અમેરિકન રાજકારણના મોટા સમાચારઃ બાઈડેન ઢીલા પડશે, તો ભારતીય મૂળની આ મહિલા ટ્રમ્પને હંફાવશે

Updated: Jul 8th, 2024


Google NewsGoogle News
અમેરિકન રાજકારણના મોટા સમાચારઃ બાઈડેન ઢીલા પડશે, તો ભારતીય મૂળની આ મહિલા ટ્રમ્પને હંફાવશે 1 - image


America Election-2024 : અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણી પર અનિશ્ચિતતાના વાદળો ઘેરાયાં છે. ચૂંટણી આડે માંડ ચાર મહિના બાકી રહ્યા છે છતાં હજુ સુધી પ્રમુખપદના દાવેદાર કોણ એ નક્કી કરી શકાયું નથી. બે મુખ્ય પાર્ટી પૈકીની રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર તરીકે તો ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) નક્કી છે, પણ મડાગાંઠ સર્જાઈ છે ડેમોક્રેટોક પાર્ટીના ઉમેદવારને નામે. ટ્રમ્પ સામેની પહેલી ટેલિવિઝન ડિબેટમાં જે પ્રકારે જો બાઇડેને (Joe Biden) ભાંગરા વાટ્યા હતા, એ જોતાં એમને સ્થાને કોઈ અન્ય ડેમોક્રેટિક ઉમેદવાર ઊભો કરવાની માંગ ઊઠી છે, અને એ વૈકલ્પિક ઉમેદવાર તરીકે ઊભરી આવેલું નામ તે કમલા હેરિસ (Kamala Harris). 

આ પણ વાંચો : બાયડન નહીં ભારતીય મૂળના આ નેતા લડશે અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણી? સાંસદોએ ખોલ્યો મોરચો

કોણ છે કમલા હેરિસ?

અમેરિકાના વર્તમાન ઉપરાષ્ટ્રપતિ એવા કમલા હેરિસના માતા ભારતના અને પિતા જમૈકાના હતા. 1964માં અમેરિકાના કેલિફોર્નિયાના ઓકલેન્ડ શહેરમાં જન્મેલા કમલા હાલ 59 વર્ષના છે. રાજકારણમાં આવવા અગાઉ તેઓ વકીલ તરીકે કાર્યરત હતા. 

કમલા હેરિસ છેલ્લા વીસ વર્ષથી રાજકારણમાં સક્રિય છે, ભૂતકાળમાં અમેરિકાના સેનેટર અને કેલિફોર્નિયા રાજ્યના એટર્ની જનરલ રહી ચૂક્યા છે. તેઓ દેખાવે પ્રભાવશાળી છે, બોલવામાં ચતુર છે અને એમની પાર્ટીના સદસ્યો એમને સપોર્ટ કરે છે. તે એટલે સુધી કે 2020ના પ્રમુખપદના ડેમોક્રેટિક ઉમેદવાર બનવા માટે એમણે જો બાઇડેન સામે જંગ ખેલ્યો હતો. કહેવાનો અર્થ એ જ કે હાલમાં ડેમોક્રેટિક પાર્ટીમાં હાલત એવી છે કે ‘બાઇડેન નહીં તો કોણ?’નો એક જ જવાબ છે- કમલા હેરિસ. 

આ પણ વાંચો : અમેરિકામાં ચોકલેટ અને ચિપ્સની જેમ મળશે બંદૂકની ગોળીઓ, મશીનમાં પૈસા નાંખો અને બંદૂક ભરી લો

કમલા હેરિસની પ્રમુખપદની રેસમાં ઉતરવાની તકો કેવી અને કેટલી છે? 

અગાઉ નોંધ્યું એમ ‘કિસ મેં કિતના હૈ દમ’ જેવી ડિબેટમાં ટ્રમ્પ સામે ખરાબ રીતે ધોવાઈ ગયેલા બાઇડેન હવે એમની ડેમોક્રેટિક પાર્ટીના સભ્યો, ટેકેદારો, કાર્યકરો, પક્ષને દાન દેનારાઓ અને મતદારોને પણ ‘દમદાર’ નથી જણાતા. ટ્રમ્પના દેખીતા જૂઠાણા છતાં બાઇડેન એમની સામે ડિબેટમાં હારી ગયા એટલે એમનાથી વધુ લાયક ડેમોક્રેટિક દાવેદારને આગળ કરવાની માંગ ઊઠી છે. અલબત્ત, અમેરિકન ચૂંટણીના નિયમો એવા છે કે હવે કોઈ બાઇડેનને રેસમાંથી બાકાત કરવાની ફરજ પાડી ન શકે. એક જ રસ્તો છે, અને તે એ કે ખુદ બાઇડેન પોતે પોતાનું નામ પાછું ખેંચી લે. પણ શું બાઇડેન એમ કરશે? 

