'તે પાગલ નેતા છે', રાષ્ટ્રપતિના ઉમેદવારની રેસમાં ઝંપલાવનારા વિવેક રામાસ્વામી પર પૂર્વ કર્મચારીઓના આક્ષેપ
Image Source: Twitter
વોશિંગ્ટન, તા. 17 સપ્ટેમ્બર 2023
અમેરિકામાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે રિપબ્લિકન પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવારી કરવાની સ્પર્ધામાં ઝુકાવનારા વિવેક રામાસ્વામીનુ નામ તેમના નિવેદનો અને વિચારો બદલ ચર્ચિત થઈ ગયુ છે.
જોકે તેમની વધી રહેલી લોકપ્રિયતાને ફટકો પડે તેવો એક મીડિયા રિપોર્ટ સામે આવ્યો છે. વિવેકની કંપનીના કેટલાક પૂર્વ કર્મચારીઓએ રામાસ્વામીને પાગલ નેતા ગણાવ્યા છે.
38 વર્ષીય રામાસ્વામી ટીવી પરની ડિબેટોમાં રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે લોકપ્રિય થઈ રહ્યા છે અને તેમના વ્યક્તિત્વના કારણે તેઓ લોકો વચ્ચે આગવી ઈમેજ પણ ઉભી કરી રહ્યા છે ત્યારે તેમની કંપનીમાં કામ કરી ચુકેલા સાત પૂર્વ કર્મચારીઓનુ કહેવુ છે કે, રામાસ્વામીનુ માનવુ છે કે, કર્મચારીઓએ મારી સેવા કરવા માટે હંમેશા હાજર રહેવુ જોઈએ. તેઓ કર્મચારીઓ માટે અજીબો ગરીબ નિયમો લાગુ કરતા હોય છે. તેઓ ઓફિસમાં એસીનુ ટેમ્પરેચર પણ એટલ ઓછુ રાખે છે કે બીજા લોકોને ડીર અને સ્વેટરનો ઉપયોગ કરવો પડે છે.
એક પૂર્વ કર્મચારીએ કહ્યુ હતુ કે, ટ્રાવેલિંગ દરમિયાન તેઓ તકલીફ ના પડે તે માટે સંખ્યાબંધ ફ્લાઈટ અને હોટલનુ એક સાથે બૂકિંગ કરતા હતા. તેમની માંગ રહેતી હતી કે, ભોજનમાં પનીર તો હોવુ જ જોઈએ. તેમની હરકતો પણ વિચિત્ર પ્રકારની હતી. તેઓ કર્મચારીઓને નોકર સમજતા હોય તેવો વર્તાવ પણ કરતા હતા.
ઉલ્લેખનીય છે કે, 38 વર્ષીય વિવેક રામાસ્વામીએ 2014માં રોઈવેન્ટ સાયન્સિઝ નામથી એક બાયોટેક કંપનીની સ્થાપના કરી છે. હવે તેઓ રાજકારણમાં પણ ઝુકાવી રહ્યા છે.