ગાઝામાં યુદ્ધવિરામ માટે UNSCમાં પ્રસ્તાવ પસાર, અમેરિકાએ ડબલ ગેમ રમતા ઈઝરાયલ નારાજ
એક તરફ અમેરિકા હમાસ દ્વારા બંધક બનાવાયેલા લોકોને છોડવાની સતત માંગ કરી રહ્યું છે, તો બીજીતરફ તેણે બંધકોને છોડાવવાના પ્રસ્તાવની તરફેણમાં મતદાન ન કરતા ઈઝરાયેલ નારાજ : અમેરિકાએ કહ્યું, આ પ્રસ્તાવના કારણે અમારી સાથે બે દેશો વચ્ચે ચાલી રહેલી વાતચીત પ્રભાવિત થઈ શકે છે
Israel-Hamas War : ગાઝામાં યુદ્ધવિરામ માટે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં એક પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો છે. જોકે આ દરમિયાન અમેરિકા (America)એ ડબલ ગેમ રમતા ઈઝરાયલ નારાજ થયું છે. ગાઝામાં યુદ્ધવિરામ અને હમાસ દ્વારા તમામ બંધકોને છોડી મૂકવાના પ્રસ્તાવની તરફેણમાં 14 મત પડ્યા છે. જોકે મિત્ર અમેરિકાએ પ્રસ્તાવ માટે મતદાન ન કરતા ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ નારાજ થયા છે. આ પ્રસ્તાવમાં સાત ઓક્ટોબર 2023માં દક્ષિણ ઈઝરાયલમાં હમાસ દ્વારા હુમલા દરમિયાન બંધક બનેલા તમામ લોકોને મુક્ત કરવાની પણ માંગ કરવામાં આવી હતી.
યુએનએસસીના મહાસચિવ શું કહ્યું?
યુએનએસસીના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે 'X' પર પોસ્ટ કરીને લખ્યું કે, 'સુરક્ષા પરિષદે ગાઝામાં લાંબા સમયથી રાહ જોવાતા પ્રસ્તાવને મંજૂરી આપી હતી જેમાં યુદ્ધવિરામ અને તમામ બંધકોને મુક્ત કરવાની પણ માંગ કરવામાં આવી હતી. આ પ્રસ્તાવનો અમલ થવો જોઈએ.'
અમેરિકાએ મત ના આપ્યો
અગાઉ અમેરિકા ગાઝામાં બંધક બનાવાયેલા લોકોને છોડવાની સતત માંગ કરતું રહ્યું છે, જોકે તેણે યુએનએસસી દ્વારા પસાર કરાયેલા ઠરાવમાં બંધકોને છોડવાની માંગ કરવાના મુદ્દે મતદાન કર્યું નહોતું. અમેરિકાએ અગાઉ પણ યુએનએસસીમાં એક પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જેને રશિયા અને ચીને વીટો કરી દીધો હતો. તે પ્રસ્તાવમાં તાત્કાલિક અને સતત યુદ્ધવિરામની માંગણી કરે છે.
PM બેન્જામિન નેતન્યાહુ નારાજ
ગાઝામાં યુદ્ધવિરામની માગણીના પ્રસ્તાવને અમેરિકાએ વીટો ન કરતા ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ (Benjamin Netanyahu) નારાજ થયા છે. તેમનું કહેવું છે કે, જો ગાઝામાં યુદ્ધવિરામ માટે યુએનએસસીના પ્રસ્તાવને વીટો નહીં આપે તો તેઓ યોજના મુજબ વોશિંગ્ટનમાં પ્રતિનિધિમંડળને મોકલશે નહીં. ઉલ્લેખનીય છે કે, અમેરિકા કથિત રીતે ઈઝરાયલ પર યુદ્ધવિરામ માટે સતત દબાણ કરી રહ્યું હતું. આ અંગે બંને દેશોમાં વાતચીત ચાલી રહી હતી.
અમેરિકાએ આપી ચેતવણી
અમેરિકાએ ચેતવણી આપી છે કે, સોમવારને પસાર કરાયેલો પ્રસ્તાવ અમેરિકા, ઈજિપ્ત, કતાર વચ્ચે ચાલી રહેલી વાતચીતને પ્રભાવિત કરી શકે છે. દરમિયાન અમેરિકાના વિદેશ મંત્રી છેલ્લા ઘણા દિવસથી મિડલ ઈસ્ટ દેશોની મુલાકાત કરી રહ્યા છે અને ગાઝામાં બંધકોને છોડી મુકવા મામલે વાતચીત કરી રહ્યા છે. આ ઉપરાંત તેમણે યુદ્ધ વિરામનું પણ સમર્થન કર્યું છે. હવે યુએનએસસી દ્વારા પસાર કરાયેલ પ્રસ્તાવ ક્યારે લાગુ થાય છે, તે જોવા જેવી બાબત છે.