'રામમય' બન્યુ અમેરિકા, સાન ફ્રાન્સિસ્કોમાં નીકળી ભવ્ય કાર રેલી, દેશના મંદિરો પર ભવ્ય ડેકોરેશન, વિવિધ કાર્યક્રમોનુ આયોજન
ફ્રાન્સિસ્કો, તા. 21 જાન્યુઆરી 2024
અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને આડે હવે ગણતરીના કલાકો જ બાકી છે ત્યારે અમેરિકા પણ રામ મય બની રહ્યુ છે.
અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો શહેરમાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પહેલા ભવ્ય કાર રેલી કાઢવામાં આવી હતી. જેમાં 1000 કરતા વધારે કારો સામેલ થઈ હતી. ભગવા ધ્વજ લહેરાવતી કાર રેલી નીકળી ત્યારે જય શ્રી રામના નારા સાથે શહેર ગૂંજી ઉઠ્યુ હતુ. રેલીમાં હજારો લોકો જોડાયા હતા અને દરેક વ્યક્તિના હાથમાં ભગવો ધ્વજ અને ભગવાન રામની તસવીર હતી.
અમેરિકાના સેંકડો મંદિરો ભગવા રંગમાં રંગાયા છે.મંદિરો પર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે ભવ્ય રોશની કરવામાં આવી છે. મંદિરોમાં પૂજા પાઠ, ભજન તેમજ ભંડારાઓનુ પણ આયોજન કરાયુ છે.પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનુ લાઈવ પ્રસારણ પણ મંદિરોમાં થવાનુ છે. અમેરિકાના મોટાભાગના હિન્દુ મંદિરોમાં વિવિધ સમારોહનુ આયોજન કરવામાં આવ્યુ છે.
હ્યુસ્ટનમાં સીતા રામ ફાઉન્ડેશન દ્વારા મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનુ આયોજન કરાયુ છે. જેની શરુઆત સુંદરકાંડથી થશે અને સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ હવન પણ યોજવામાં આવશે.તેનુ સમાપન ભગવાન રામની શોભાયાત્રા અને અયોધ્યાથી મંગાવાયેલા પ્રસાદના વિતરણ સાથે થશે.
વોશિંગ્ટનના એક પરામાં આવેલા મંદિરમાં પણ રામ ઉત્સવ કાર્યક્રમ યોજાશે અને તેમાં મેરીલેન્ડ રાજ્યના ગર્વનર વેસ મૂર પણ હાજરી આપશે.