જવાબ છે- ખબર નથી. પાર્ટીના દબાણ સામે બાઇડેન ઝૂકી જાય તો એમનું સ્થાન કમલા હેરિસ લઈ શકે એમ છે, કેમ કે તેઓ ઉપરાષ્ટ્રપતિ છે અને સર્વેના પરિણામો પણ એમની જ તરફેણ કરે છે.

આ પણ વાંચો : ‘મંગળ ગ્રહ’ પર એક વર્ષ રહ્યા બાદ ચાર વૈજ્ઞાનિકો સુરક્ષિત પરત ફરતા હાશકારો, તાળીઓથી કરાયું સ્વાગત

શું છે સર્વેના પરિણામો? 

હજુ ગયા વર્ષ સુધી કમલા હેરિસ આજે ગણાય છે એટલા મજબૂત નેતા નહોતા ગણાતા. એનું કારણ એ હતું કે 2020ના પ્રમુખપદના ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવારની રેસમાં કમલાએ બાઇડેન સામે પીછેહઠ કરવી પડેલી. જોકે, તાજેતરમાં થયેલા એકથી વધુ સર્વેના પરિણામોના તારણ કહે છે કે, જો બાઇડેન કરતાં કમલા હેરિસ ડોનાલ્ટ ટ્રમ્પ સામે વધુ સારી રીતે લડી શકશે. 

CNN ચેનલના સર્વેમાં જાણવા મળ્યું છે કે, ટ્રમ્પ અને બાઇડેનમાંથી જ પસંદ કરવાનું હોય તો 49 ટકા મતદારોએ ટ્રમ્પની પસંદગી કરી હતી અને 43 ટકા મતદારોએ બાઇડેન પર પસંદગી ઢોળી હતી. ફરક થયો છ ટકાનો. નોંધપાત્ર કહેવાય એવો ફરક! એ જ સર્વેમાં પરિણામ એવું મળ્યું કે જો ટ્રમ્પ અને કમલા વચ્ચે ભીડંત થાય તો ટ્રમ્પની તરફેણમાં 47 ટકા અને કમલાના પક્ષે 45 ટકા મતવારો ઊભા રહે. અહીં પણ કમલા ટ્રમ્પ કરતાં પાછળ છે, પણ બાઇડેન કરતાં બે ટકા વધુ લોકોએ એમને પસંદ કર્યા છે. જે બે ટકાનો ફરક ટ્રમ્પ-કમલાના સર્વેમાં આવ્યો છે એ બે ટકા ગમે ત્યારે ઈધર કા ઉધર થઈ શકે એવી શક્યતા ખરી. કહેવાનું તાત્પર્ય એ કે બાઇડેન કરતાં કમલા ટ્રમ્પને ક્યાંય વધુ મજબૂત સ્પર્ધા આપી શકે એમ છે.

‘પોલિંગ આઉટલેટ ફાઈવ-થર્ટી-એઈટ’ દ્વારા કરાયેલા સર્વેના પરિણામ ખાસ્સા રસપ્રદ આવ્યા છે. એમના સર્વે મુજબ જોઈએ તો 37 અમેરિકનો કમલાને અને 38 ટકા અમેરિકનો ટ્રમ્પને પ્રમુખપદે જોવા માંગે છે. જ્યારે કે ફક્ત 36 ટકા અમેરિકનો બાઇડેનને જ ફરી સત્તારૂઢ થતા હોવા ઈચ્છુક છે. ખરા અર્થમાં કાંટે કી ટક્કર કહેવાય એવો આ સર્વે છે. 

