Get The App

અમેરિકન પ્રમુખપદની ચૂંટણીમાં સેલિબ્રિટીઓના પ્રચારનું મહત્ત્વ કેટલું, શું તેની ચૂંટણી પર અસર પડે છે?

Updated: Oct 27th, 2024


Google NewsGoogle News
અમેરિકન પ્રમુખપદની ચૂંટણીમાં સેલિબ્રિટીઓના પ્રચારનું મહત્ત્વ કેટલું, શું તેની ચૂંટણી પર અસર પડે છે? 1 - image


America Election : અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. 5 નવેમ્બરના રોજ યોજાનાર ચૂંટણી માટે વિવિધ ક્ષેત્રની સેલિબ્રિટીઓ મેદાનમાં ઉતરી આવી છે. કોઈ ડેમોક્રેટિક ઉમેદવાર કમલા હેરિસ (Kamala Harris)ના સમર્થનમાં બોલે છે તો કોઈ રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)ના સમર્થનમાં સભાઓ ગજવે છે. ત્યારે સવાલ એ થાય કે, આ સેલિબ્રિટીઓના પ્રચાર કરવાથી શું અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોઈ અસર પડે છે ખરી? એમના કહેવાથી અમેરિકન મતદાર પ્રભાવિત થાય છે ખરો? 

જાણો, કમલા હેરિસનું સમર્થન કરતી સેલિબ્રિટીના નિવેદનો

1) જુલિયા રોબર્ટ્સ (Julia Roberts) : ઓસ્કાર એવોર્ડ વિજેતા અભિનેત્રી જુલિયા રોબર્ટ્સે એક રેલી દરમિયાન કમલા હેરિસના સમર્થનમાં અમેરિકાની જનતાને કહ્યું હતું કે, ‘તમે સૌ રાજકારણ અને ચૂંટણી વિશે તમારા પ્રિયજનો સાથે વાતચીત કરો અને એમને મત આપવા બાબતે જાગૃત કરો.’ 

2) એમિનેમ (Eminem) રેપર એમિનેમે હેરિસના સમર્થનમાં એક રેલીમાં કહ્યું હતું કે, ‘ચૂંટણીમાં તમારા ‘મત’નો ઉપયોગ કરવો મહત્ત્વપૂર્ણ છે. તેથી હું બધાને મતદાન કરવા માટે અપીલ કરું છું.’

3) બ્રુસ સ્પ્રિન્ગસ્ટીન (Bruce Springsteen) ૭૫ વર્ષના વયસ્ક ગાયક, ગીતકાર અને ગિટારિસ્ટ બ્રુસ સ્પ્રિન્ગસ્ટીને એક રેલીમાં પોતાની કળાનું પ્રદર્શન કરીને કહ્યું હતું કે, ‘હું એવા રાષ્ટ્રપતિ ઇચ્છું છું જે બંધારણનું સન્માન કરે, જે ધમકી ન આપે, જે આપણી મહાન લોકશાહીનું રક્ષણ કરે, જે કાયદામાં માને, જે મહિલાઓના પસંદગીના અધિકાર માટે લડે અને જે એવી અર્થવ્યવસ્થા બનાવે જે તમામ અમેરિકનોને ગમે. આવા સિદ્ધાંતો ધરાવતાં એક જ ઉમેદવાર છે - કમલા હેરિસ.’

4) મેજિક જોહ્ન્સન (Magic Johnson) ભૂતપૂર્વ બાસ્કેટ બોલ ખેલાડી મેજિક જોહ્ન્સને હેરિસને સમર્થન વ્યક્ત કરીને ટ્રમ્પની ટીકામાં કહ્યું હતું કે, ‘ટ્રમ્પ ગત વખતે રાષ્ટ્રપતિ બનેલા ત્યારે તેમણે આપણા અશ્વેત સમુદાયને ઘણાબધા વચનો આપેલા, જે એમણે પૂરા નહોતા કર્યાં. તેથી આ વખતે અશ્વેતોએ યોગ્ય ઉમેદવારને મત આપવો પડશે.’

5) સેમ્યુઅલ એલ. જેક્સન (Samuel L. Jackson) એક્ટર સેમ્યુઅલ એલ. જેક્સને એક રેલીમાં કહ્યું હતું કે, ‘કમલા ગુંડાઓનો સામનો કરી રહી છે, સંવેદનશીલ લોકોનું રક્ષણ કરી રહી છે અને અઘરી લડાઈ લડી રહી છે.’

