Get The App

લોસ એન્જલસના કેદીઓ માટે આગની આફત બની અવસર, સજા માફી સાથે કમાણીની પણ તક

Updated: Jan 13th, 2025


Google NewsGoogle News
California Los Angeles Forest Fire


California Los Angeles Forest Fire: અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યના લોસ એન્જલસ શહેરના જંગલોમાં લાગેલી આગ વધુ ને વધુ વિકરાળ રૂપ ધારણ કરી રહી છે. આગને કારણે અત્યાર સુધીમાં 24 લોકોના મોત થયા છે અને કરોડો ડોલરનું નુકસાન થયું છે. અનેક પ્રયાસો છતાં પ્રશાસન આગ ઓલવવામાં નિષ્ફળ રહ્યું છે. તોફાની પવનને લીધે આગનો ફેલાવો વધી રહ્યો છે. આગ એટલા મોટા વિસ્તારમાં લાગી છે કે તેને રોકવા માટે સ્ટાફ ઓછો પડી રહ્યો છે, જેના ઉપાય રૂપે એક અનોખી પહેલ કરવામાં આવી છે.

કેદીઓને કામે લગાડાયા છે

આગ ઓલવવાના કામમાં ઝડપ લાવવા માટે કેલિફોર્નિયા અને લોસ એન્જલસની જેલોમાં સજા ભોગવી રહેલા કેદીઓને કામે લગાડવામાં આવ્યા છે. ફાયર વિભાગને મદદ કરનારા કેદીઓની સજા ઘટાડવાની યોજના બનાવવામાં આવી છે. એટલું જ નહીં, આ કામ માટે તેમને પગાર પણ આપવામાં આવી રહ્યો છે. 

કેદીઓને આવી ઓફર આપવામાં આવી છે

આગ ઓલવવામાં મદદ કરવાના બદલામાં કેદીઓની સજામાં દિવસ દીઠ એકથી બે દિવસનો ઘટાડો કરવાની ઓફર આપવામાં આવી છે. મહત્ત્વપૂર્ણ અને વધુ મહેનતનું કામ કરનાર કેદીઓની એક દિવસની મદદ બદલ એમની સજામાં બે દિવસ ઓછા કરવામાં આવી રહ્યા છે. એમના પ્રમાણમાં સહેજ ઓછી મહેનતનું કામ કરનાર સપોર્ટ સ્ટાફની સજામાં એક દિવસની મદદ બદલ એક દિવસ ઓછો કરાઈ રહ્યો છે.

કેટલો પગાર આપવામાં આવે છે?

સજા-માફી ઉપરાંત આ કામ બદલ કેદીઓને પગાર પણ આપવામાં આવે છે. કેદીઓની ક્ષમતાના આધારે તેમને દરરોજ 5.80 થી લઈને 10.24 ડોલર ચૂકવવામાં આવી રહ્યા છે. ઈમરજન્સી સેવાઓમાં જોડાનારા કેદીઓને કલાક દીઠ વધારાનો 1 ડોલર અપાય છે. 

આ પણ વાંચો: 'કેનેડા વેચવાની વસ્તુ નથી, અમે લડવા તૈયાર...' ટ્રુડોના પૂર્વ સહયોગીનો ડોનાલ્ડ ટ્રમ્પને પડકાર

હાલમાં આ કામમાં આટલા કેદીઓ જોડાયેલા છે

કેલિફોર્નિયાના સુધાર અને પુનર્વસન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, હાલમાં કુલ 931 કેદીઓ જંગલમાં લાગેલી આગને બુઝાવવાના કામમાં લાગેલા છે. 

શું કામ કરી રહ્યા છે કેદીઓ?

કેદીઓને મુખ્યત્વે આગને વધુ ફેલાતી રોકવાના કામમાં જોતરવામાં આવ્યા છે. તેઓ આગ પકડી લે એવા વૃક્ષો અને ઝાડીઓને કાપીને જમીન સાફ કરી રહ્યા છે, જેથી આગને આગળ વધવાની તક ન મળે. આવી ઓફર જોતાં એમ કહી શકાય કે લોસ એન્જલસની આગ-આપત્તિ જેલની સજા ભોગવી રહેલા કેદીઓ માટે અવસર બનીને આવી છે.

લોસ એન્જલસના કેદીઓ માટે આગની આફત બની અવસર, સજા માફી સાથે કમાણીની પણ તક 2 - image


Google NewsGoogle News