'હું ઈચ્છું છું કે અતિ સક્ષમ લોકો જ અમેરિકા આવે...' H-1B વિઝા અંગે ટ્રમ્પનું ચોંકાવનારું નિવેદન
Donald Trump on H-1B Visa: અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શપથ લીધા બાદ જ એક્શન મોડમાં આવી ગયા. તેણે પહેલા જ દિવસે ઘણા મોટા નિર્ણયો લીધા છે. જયારે હવે ટ્રમ્પે મંગળવારે કહ્યું કે, 'મને H-1B વિઝા પર બંને પક્ષો પસંદ છે. મને એવા સક્ષમ લોકો ગમે છે જેઓ દેશમાં કામ કરવા આવે છે.'
H-1B વિઝા બાબતે ટ્રમ્પે કહ્યું, 'હું માત્ર એન્જિનિયરોની વાત નથી કરી રહ્યો. હું દરેક સ્તરના લોકો વિશે વાત કરી રહ્યો છું, જે લોકો અહીં આવે છે અને તેમની શ્રેષ્ઠ ક્ષમતા મુજબ કામ કરે છે. આ માત્ર વિશેષ ક્ષમતાઓ ધરાવતા લોકો માટે જ નથી.'
H-1B પ્રોગ્રામ દેશમાં લાયકાત ધરાવતા લોકોને લાવે છે
ડોનાલ્ડ ટ્રમ્પે H-1B પર કહ્યું, 'મને ચર્ચાની બંને બાજુ ગમે છે. મને પણ સક્ષમ લોકો આપણા દેશમાં આવતા જોવું ગમે છે. હું તેને રોકવા માંગતો નથી અને હું માત્ર એન્જિનિયરોની વાત નથી કરતો. હું દરેક સ્તરના લોકો વિશે વાત કરું છું. હું H-1B પ્રોગ્રામને સારી રીતે જાણું છું. અમેરિકાને સારા લોકોની જરૂર છે. આપણે દેશમાં ગુણવત્તાયુક્ત લોકોને લાવવા પડશે. જ્યારે અમે આ કરીશું ત્યારે અમારો વ્યવસાય વિસ્તરશે અને તે દરેકને મદદ કરશે.'
H-1B વિઝા પર ટ્રમ્પના સમર્થકોમાં વિભાજન છે
ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ કર્યું હતું કે, 'અમેરિકન નોકરીઓની સાથે તેમના માટે કંપનીઓની જરૂરિયાતો પણ મહત્વપૂર્ણ છે. તેથી તે આ મામલે સંતુલન જાળવવા માંગે છે. ટ્રમ્પનું આ વલણ અમુક અંશે ભારતીયો માટે રાહતરૂપ બની શકે છે. તેનું કારણ એ છે કે અમેરિકામાં મોટી સંખ્યામાં ભારતીયો વસે છે. H-1B વિઝા પ્રોગ્રામમાં કોઈપણ ફેરફારની સીધી અસર ભારતીયો પર પડે છે. જો કે, ટ્રમ્પ H-1B વિઝા પર કેવી રીતે આગળ વધે છે તે જોવું રહ્યું.
ઇલોન મસ્કનું H-1B વિઝાને સમર્થન
H-1B વિઝા એક એવો પ્રોગ્રામ છે જેના દ્વારા વિદેશી કામદારોને અમેરિકામાં કામ કરવાની મંજૂરી આપવામાં આવે છે. ખાસ કરીને ટેકનિકલ ક્ષેત્રે આ કાર્યક્રમનું વિશેષ મહત્ત્વ છે. આ વિઝા પ્રોગ્રામ પર ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકોમાં બે મત જોવા મળ્યા છે. તેમના ખૂબ જ નજીકના અબજોપતિ બિઝનેસ માલિક ઇલોન મસ્ક આ વિઝાને સમર્થન આપે છે. તેમનું માનવું છે કે આનાથી અમેરિકામાં લાયક પ્રોફેશનલ્સ આવે છે. ટ્રમ્પના ઘણા સમર્થકો તેનો વિરોધ કરે છે. તેમનું કહેવું છે કે આના કારણે અમેરિકન નોકરીઓ વિદેશીઓ પાસે જાય છે.