6) અશર (Usher) ગાયક, ગીતકાર અને ડાન્સર અશરે કમલા હેરિસને ‘નેતૃત્વની નવી પેઢી’ ગણાવીને કહ્યું હતું કે, ‘અમેરિકામાં રહેનાર વ્યક્તિ ગમે ત્યાંથી આવી હોય, કમલા પ્રત્યેક નાગરિકના અધિકાર માટે લડે છે. તેમની પાસે આપણા દેશ માટે એક વિઝન છે. તે નાના વ્યવસાયોને ટેકો આપે છે, તે આપણા સ્વાસ્થ્ય બાબતે જાગૃક છે અને દરેકને આગળ વધવાની તક આપે છે.’

7) લિઝો (Lizzo) રેપર અને સિંગર લિઝોએ એક કાર્યક્રમમાં હેરિસના પક્ષે કહ્યું હતું કે, ‘અમેરિકા દેશના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ માટે એકદમ તૈયાર છે.’ 

આ ઉપરાંત પોપ સ્ટાર ‘બિયોન્સે’ અને ‘ટેલર સ્વિફ્ટ’, અભિનેત્રી ‘મેરિલ સ્ટ્રીપ’, નિર્માતા-સંચાલક ‘ઓપ્રાહ વિન્ફ્રે’, ફિલ્મ મેકર ‘ટેલર પેરી’, સંગીતકાર ‘સ્ટીવી વન્ડર’, અભિનેત્રી ‘જેનિફર ગાર્નર’, રેપર ‘ક્વોવો’, ગાયિકા ‘મેગન સ્ટેલિયન’ જેવી ઘણી સેલિબ્રિટીએ કમલા હેરિસને સમર્થન આપ્યું છે. 

આ પણ વાંચો : વધુ એક મહાયુદ્ધના ભણકારા? USની ચેતવણી છતાં પીછેહટ કરવા તૈયાર નથી ઈરાન, ઈઝરાયલ પણ તૈયાર

જાણો, ડોનાલ્ડ ટ્રમ્પનું સમર્થન કરતી સેલિબ્રિટીના નિવેદનો 

1) ઈલોન મસ્ક (Elon Musk) : અબજોપતિ બિઝનેસમેન ઈલોન મસ્કે ડોલાન્ડ ટ્રમ્પની એક રેલીમાં હાજરી આપીને કહ્યું હતું કે, ‘સામેનો પક્ષ તમારું વાણી-સ્વાતંત્ર્ય, તમારો શસ્ત્ર રાખવાનો અધિકાર અને તમારો મત રજૂ કરવાનો અધિકાર છીનવી લેવા માંગે છે. માટે ટ્રમ્પને વૉટ કરો.’

2) ડેનિસ ક્વેઇડ (Dennis Quaid) અભિનેતા ડેનિસ ક્વેઇડે ટ્રમ્પના સમર્થનમાં કહ્યું હતું કે, ‘નિર્ણય લેવાનો સમય આવી ગયો છે. આપણે બંધારણને સમર્થન આપે એવો દેશ જોઈએ છે કે પછી ટિકટોક જેવો? આપણે પાકા કાયદા અને વ્યવસ્થા ધરાવતો દેશ જોઈએ છે કે ખુલ્લી સરહદો ધરાવતો દેશ?’

3) જેસન એલ્ડેન (Jason Aldean) ગાયક જેસન એલ્ડેને ટ્રમ્પને વૉટ આપવાની અપીલ કરતાં કહ્યું હતું કે, ‘આપણને એવા ભવિષ્યની જરૂર છે જ્યાં આપણી સ્વતંત્રતા જોખમમાં ન હોય, આપણી અર્થવ્યવસ્થા મજબૂત હોય, આપણા બાળકો સુરક્ષિત હોય, આપણી સરહદો સુરક્ષિત હોય અને એના માટે ડોનાલ્ડ ટ્રમ્પથી બહેતર નેતા ન હોઈ શકે.’

આ ઉપરાંત અભિનેતા ‘મેલ ગિબ્સન’ અને ‘ઝાચેરી લેવી’, રેપર ‘કાન્યે વેસ્ટ’, રેસલર ‘હલ્ક હોગન’, ગાયક ‘લી ગ્રીનવુડ’, નિર્માતા ‘રસેલ બ્રાન્ડ’, સંગીતકાર ‘કિડ રોક’ તથા ફૂટબોલર ‘એન્ટોનિયો બ્રાઉન’ અને ‘લેવિઓન બેલ’ જેવી સેલિબ્રિટી ડોનાલ્ડ ટ્રમ્પને સપોર્ટ કરી રહી છે. 

