અમેરિકા હવે કેનેડાની પાછળ પડ્યું... એક મોટા સંગઠનમાંથી તગેડી મૂકવાનો પ્રસ્તાવ રજૂ
Five Eyes Intelligence Group: અમેરિકા હવે કેનેડાને ફાઈવ આઈઝ ગ્રુપમાંથી બહાર કરવાની યોજના બનાવી રહ્યું છે. જોકે, અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આ અંગે સત્તાવાર રીતે કંઈ કહેવામાં નથી આવ્યું. એવા અહેવાલો છે કે આ ઈન્ટેલિજન્સ ગ્રુપમાંથી કેનેડાને બહાર કરવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. કેનેડા તરફથી આ મામલે હજુ કોઈ પ્રતિક્રિયા નથી આવી.
ફાઈવ આઈઝ ગ્રુપમાંથી તગેડી મૂકવાનો પ્રસ્તાવ રજૂ
મીડિયા અહેવાલ પ્રમાણે પ્રમુખ ટ્રમ્પના સૌથી નજીકના સલાહકાર પીટર નવારોએ કેનેડાને ફાઈવ આઈઝ ગ્રુપમાંથી તગેડી મૂકવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. ગુપ્ત માહિતી શેર કરનારા આ ગ્રુપમાં અમેરિકા અને કેનેડા ઉપરાંત બ્રિટન, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ સામેલ છે. મળતા અહેવાલ પ્રમાણે નવારો કેનેડાને આ ગ્રુપમાંથી બહાર કરવાના મુદ્દા પર ભાર મૂકી રહ્યા છે.
જોકે, હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે ટ્રમ્પ આ પ્રસ્તાવને સમર્થન આપી રહ્યા છે કે નહીં. મહત્વની વાત એ છે કે, તેઓ પહેલા જ કેનેડાને અમેરિકાનું રાજ્ય બનાવવાની પોતાની યોજનાની જાહેર કરી ચૂક્યા છે. આ સાથે જ તેઓ ટેરિફ વધારવાની ધમકી પણ આપી ચૂક્યા છે.
આ પણ વાંચો: 50 લાખ ડૉલર આપો અને અમેરિકાના નાગરિક બનો... હવે ટ્રમ્પ લાવ્યા 'ગોલ્ડ કાર્ડ' યોજના
ટ્રમ્પનો ઈરાદો માત્ર વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોને ઉશ્કેરવાનો નથી
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે વર્ષ 2016ની ચૂંટણીમાં ટ્રમ્પની જીતમાં મોટી ભૂમિકા ભજવનાર સ્ટીવ બેનન પણ કેનેડાને અમેરિકા સાથે જોડવાની યોજનાની ગંભીરતા પર વાત કરી રહ્યા છે. તેમણે કહ્યું છે કે, 'કેનેડાએ સમજવું જોઈએ કે ટ્રમ્પ આ અંગે ખૂબ જ ગંભીર છે અને તેમનો ઈરાદો માત્ર વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોને ઉશ્કેરવાનો નથી.' જોકે, તેમણે એમ પણ કહ્યું કે, 'કેનેડાને ફાઇવ આઇઝમાંથી દૂર કરવાથી માત્ર અમેરિકાને જ નુકસાન થઈ શકે છે.'