Get The App

ભારતની ચૂંટણી ઉપર બાહ્ય પરિબળોની અસર હોવાનો પશ્ચિમના દેશોનો મત અમેરિકાએ અસ્વીકાર્ય ગણ્યો

Updated: Jun 6th, 2024


Google NewsGoogle News
ભારતની ચૂંટણી ઉપર બાહ્ય પરિબળોની અસર હોવાનો પશ્ચિમના દેશોનો મત અમેરિકાએ અસ્વીકાર્ય ગણ્યો 1 - image


- ભારતમાં પરિણામો સંપૂર્ણ જાહેર થવા પૂર્વે યુએસે કહ્યું

- આ સાથે અમેરિકાના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું : બંને દેશો વચ્ચેની ભાગીદારી ચાલુ જ રહેશે

વોશિંગ્ટન : ભારતની લોકસભાની ચૂંટણી સરળ રીતે પૂરી થઈ, તે અંગે અમેરિકાએ ભારતની સરકાર અને ભારતનાં જનસામાન્યની ભારોભાર પ્રશંસા કરી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રીજી વખત તે પદ ઉપર આવવા માટે અમેરિકાએ તેઓને ધન્યવાદ આપ્યા હતા, વિશેષત: હિંદી હાર્ટલેન્ડમાં કસોકસની ચૂંટણીઓમાં ભાજપે માર ખાધો હોવા છતાં નરેન્દ્ર મોદીના નેતૃત્વ નીચેનાં ગઠબંધન એનડીએએ કટોકટથી ઉપર પણ થોડી બહુમતી પ્રાપ્ત કરી તેની પણ અમેરિકાએ પ્રશંસા કરી હતી, અને એનડીએના આ વિજયને નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા માટેના 'લોક-મત' (રેફરેન્ડમ્) તરીકે કહ્યો હતો.

તે સર્વવિદિત છે કે ચૂંટણી પંચે જાહેર કર્યું હતું કે ભાજપને ફાળે ૨૪૦ બેઠકો ગઈ છે. જ્યારે મુખ્ય વિપક્ષ કોંગ્રેસને ફાળે ૯૯ બેઠકો ગઈ છે.

મંગળવારે ચૂંટણીપંચે આ જાહેરાત કરી તે પૂર્વે જ 'ટ્રેન્ડઝ' ઉપર અમેરિકાની પૂરી નજર હતી. હજી પુરાં પરિણામો જાહેર થાય તે પૂર્વે અમેરિકાનાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા મેથ્યુ મિલરે કહ્યું હતું કે, 'અમેરિકાની સરકાર વતી અમે ભારતની સરકાર અને ભારતના મતદારોને આવી વિશાળ પ્રક્રિયા યોગ્ય રીતે પૂરી કરવા માટે અભિનંદન આપું છું. અમે આખરી પરિણામોની રાહ જોઈએ છીએ.'

ભારતનાં શાસક ગઠબંધન એનડીએ દ્વારા બહુમતી માટેની મધ્યમાન રેખા ૨૭૨ બેઠકો ઓળંગાઈ ગયા પછી તે અંગે રોજીંદી પત્રકાર પરિષદમાં પૂછાયેલા એક પ્રશ્નના જવાબમાં મેથ્યુ મિલરે આ પ્રમાણે જણાવ્યું હતું.

ભારતનાં ચૂંટણી પરિણામો વિષે ટીપ્પણી કરવાનું પત્રકારોએ મિલરને કહેતાં તેઓએ કહ્યું, ''સૌથી પહેલી વાત તો તે છે કે અમે જાણીએ છીએ ત્યાં સુધી ચૂંટણી પરિણામો હજી પૂરાં બહાર પડયાં નથી. આથી તે વિષે કોઈ નિશ્ચિત ટિપ્પણી કરવાનું અમે નિવારી રહ્યા છીએ. ચૂંટણી પરિણામો પૂરાં પ્રસિદ્ધ ન થાય ત્યાં સુધી અમે વિજેતા કે પરાજિત તેમ કોઈના વિષે કશી ટીપ્પણી કરવાના નથી. પરંતુ અમારા મતે તો છેલ્લાં છ સપ્તાહથી ચાલી રહેલી આ લાંબી ચૂંટણી પ્રક્રિયા લોકશાહીના ઈતિહાસમાં અવિસ્મરણીય બની રહી હતી. તે માટે ભારતની જનતા ધન્યવાદને પાત્ર છે.''

આ સાથે મેથ્યુ મિલરે કહ્યું હતું કે ભારતમાં કોઈપણ સરકાર આવે તો પણ ભારત અને અમેરિકા વચ્ચેની ઘનિષ્ઠ ભાગીદારી તો ચાલુ જ રહેશે.


Google NewsGoogle News