અમેરિકા ફરી ડોનાલ્ડ ટ્રમ્પને હવાલે .
- ગુડબાય વિશેષ પૂર્તિ - ભવેન કચ્છી, પ્રદીપ ત્રિવેદી
ડો નાલ્ડ ટ્રમ્પ પર જે રીતે કોર્ટમાં કેસ ચાલતા હતા અને તેની માફિયા જેવી ઈમેજ હતી તે જોતાં છેક આ વર્ષના પ્રારંભે પણ મોટાભાગના રાજકીય વિશ્લેષકો અને અમેરિકાના નાગરિકોનો મોટો વર્ગ એવું માનતો હતો કે ડોનાલ્ડ ટ્રમ્પ ચુંટાઈ તેવી શક્યતા નહિવત્ છે પણ બાઇડેનના શાસનમાં ''અમેરિકાનું કથળેલ અર્થતંત્ર અને વિશેષ કરીને અન્ય દેશોના નાગરિકોને ગેરકાયદેસર બેફામ પ્રવેશ જારી રખાયો'' તે મુદ્દાને બરાબર પકડીને ટ્રમ્પ ફરી એ જ 'અમેરિકા ફર્સ્ટ'ના મંત્ર સાથે પ્રચાર કરતાં રહ્યાં. બાઇડેનના કાર્યકાળમાં ચીન પણ મજબૂત બનતું રહ્યું. વલણ કૂણું રહ્યું. તેના કરતા પણ વિશેષ ક્ષીણ થઈ ચૂકેલ યાદશક્તિ અને અવારનવાર ચક્કર આવી જાય તેવી વૃદ્ધાવસ્થા જાહેરમાં ડોકાઈ. આમ છતાં ડેમોક્રેટિક પક્ષે ધરાર તેમને ઉમેદવાર તરીકે ઊભા રાખ્યા અને ટ્રમ્પ સામેની પ્રથમ જાહેર ડીબેટમાં બાઇડને છબરડા વાળ્યા. બાઇડેન રેસમાંથી ખસી ગયા અને કમલા હેરિસને તેમને સ્થાને પ્રેસિડેન્ટના ઉમેદવાર તરીકે જાહેર કરાયા તે સાથે જ ટ્રમ્પની જીત લગભગ નિશ્ચિત થઈ ગઈ હતી. નવાઈની વાત તો એ છે કે ટ્રમ્પ ૨૦૧૬ કરતા પણ ઘણી મજબુતાઈ અને સરસાઇ સાથે તેઓ ૨૦૨૪માં જીત્યા આ કદાચ તેમણે અને તેમના રિપબ્લિકન પક્ષે પણ ધાર્યું નહીં હોય. ટ્રમ્પને ૩૧૨ ઇલેક્ટોરલ વોટ અને કમલા હેરિસને ૨૨૬ આવા વોટ મળ્યા.૩૧ રાજ્યોમાં ટ્રમ્પને સરસાઇ પ્રાપ્ત થઈ. પોપ્યુલર વોટની રીતે ટ્રમ્પને ૭,૭૨,૬૯,૨૫૫ અને હેરીસને ૭,૪૯,૮૩૫૫ મત મળ્યા હતા અમેરિકાના ૪૭માં પ્રમુખ બન્યા. ટ્રમ્પના જોડીદાર જેમ્સ વાન્સ વાઇસ પ્રેસિડેન્ટ બન્યા. ટ્રમ્પે ૨૦૧૬નો એજન્ડા જ જારી રાખ્યો છે. અમેરિકાના ઉપપ્રમુખ જેમ્સ વાન્સના પત્ની ઉષા ચિલુકુરી મૂળ તમિલ માતાપિતાનું સંતાન છે ૩૮ વર્ષીય ઉષાનો જન્મ સાન ડિએગોમાં થયો છે. ટ્રમ્પ તેના વિજયની ઉજવણી વખતે તેના પરિવારને પણ સાથે રાખીને તેઓનો આભાર માન્યો હતો. ૨૦મી જાન્યુઆરીએ શપથ લઈને ટ્રમ્પ તેના કાર્યકાળનો ચાર વર્ષ માટે પ્રારંભ કરશે. એક કરતા વધુ યુદ્ધ, વૈશ્વિક મંદી, પર્યાવરણની ભયજનક અસમતુલા અને રશિયા, ચીન અને નોર્થ કોરિયાની ધરી જેવા પડકારો સામે ટ્રમ્પ કઈ રણનીતિ અપનાવે છે તેના પર અમેરિકા જ નહીં વિશ્વ કઈ દિશામાં જશે તેની પણ અવનવી થિયરી વિશ્લેષકોમાં વહેતી થઈ છે.
ટ્રમ્પની હત્યાનો પ્રયાસ ..આબાદ રીતે જીવતદાન મળ્યું
અમેરિકાના પ્રમુખની ચુંટણીના પ્રચાર દરમિયાન રિપબ્લિકન પક્ષના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ પેન્સિલવેનિયામાં સભાને સંબોધી રહ્યા હતા ત્યારે અચાનક એક ગોળી વીજળીવેગે તેમના જમણા કાનની બૂટને ઇજા પહોંચાડતી પસાર થઈ ગઈ. ત્વરિત જ ટ્રમ્પની સિક્રેટ સર્વિસના કમાન્ડોએ તેમને કવર કરીને સુરક્ષિત જગ્યાએ પહોંચાડયા. ૨૦ વર્ષીય થોમસ ક્રૂક નામના શનકી દિમાગના વ્યકિતએ સભા સ્થળથી દૂર છાપરા પરથી એર રાયફલ વડે ગોળીબાર કર્યો હતો. એક પ્રેક્ષકનું અન્ય એક ગોળી વિંધાવાથી મૃત્યુ થયું હતું. સિક્રેટ સર્વિસે ક્રૂકને ત્યાં જ ઠાર કર્યો હતો. ટ્રમ્પને આ હુમલા બાદ સહાનુભૂતિ પ્રાપ્ત થઈ હતી.
વધુ એક ટર્મ બ્રિટનના વડાપ્રધાન બનવાની રિશી સુનકની મુરાદ ન ફળી : કેઈર સ્ટાર્મેર વડાપ્રધાન બન્યા
બ્રિટનની લોકસભાની ચુંટણીમાં લેબર પાર્ટીએ રિશી સુનકના નેતૃત્વ હેઠળની કન્ઝર્વેટિવ પાર્ટીને ધાર્યા કરતા ઘણી સખ્ત હાર આપી હતી આમ રિશી સુનકનું ફરી વડાપ્રધાન બનવાનું સ્વપ્ન રોળાયું હતું. લેબર પાર્ટીને ૪૧૧ બેઠકો મળી હતી જ્યારે કન્ઝેર્વેટીવ પાર્ટીને તેના ઇતિહાસની સૌથી ઓછી માત્ર ૧૨૧ બેઠકો જ મળી શકી હતી. લેબર પાર્ટીએ વડાપ્રધાન તરીકે કેઈર સ્ટાર્મેરને ચૂંટી કાઢયા હતા. લેબર પાર્ટી આ સાથે ૨૦૦૫ પછી ફરી સત્તા પર આવી હતી. રિશી સુનક મૂળ ભારતીય અને ઈન્ફોસીસ કંપનીના સ્થાપક નારાયણ મૂર્તિના જમાઈ અને હિંદુ ધર્મ અને ભારતીય સંસ્કૃતિ પ્રત્યે જાહેરમાં આદર વ્યક્ત કરતા હોઈ ભારતીયોને તેના માટે માન હતું.