અમેરિકાએ ભારત સહિત 12થી વધુ દેશની 398 કંપની પર મૂક્યો બૅન, રશિયાની મદદ કરવાનો આરોપ
USA Ban on Company News | યુક્રેન સામેના યુદ્ધમાં રશિયાને મદદ કરવા બદલ અમેરિકાએ ભારત, ચીન, રશિયા સહિતના 12થી વધુ દેશોની 398 કંપનીઓ પર પ્રતિબંધો મૂક્યા છે. અમેરિકાના ટ્રેઝરી અને વિદેશ ડિપાર્ટમેન્ટ દ્વારા આ પ્રતિબંધો મૂકવામાં આવ્યા છે.
રશિયાને મદદ કરવા બદલ સજા આપવાના ઉદ્દેશથી અમેરિકા દ્વારા આ કંપનીઓ પર પ્રતિબંધો મૂકવામાં આવ્યા છે. ટ્રેઝરી ડિપાર્ટમેન્ટે 274 કંપનીઓ પર રશિયાને એડવાન્સ્ડ ટેકનોલોજી પૂરી પાડવાનો આરોપ મૂક્યો છે.
આ ઉપરાંત અમેરિકાના વિદેશ વિભાગે રશિયાના સંરક્ષણ મંત્રાલયના અધિકારીઓ પર રાજદ્વારી પ્રતિબંધો મૂક્યા છે. આ ઉપરાંત અમેરિકાના વિદેશ મંત્રાલયે રશિયાને નિકાસ કરવા બદલ ચીનની સંરક્ષણ કંપનીઓ પર પ્રતિબંધો મૂકયા છે. અમેરિકાના ટ્રેઝરી ડિપાર્ટમેન્ટના ડેપ્યુટી સેક્રેટરી વેલી એડેયેમોએ જણાવ્યું છે કે અમેરિકા અને તેના સહયોગી રાષ્ટ્રોએ નક્કી કર્યુ છે કે યુક્રેન સામેના યુદ્ધમાં રશિયાને અન્ય રાષ્ટ્રો તરફથી મદદ રોકવામાં આવે.
ઉલ્લેખનીય છે કે રશિયાએ જ્યારથી યુક્રેન સામે યુદ્ધ શરૂ કર્યુ છે ત્યારથી અમેરિકાએ રશિયન કંપનીઓ અને તેનો પુરવઠો પાડતી અન્ય દેશોની કંપનીઓ સામે હજારો પ્રતિબંધો મૂક્યા છે.
જો કે તાજેતરમાં બાઇડેન વહીવટી તંત્રે જણાવ્યું હતું કે ફક્ત પ્રતિબંધો મૂકવાથી રશિયાનું યુક્રેન સામેનું યુદ્ધ સમાપ્ત થશે નહીં. કેટલાક નિષ્ણાતોનું માનવું છે કે અમેરિકા દ્વારા મૂકવામાં પ્રતિબંધો એટલા મજબૂત નથી કે રશિયાને યુદ્ધ બંધ કરવા મજબૂર થવું પડે.