આ પણ વાંચો : કેનેડામાં સૌથી વધુ બોલાતી ભાષાઓમાં ગુજરાતી ત્રીજા ક્રમે, જાણો પહેલા અને બીજા ક્રમે કઈ?

આ છે લાખ રૂપિયાનો સવાલ

  • હવે સવાલ એ છે કે, અમેરિકન સેલિબ્રિટીઓ કોઈ ઉમેદવારને પોતાનું સમર્થન જાહેર કરે એની મતદારો પર કોઈ અસર થાય છે કે કેમ? જવાબ છે, હા. એકથી વધુ સર્વેના પરિણામ કહે છે કે, જાણીતી હસ્તીઓના સમર્થનથી અમેરિકન મતદારો પ્રભાવિત થાય છે ખરા. 
  • મત કોને આપવો એ તો પછીની વાત છે, પણ સેલિબ્રિટીની અપીલને કારણે અમેરિકનો ભારે માત્રામાં મતદાર નોંધણી કરાવે છે, એટલું તો પાક્કું. આમ, એક સેલિબ્રિટીની અપીલ થકી મતદારોમાં ચૂંટણી પ્રત્યે જાગૃતિ આવે છે. ઉદાહરણ તરીકે, ટેલર સ્વિફ્ટે જ્યારે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કમલા હેરિસને સમર્થન આપીને લોકોને મતદાન કરવા માટે નોંધણી કરાવવા વિનંતી કરી હતી, ત્યારે 406,000 અમેરિકનોએ એમના નામની નોંધણી કરાવી હતી.
  • જે રાજ્યના લોકો કોને મત આપશે એ કહી શકાય એમ નથી હોતું એવા રાજ્યોને અમેરિકામાં ‘સ્વિંગ સ્ટેટ્સ’ કહેવાય છે. એરિઝોના, જ્યોર્જિયા, મિશિગન, પેન્સિલવેનિયા અને વિસ્કોન્સિન આવા સ્વિંગ સ્ટેટ્સ ગણાય છે. આવા રાજ્યોમાં સેલિબ્રિટી દ્વારા પ્રચાર કરાય તો મતદારો જે-તે ઉમેદવાર તરફ ઢળતા હોય છે. 
  • સોશિયલ મીડિયામાં કરોડો ફોલોઅર્સ ધરાવતી બિયોન્સે અને ટેલર સ્વિફ્ટ જેવી હસ્તીઓની કોઈ ઉમેદવારને સમર્થન કરતી પોસ્ટ જોતજોતામાં વાયરલ થઈ જતી હોય છે. લોકોને આવી પોસ્ટ લાંબો સમય યાદ પણ રહી જતી હોય છે.
  • યુવા પેઢીનો મોટો વર્ગ ચૂંટણીમાં મતદાન કરવાને ગંભીરતાથી લેતો નથી. યુવાન સેલિબ્રિટીની અપીલને કારણે યુવાનો મતદાન બાબતે જાગૃત થતા હોય છે. 
  • સેલિબ્રિટીની અપીલને કારણે મતદાર જે-તે ઉમેદવારની રેલીમાં જોડાય, એનું ભાષણ સાંભળવા જાય અને એનાથી પ્રભાવિત થઈને એને મત આપવા પ્રેરાય, એવું પણ બનતું હોય છે. આમ, સેલિબ્રિટી-સમર્થન મતદારને ઉમેદવાર તરફ ખેંચી લાવવાની સાંકળ બની જતી હોય છે.

બરાક ઓબામાના કેસમાં આવું થયું હતું

2008ની ચૂંટણીમાં ઓપ્રા વિન્ફ્રેએ ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર બરાક ઓબામાને સમર્થન આપ્યું હતું, જેને પરિણામે (એક સર્વે મુજબ) ઓબામાને અંદાજે દસ લાખ મત વધુ મળ્યા હતા. ઓબામા એ ચૂંટણી જીતીને અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા હતા.

આ પણ વાંચો : અમેરિકાએ ગેરકાયદે રહેતા 145 દેશોના 1.6 લાખ લોકોને ઘરભેગા કર્યા, તેમાં ભારતીયો પણ સામેલ


Google NewsGoogle News