૂકવાની તાતી જરૂર હોવાનું કહ્યું હતું. તાજા આંકડા જોઈએ તો અમેરિકાનું રાષ્ટ્રીય દેવું 36 ટ્રિલિયન ડૉલરને વટાવી ગયું છે. છેલ્લા ચાર મહિનામાં દેવું એક ટ્રિલિયન ડૉલર વધી ગયું છે. પ્રત્યેક અમેરિકન નાગરિક પર હાલમાં એક લાખ ડૉલરથી વધુના દેવાનો બોજ છે.
સરકારી ખાતાએ જાહેર કર્યા આંકડા
શનિવાર, 23 નવેમ્બર, 2024 ના રોજ અમેરિકાના સરકારી ખાતા ‘ડિપાર્ટેમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિયન્સી’ (DOGE) દ્વારા સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક પોસ્ટમાં ડેટા જાહેર કરવામાં આવ્યા હતા. પોસ્ટમાં લખાયું હતું કે, નાણાકીય વર્ષ 2023 માં અમેરિકન સરકારને આવકવેરો, પગારપત્રક ટેક્સ, કોર્પોરેટ આવકવેરો સહિત કસ્ટમ ડ્યુટી, વેચાણ અને આબકારી કર અને અન્ય સ્ત્રોતોમાંથી 4.47 ટ્રિલિયન ડોલરની આવક થઈ હતી અને સામાજિક સુરક્ષા, રાષ્ટ્રીય સંરક્ષણ અને વેટરન્સ, મેડિકેર, લોન પર વ્યાજની ચુકવણી, રાજ્યોમાં ટ્રાન્સફર અને અન્ય બાબતો પર કુલ 6.16 ટ્રિલિયન ડોલરનો ખર્ચ થયો હતો, એટલે કે અમેરિકાએ નાણાકીય વર્ષ 2023માં 2.31 ટ્રિલિયન ડૉલરની ખોટ કરી છે.
દાયકાઓથી ખોટ ખાય છે અમેરિકા
સરકારી કાર્યક્ષમતા વિભાગે એમ પણ જણાવ્યું હતું કે, અમેરિકાની જાવક કરતાં આવક વધુ હોય એવું છેલ્લે વર્ષ 2001માં જોવા મળ્યું હતું. એટલે કે છેલ્લા બે દાયકા કરતાં વધુ સમયથી અમેરિકા ખોટમાં ચાલી રહ્યું છે. સરકારી વિભાગે દર્શાવેલા આંકડાઓને આધારે જ ઈલોન મસ્કએ લખ્યું છે કે, અમેરિકા નાદારીને આરે છે.
જવાબદારી આવી પડી છે ટ્રમ્પ પર
ડોનાલ્ડ ટ્રમ્પ જાન્યુઆરી 2025થી પ્રમુખ પદે કામગીરી શરૂ કરશે ત્યારે એમના પર સૌથી મોટી જવાબદારી અમેરિકાને દેવાના ડુંગર તળેથી બહાર કાઢવાની રહેશે. ટ્રમ્પ પોતાના ચૂંટણી પ્રચાર દરમિયાન પણ વારંવાર કહી ચૂક્યા છે કે, અમેરિકાએ વલણ બદલવાની જરૂર છે, અમારે અમારા બજેટને સંતુલિત કરવાની જરૂર છે.
નવું ડિપાર્ટમેન્ટ પાર પાડશે આ ભગીરથ કામ?
અમેરિકાની આર્થિક ગાડી પાટા પર લાવવા માટે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ‘ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિયન્સી’ (DOGE)ની રચના કરવામાં આવી છે, જેણે અમેરિકામાં 500 બિલિયન ડોલર જેટલો ખર્ચ ઘટાડવાની યોજના તૈયાર કરી છે. DOGEની કમાન ઈલોન મસ્ક અને વિવેક રામાસ્વામીને સોંપવામાં આવી છે. એ બંને અમેરિકાના ઘણા વિભાગોમાં ખર્ચમાં ઘટાડો કરશે. જે વિભાગો અને મંત્રાલયોના ખર્ચમાં કાપ મુકવામાં આવશે એમાં મુખ્યત્વે હેલ્થકેર અને બાળકો માટે આપવામાં આવતી ગ્રાન્ટનો તથા નાસાના બજેટનો સમાવેશ થાય છે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે, આ બે અમેરિકનો મારા વહીવટ માટે સરકારી અમલદારશાહીને દૂર કરવા, વધુ પડતા નિયમોને દૂર કરવા, નકામા ખર્ચમાં ઘટાડો કરવા અને ફેડરલ એજન્સીઓને પુનઃસંગઠિત કરવાનો માર્ગ મોકળો કરશે. આ બધાં જ પગલાં અમેરિકાને બચાવવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.