અમેરિકા પણ વિનાશ તરફ આગળ વધી રહ્યુ છે, પુતિન વિરોધી નવલનીના મોત પર ટ્રમ્પની પ્રતિક્રિયા

Updated: Feb 20th, 2024


Google NewsGoogle News
અમેરિકા પણ વિનાશ તરફ આગળ વધી રહ્યુ છે, પુતિન વિરોધી નવલનીના મોત પર ટ્રમ્પની પ્રતિક્રિયા 1 - image

image : Twitter

વોશિંગ્ટન,તા.20 ફેબ્રુઆરી 2024,મંગળવાર

રશિયન રાષ્ટ્રપતિ પુતિનના કટ્ટર રાજકીય વિરોધી એલેક્સી નવલનીનુ તાજેતરમાં જ રશિયાની જેલમાં રહસ્યમય સંજોગોમાં મોત થયા બાદ અમેરિકામાં પણ તેને લઈને પ્રત્યાઘાતો જોવા મળી રહ્યા છે.

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ અને હવે યોજાનારી ચૂંટણીમાં ફરી ઝુકાવવા માટે તૈયારી કરી રહેલા ડોનાલ્ડ ટ્રમ્પે આ મામલા પર પોતાનુ મૌન તોડ્યુ છે. જોકે તેમણે પોતાના નિવેદનમાં ક્યાંય પુતિનનુ નામ લીધુ નથી અને પુતિનની સીધા શબ્દોમાં નવલનીના મોત બદલ નિંદા પણ કરી નથી.

જોકે તેમણે નવલનીના મોતની સરખામણી પોતાના પર થઈ રહેલા રાજકીય અત્યાચાર સાથે કરી છે અને હાલના રાષ્ટ્રપતિ જો બાઈડનન પર દેશને બરબાદ કરવાનો આરોપ પણ મુકયો છે. ટ્રમ્પે કહ્યુ છે કે, નવલનીના અચાનક મોતથી મને અહેસાસ થઈ રહ્યો છે કે, અમેરિકામાં શું ચાલી રહ્યુ છે...અમેરિકા ધીમી ગતિથી પણ સતત વિનાશના રસ્તા પર આગળ વધી રહ્યુ છે. જેના માટે દેશના કટ્ટરવાદી ડાબેરી  નેતાઓ,  સરકારી વકીલો તેમજ ન્યાયાધીશો જવાબદાર છે.

તેમણે આગળ કહ્યુ છે કે, દેશની ખુલ્લી બોર્ડરો, ચૂંટણીમાં ગરબડો અને સંપૂર્ણપણે અયોગ્ય કોર્ટના ચુકાદાઓ દેશને ખતમ કરી રહ્યા છે. આપણે એવા દેશમાં રહીએ છે જે સતત નબળો પડી રહ્યો છે. અમેરિકાની ગણતરી હવે નિષ્ફળ દેશોમાં થવા માંડી છે.

ઉલ્લેખનીય છે કે, અમેરિકન રાષ્ટ્રપતિ બાઈડન પહેલા જ કહી ચુકયા છે કે એલેક્સી નવલનીના મોત માટે પુતિન જ જવાબદાર છે અને નવલની સાથે જે પણ થયુ છે તે પુતિનની ક્રુરતાનો વધુ એક પૂરાવો છે.


Google NewsGoogle News