કંઈક આ જ પ્રકારના પરિણામ અન્ય માધ્યમોના સર્વેમાં પણ આવ્યા છે. જનતાનો એક વર્ગ સ્પષ્ટપણે કહી રહ્યો છે કે, બાઇડેનને બદલે કમલા કે પછી અન્ય કોઈ લાયક ઉમેદવાર મેદાનમાં આવે તો જ તેઓ ડેમોક્રેટિક પાર્ટીને વોટ આપશે, અન્યથા એમનો વોટ ટ્રમ્પને જ જશે. આ વર્ગ બાઇડેનને કોઈ કાળે મત આપવાના મતનો નથી. અમેરિકાના અમક્ષ ઉમેદવારો પણ બાઇડેન કરતાં કમલા વધુ લાયક હોવાનું કહી રહ્યા છે. અમેરિકન ચૂંટણીના નિષ્ણાતો પણ બાઇડેનને બદલે કમલા હેરિસની તરફેણ કરે છે. ટ્રમ્પ અને એની પાર્ટી રિપબ્લિકનને દાન દેનારા બે અબજોપતિઓએ પણ કબૂલ્યું છે કે ટ્રમ્પનો સામનો બાઇડેન સાથે થાય તો સારું, કમલા કરતાં બાઇડેનને હરાવવાનું ટ્રમ્પ માટે આસાન રહેશે. 

આ પણ વાંચો : ફ્રાન્સમાં પણ સત્તાપલટો? મેક્રોનની હારના સંકેત વચ્ચે પેરિસમાં હિંસા, દેખાવકારોએ મચાવ્યો ઉત્પાત

શું માને છે ડેમોક્રેટ્સ?

બાઇડેનની શારીરિક નાદુરસ્તી અને ડિબેટમાં એમના ખરાબ પરફોર્મન્સ પછી તો એમની પાર્ટીમાં પણ એમના વિરુદ્ધનો સૂર ઊઠ્યો છે. ઘણા ડેમોક્રેટ્સનું એવું માનવું છે કે, વ્હાઇટ હાઉસની ખુરશી માટેની દોડમાં બાઇડેન પહેલેથી જ ટ્રમ્પ કરતાં પાછળ છે, એમનું ઇલેક્શન કેમ્પેઇન કંઈ ખાસ પ્રભાવશાળી નથી. આવી સ્થિતિમાં છેલ્લી ઘડીએ તેઓ ટ્રમ્પથી આગળ નીકળી જાય એની કોઈ શક્યતા નથી. માટે બહેતર છે કે ડેમોક્રેટિક પાર્ટી કમલા હેરિસ પર જુગાર રમે. એમ કરવામાં કદાચ જીતી પણ જવાય. 

આ પણ વાંચો : અમેરિકામાં ફરી પાર્ટી દરમિયાન અંધાધૂંધ ગોળીબાર, 2 લોકોનાં મોત, 19થી વધુ ઈજાગ્રસ્ત થતાં હડકંપ

કમલા હેરિસના પ્લસ પોઇન્ટ

  • કમલાના જીતવાના ચાન્સ બાઇડેન કરતાં વધુ હોવાનું કહેતા સર્વે કહે છે કે અમેરિકામાં ક્યારેય કોઈ મહિલા પ્રમુખ નથી બની, એ કારણસર પણ કમલા અમેરિકનોને અપીલ કરી શકે. 
  • વધુમાં તેઓ બ્લેક (શ્યામવર્ણા) છે, જેને લીધે એમને આફ્રિકન-અમેરિકન અને એશિયન-અમેરિકનોના વોટ મોટી માત્રામાં મળી શકે એમ છે. 
  • ગર્ભપાત જેવા અમેરિકનો માટે સંવેદનશીલ મુદ્દે કમલા જન-પ્રિય એવો ઉદાર મત ધરાવે છે. સુપ્રીમ કોર્ટે 2022 માં ગર્ભપાતના મહિલાઓના બંધારણીય અધિકારને રદ કર્યો ત્યારથી કમલા મહિલાઓને પ્રજનન અધિકારો આપવા બાબતે અવાજ ઉઠાવી રહ્યાં હોવાથી યુવા મતદારો પણ એમના તરફ ઢળે એવી શક્યતા ખરી. 
  • ડેમોક્રેટિક પાર્ટીની નીતિઓ પસંદ કરનારા, પણ ઇઝરાયેલ-હમાસ યુદ્ધ જેવા ઘણા મુદ્દે બાઇડેન-રાજથી વાજ આવી ગયેલા અમેરિકનો પણ કમલાને તક આપી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, માર્ચ 2024માં ઇઝરાયલ-હમાસ યુદ્ધવિરામ માટે હાકલ કરનાર કમલા પહેલા અમેરિકન રાજકારણી હતા. 
  • શ્યામવર્ણા કમલા ઉપરાષ્ટ્રપતિ પદે હોવાને કારણે પણ શ્યામવર્ણા અમેરિકનોનો મોટો વર્ગ બાઇડેન સરકારને સમર્થન આપતો આવ્યો છે. હવે જો કમલાને બદલે કોઈ ગોરી ચામડીના ઉમેદવારને આગળ કરાય તો એ વર્ગ ડેમોક્રેટિક પાર્ટીથી નારાજ થઈ જાય એવું બની શકે. માટે પણ એવી વાત ચર્ચાય છે કે બાઇડેનના વિકલ્પરૂપે કમલા હેરિસ સિવાય બીજું કોઈ નથી.

