અમેરિકા ફરી ધણધણ્યું, ફ્લોરિડામાં પોલીસ પર બેફામ ગોળીબારમાં 2નાં મોત, 7 લોકો ઈજાગ્રસ્ત
Image Source: Twitter
America Firing: અમેરિકા ફરી એક વખત ગોળીબારથી ધણધણી ઉઠ્યુ છે. અમેરિકામાં ગોળીબારની ઘટનાનો સિલસિલો યથાવત છે. સતત ફાયરિંગની ઘટનાઓ ત્યાંથી સામે આવી રહી છે. આ ગોળીબારની ઘટનામાં અનેક લોકો મોતને ભેટી રહ્યા છે. પરંતુ અમેરિકન પોલીસ આ ઘટનાઓને રોકવામાં નિષ્ફળ સાબિત થઈ છે. ત્યારે ફરી એક વખત શનિવારે વહેલી સવારે અમેરિકાના મિયામીમાં બેફામ ગોળીબાર થયો હતો જેમાં બે લોકોના મોત થઈ ગયા છે અને અન્ય સાત લોકો ઘાયલ થયા છે. તપાસકર્તાઓએ જણાવ્યું કે, ફ્લોરિડાના ડોરલમાં માર્ટીની બારમાં વહેલી સવારે 3:30 વાગ્યાની આસપાસ કેટલાક લોકો વચ્ચે ઝઘડો થયો હતો.
ગોળીબારમાં 2નાં મોત, 7 લોકો ઈજાગ્રસ્ત
મિયામી-ડાડે પોલીસ ડિટેક્ટીવ અલ્વારો ઝબલેટાએ જણાવ્યું કે જ્યારે ત્યાં હાજર સુરક્ષાકર્મચારીએ તેમની વચ્ચે હસ્તક્ષેપ કર્યો તો એક વ્યક્તિએ બંદૂક કાઢી ગોળી મારીને તેમની હત્યા કરી નાખી. ત્યાં સુરક્ષામાં તહેનાત બે પોલીસ અધિકારીઓએ જવાબી કાર્યવાહી કરી જેમાં એક બંદૂકધારી માર્યો ગયો. ડોરાલના પોલીસ પ્રમુખ એડવિન લોપેઝે પત્રકારોને જણાવ્યું કે ગોળીબારમાં એક અધિકારીને જાંઘમાં ગોળી વાગી છે. અધિકારીઓએ જણાવ્યું કે ગોળીબારમાં છ રાહદારીઓ પણ ઘાયલ થઈ ગયા છે જેમાં ચાર પુરૂષો અને બે મહિલાઓ સામેલ છે.
ઘાયલોમાં બે લોકોની સ્થિતિ ગંભીર
એક અહેવાલ પ્રમાણે ઘાયલ પોલીસ અધિકારીને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. ઝબલેટાએ કે છ રાહદારીઓ હજુ પણ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જેમાંથી બેની હાલત ગંભીર છે. લોપેઝે બાદમાં જણાવ્યું કે, બે અધિકારીઓ અને પ્રારંભિક હુમલાખોરો પાસે જ બંદૂકો હતી. તેમણે કહ્યું કે ફ્લોરિડાના ડિપાર્ટમેન્ટ ઓફ લો એન્ફોર્સમેન્ટ ગોળીબારની ઘટનાની તપાસ કરી રહ્યો છે, જ્યારે મિયામી-ડાડે પોલીસ બે લોકોના મૃત્યુની તપાસ કરી રહી છે. માર્યા ગયેલા બંદૂકધારી અને સુરક્ષા કર્મચારીની હજુ સુધી ઓળખ નથી થઈ શકી.