અમેરિકા, ફ્રાંસ, રશિયા અને બ્રિટન UN સુરક્ષા પરિષદમાં ભારતની એન્ટ્રી માટે તૈયાર, પણ હજુ રસ્તો રોકીને ઊભું છે ડ્રેગન
India's Permanent Seat In United Nations Security Council : સંયુક્ત રાષ્ટ્રની સ્થાપનાને 7 દાયકાથી વધુ સમય વીતી ગયો છતા સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનું માળખું બદલાયું નથી. ભારત સરકાર હંમેશા સુરક્ષા પરિષદમાં ફેરફાર કરવાની તરફેણ કરતો રહ્યો છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં તેના કાયમી સભ્યપદનો દાવો કરે છે, ત્યારે અમેરિકા અને ફ્રાન્સ બાદ બ્રિટને પણ ભારતને સુરક્ષા પરિષદમાં કાયમી સભ્ય બનાવવાનું સમર્થન કર્યું છે. જ્યારે રશિયા પહેલાથી જ ભારતના દાવાના સમર્થનમાં છે. આ બધા વચ્ચે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના કાયમી સભ્યપદ માટે નવી દિલ્હીનો દાવો નોંધપાત્ર રહ્યો છે. જેમાં UNSCના પાંચ સ્થાયી સભ્યોમાંથી માત્ર ચીન જ ભારતના દાવાના સમર્થનમાં નથી.
ભારતને UNSCના કાયમી સભ્યપદ માટે બાઈડેનનું સમર્થન
થોડા દિવસ પહેલા યુએસ પ્રમુખ જો બાઈડેન UNSCના કાયમી સભ્યપદ માટેના ભારતના દાવાને સમર્થન આપ્યું હતું. આ પછી ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 79માં સત્રમાં જાહેરાત કરી હતી કે, તેમનો દેશ ભારતને સુરક્ષા પરિષદનો કાયમી સભ્ય બનાવવાના પક્ષમાં છે. જ્યારે હવે બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટારમરે પણ આ વાતનું સમર્થન કર્યું છે.
બ્રિટિશના વડાપ્રધાને શું કહ્યું?
સંયુક્ત રાષ્ટ્રમાં ભાષણ દરમિયાન બ્રિટિશના વડાપ્રધાન સ્ટારમેરે કહ્યું હતું કે, 'સુરક્ષા પરિષદનું પરિવર્તન થવું જોઈએ જેથી કરીને તે વધુ પ્રતિનિધિ મંડળ બને, જે કાર્ય કરવા માટે તૈયાર હોય અને રાજકારણથી લકવાગ્રસ્ત ન હોય. અમે પરિષદમાં આફ્રિકી કાઉન્સિલ, બ્રાઝિલ, ભારત, જાપાન અને જર્મનીમાં કાયમી સભ્યો તરીકે ચૂંટાયેલા સભ્યો માટે વધુ બેઠકો જોવા માંગીએ છીએ.'
ભારત 2021 થી 2022 સુધી UNSCનું અસ્થાયી સભ્ય
ભારત 2021 થી 2022 સુધી UNSCનું અસ્થાયી સભ્ય હતું. આજના વૈશ્વિક લેન્ડસ્કેપને વધુ સારી રીતે પ્રતિબિંબિત કરવા માટે કાયમી સભ્યોની સંખ્યાનો વિસ્તાર કરવા માટે માગ વધી રહી છે. વર્તમાન સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA) સત્રમાં G-4 દેશોમાં ભારત, જાપાન, બ્રાઝિલ અને જર્મનીએ સુરક્ષા પરિષદમાં સુધારાની માંગ ઉઠાવી છે. આ ચારેય દેશો સુરક્ષા પરિષદના કાયમી સભ્યપદ માટે એકબીજાના દાવાને સમર્થન આપે છે. તેમની માંગ એ છે કે, સંયુક્ત રાષ્ટ્રએ વર્તમાન ભૌગોલિક રાજકીય વાસ્તવિકતાઓને પ્રતિબિંબિત કરવી જોઈએ જેથી કરીને તે વર્તમાન અને ભવિષ્ય માટે યોગ્ય રહે.
ફ્રાંસના રાષ્ટ્રપતિએ શું કહ્યું?
ફ્રાંસના રાષ્ટ્રપતિ મેક્રોને પણ UNGAમાં તેમના ભાષણ દરમિયાન UNSCમાં ભારતની કાયમી સભ્યપદને સમર્થન આપ્યું હતું. તેમણે કહ્યું, 'અમારી પાસે સુરક્ષા પરિષદ છે જે અવરોધિત છે... ચાલો યુએનને વધુ કાર્યક્ષમ બનાવીએ. એટલે જ ફ્રાન્સ સુરક્ષા પરિષદના વિસ્તરણના પક્ષમાં છે. જર્મની, જાપાન, ભારત અને બ્રાઝિલને કાયમી સભ્ય બનાવવા જોઈએ, આ સાથે બંને દેશોની જેને આફ્રિકા પોતાનું પ્રતિનિધિત્વ કરવા માટે પસંદ કરશે.' મેક્રોનની આ ટિપ્પણી 'સમિટ ઓફ ફ્યુચર'માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણના થોડા દિવસો પછી આવી. વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં ભારપૂર્વક કહ્યું હતું કે, 'વૈશ્વિક શાંતિ અને વિકાસ માટે સંસ્થાઓમાં સુધારા જરૂરી છે અને સુસંગતતાની ચાવી એ સુધારો છે.'
આ પણ વાંચો : ચીનની પરમાણુ સબમરીન સમુદ્રમાં ગરકાવ! અમેરિકાએ મજાક ઉડાવતાં કહ્યું- આ તો શરમની વાત!
યુએન સુરક્ષા પરિષદમાં 15 સભ્યો
યુએન સુરક્ષા પરિષદમાં 15 સભ્યો છે. જેમાં પાંચ કાયમી અને 10 અસ્થાયી. કાયમી સભ્યોમાં અમેરિકા, ચીન, ફ્રાન્સ, રશિયા અને બ્રિટન પાસે વીટો પાવર છે. જ્યારે 10 હંગામી સભ્યો બે વર્ષની મુદત માટે ચૂંટાય છે. કાઉન્સિલના મુખ્ય કાર્યોમાં સંઘર્ષોની તપાસ કરવી, શાંતિ સ્થાપના અભિયાન ચલાવવા અને જરૂરી હોય ત્યારે પ્રતિબંધો લાદવાનો સમાવેશ થાય છે. તે વૈશ્વિક કટોકટી અને સંઘર્ષોનો સામનો કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, તેને આંતરરાષ્ટ્રીય કૂટનીતિમાં આવશ્યક સંસ્થા બનાવે છે.