આ પણ વાંચો : ઈઝરાયલના સૈન્યની ક્રૂરતાં, ગાઝામાં સ્કૂલ પર કર્યા હવાઈ હુમલા, 16 લોકોનાં મોત, 50થી વધુ ઈજાગ્રસ્ત

કમલા હેરિસ સામેના પડકાર

  • અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણી લડનાર ઉમેદવારે પોતાની તાકાત પર ચૂંટણી માટેનું ભંડોળ ભેગું કરવું પડે છે. 2020ની ચૂંટણી પહેલાં ભંડોળ એકત્રીકરણના અભિયાનમાં બાઇડેન 60.9 મિલિયન ડોલર ભેગા કરી શક્યા હતા, જ્યારે કમલાની ગાડી 39.3 મિલિયન ડોલર પર અટકી ગયેલી અને કમલાએ બાઇડેનને રસ્તો કરી આપવો પડેલો. 2024ની ચૂંટણી સંદર્ભે નિષ્ણાતો એમ કહે છે કે, બાઇડેનને સ્થાને કમલાને આગળ કરાય તો બાઇડેનની ઝુંબેશ દ્વારા ઊભા કરાયેલા ચૂંટણી ભંડોળનો ઉપયોગ કમલા પોતાના પ્રચાર માટે કરી શકશે, પણ એ પૂરતું નહીં હોય. ચૂંટણી પ્રચાર માટે કમલાએ હજુ લાખો ડોલર વધુ એકત્ર કરવાની જરૂર પડશે, પણ એમ કરવા માટે પૂરતો સમય હવે એમની પાસે નથી. 
  • એક હકીકત એ પણ છે કે, ફક્ત પાર્ટીના મુખિયા બદલી નાંખવાથી પાર્ટીના એજેન્ડા બદલાઈ નથી જતા. ઈઝરાયેલ-ગાઝા મુદ્દે અમેરિકાનો જે વર્ગ બાઇડેન સરકારથી નારાજ છે એ આ જ કારણસર કમલાને વોટ નહીં આપે એવું બની શકે.
  • બાઇડેનની કેન્દ્રવાદી નીતિઓથી વિરુદ્ધ કમલાની ઈમેજ ડાબેરી વિચારધારાનું સમર્થન કરનાર નેતા તરીકેની છે, જેને નિષ્ણાતો કમલાની સૌથી મોટી નબળાઈ ગણાવે છે. 
  • બાઇડેનના અનુગામી તરીકે કમલા ઉપરાંત જે એક નામ ચર્ચામાં છે એ છે ભૂતપૂર્વ પ્રમુખ બરાક ઓબામાના પત્ની મિશેલ ઓબામા. ઘણાના મતે મિશેલ કમલા કરતાં પણ વધારે લાયક દાવેદાર છે. જોકે, મિશેલે ક્યારેય પ્રમુખપદની રેસમાં ઝંપલાવવામાં રસ દાખવ્યો નથી. અલબત્ત, ડેમોક્રેટિક પાર્ટીનો એક મોટો વર્ગ મિશેલને દાવેદાર બનાવવા ઈચ્છુક છે, એટલે છેલ્લી ઘડીએ પાસાં પલટાય અને કમલાને બદલે મિશેલ પિક્ચરમાં એન્ટ્રી મારે, એવુંય બની શકે. 

આ પણ વાંચો : શ્રીલંકા ભારતની જાસૂસી કરતા ચીની જહાજોને પ્રવેશની છૂટ આપશે

કમલા હેરિસથી ભારતને કેટલો ફાયદો ?

અમેરિકન ચૂંટણીમાં રહેલી આંટીઘૂંટીઓને જોતા ક્યારે શું બને એ કહી ન શકાય. દેખાવે અને નામે ભારતીય લાગતાં કમલા પોતાની જાતને અમેરિકન જ ગણાવે છે, એટલે જો તેઓ પ્રમુખપદની રેસમાં ઝુકાવે અને જીત મેળવે તોય ભારતીય તરીકે આપણે બહુ હરખાવા જેવું નથી.


Google NewsGoogle News