હાથ અડાડ્યાં વિના જ તાઈવાનને આખેઆખું ગળી જવાનો ડ્રેગનનો પ્લાન, અમેરિકાનું પણ ટેન્શન વધ્યું
China vs Taiwan Controversy : ભારતના પડોશી દેશ ચીન અને તાઈવાન વચ્ચે વર્ષોથી સરહદ વિવાદ ચાલી રહ્યો છે. અમેરિકા પણ તાઈવાનને સાથ આપી ડ્રેગનને છંછેડતું રહ્યું છે. ડ્રેગન તિબેટ પર પોતાનો અધિકાર હોવાનો વર્ષોથી દાવો કરી રહ્યું છે. થોડા દિવસો પહેલા અમેરિકન સંસદે ‘રિઝોલ્વ તિબેટ એક્ટ’ બિલ પસાર કરી ચીનનો ગુસ્સો વધાર્યો હતો. આ બિલનો મુખ્ય હેતુ તિબેટના વિવાદને ઉકેલવાનો છે. બિલમાં તિબેટની સ્થિતિ અને વિવાદ અંગે શાંતિપૂર્ણ સમાધાન કરવાનો ઉલ્લેખ કરાયો છે. ત્યારે ચીને તાઈવાનને હાથ અડાડ્યાં વિના જ આખેઆખું ગળી જવાનો પ્લાન બનાવ્યો છે, જેના કારણે અમેરિકા પણ ચિંતિત થઈ ગયું છે.
તાઈવાનને પાડવા ચીનની ચાલબાજી શરૂ
વોશિંગ્ટનના થિંક ટેન્ક સેન્ટર ફોર સ્ટ્રેટેજિક એન્ડ ઈન્ટરનેશનલ સ્ટડીઝ (CSIS)ના રિપોર્ટ મુજબ, ચીન ક્વોરેન્ટાઈન વ્યૂહરચનાથી તાઈવાનને પછાડવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ કારણે બંને દેશો વચ્ચે સમુદ્રી સરહદ વિવાદમાં પણ વધારો થયો છે. ચીનની ચાલબાજી પરથી સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે, તે તાઈવાનને પાડી ભાંગવા માંગે છે.
ચીન તાઈવાનના બંદરો પર પ્રતિબંધ લાદી પુરવઠો ખોરવી નાખશે
CSISનાં રિપોર્ટમાં ‘તાઈવાનને દબાવવાની ચીનની વ્યૂહરચના’નો ઉલ્લેખ કરી જણાવાયું છે કે, ચીન તેના કોસ્ટ ગાર્ડ અને નેવી દ્વારા તાઈવાનના બંદરો પર પ્રતિબંધો લાદશે. જો ચીન આવું કરશે તો તાઈવાનના મહત્વના પુરવઠાને ગંભીર અસર પડશે. તેના સમુદ્ર પર આવતો પુરવઠો ખોરવાઈ શકે છે. ડ્રેગનની આ વ્યૂહરચના યુદ્ધ લડ્યા વગર દુશ્મન દેશને પાડવા જેવી છે. આવી વ્યૂહરચનાને ગ્રે ઝોન રણનીતિ કહેવામાં આવે છે. જોકે તેમાં સંપૂર્ણ નાકાબંધી હોતી નથી, પરંતુ લાંબા ગાળે દુશ્મન દેશને ઘણું નુકસાન થઈ શકે છે.
તાઈવાનની સીમામાં ઘૂસ્યા હતા ચીની એરક્રાફ્ટ અને જહાજો
ઉલ્લેખનીય છે કે, ચીન વર્ષોથી તાઈવાનને તેને ભાગ હોવાનો દાવો અને તના પર કબજો કરવાનો પ્રયાસ કરતો રહ્યો છે. થોડા સપ્તાહ પહેલાં જ તાઈવાને દાવો કર્યો હતો કે, ચીનના સાત મિલ્ટ્રી એરક્રાફ્ટ અને નૌસેનાના પાંચ યુદ્ધ જહાજો તેના સમુદ્રમાં આટાફેરા મારતા જોયા છે. તાઈવાને કહ્યું હતું કે, ચીની સેનાનું એક એરક્રાફ્ટ તાઈવાન સ્ટ્રેટમાં સમુદ્રી સીમા પાર કરીને તેની સીમામાં ઘૂસી ગયું હતું.