ઈરાન સાથે મિત્રતાના કારણે ભારત પર ભડક્યું અમેરિકા, સતત બીજી વખત આપ્યો ઝટકો
US Treasury banned India Company: અમેરિકામાં સત્તામાં પાછા આવ્યા બાદથી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન પર કાર્યવાહી કરવા માટે તમામ સંભવિત ઉપાયો અપનાવી રહ્યા છે. જો કે, હવે ટ્રમ્પ પ્રશાસને ઈરાન પર વધુ દબાણ લાવવાની વ્યૂહરચના તરીકે ભારત અને ઈરાનની મિત્રતા પર હુમલો કર્યો છે. અમેરિકાએ સૌથી પહેલા ઈરાનના ચાબહાર પોર્ટ પર ભારતને આપવામાં આવેલી છૂટને સમાપ્ત કરવાનો નિર્ણય લીધો છે. તેમજ હવે એક ભારતીય કંપની માર્શલ શિપ મેનેજમેન્ટ કંપની અને એક ભારતીય નાગરિક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
ઈરાનને ઘૂંટણિયે લાવવા માંગે ટ્રમ્પ પ્રશાસન
યુએસ ટ્રેઝરી ડિપાર્ટમેન્ટે ભારતીય કંપની પર આરોપ લગાવ્યો છે કે ભારત ચીનને તેલ વેચવામાં ઈરાનને મદદ કરી રહ્યું છે. સાથે જ અમેરિકાને એ વાતનો પણ ડર છે કે ઈઝરાયલ સાથે યુદ્ધ બાદ ઈરાન સરકાર હવે પરમાણુ બોમ્બ બનાવવામાં વ્યસ્ત છે. આ જ કારણસર અમેરિકાનું ટ્રમ્પ પ્રશાસન ઈરાનને ઘૂંટણિયે લાવવા માંગે છે.
યુએસ ટ્રેઝરી ડિપાર્ટમેન્ટે ભારત પર નવા પ્રતિબંધોની જાહેરાત કરી
યુએસ ટ્રેઝરી ડિપાર્ટમેન્ટે 6 ફેબ્રુઆરીના રોજ નવા પ્રતિબંધોની જાહેરાત કરી છે. આ જાહેરાતમાં સમગ્ર આંતરરાષ્ટ્રીય નેટવર્કને નિશાન બનાવવામાં આવ્યું છે. અમેરિકાએ કહ્યું કે ભારતીય કંપનીએ ચીન સાથે કરોડો ડૉલરના તેલના વેપારમાં ઈરાનની મદદ કરી છે. તેમજ અગાઉ 4 ફેબ્રુઆરીના રોજ પણ ટ્રમ્પ વહીવટીતંત્રે ઈરાન વિરુદ્ધ મહત્તમ આર્થિક દબાણ બનાવવાનો આદેશ આપ્યો હતો અને હવે આ ભારતીય કંપની અને અધિકારી પર લાદવામાં આવેલ પ્રતિબંધ ટ્રમ્પના આ આદેશનો એક ભાગ છે.
આ પણ વાંચો: આ એજન્સી બંધ ના કરો, લાખો લોકો મરી જશે : બિલ ગેટ્સની એલન મસ્કને ચેતવણી
ઈરાન તેલના પૈસાથી મિસાઈલ બનાવી રહ્યું છે
અમેરિકાએ પોતાના સત્તાવાર નિવેદનમાં કહ્યું કે આ તેલ પ્રતિબંધિત ઈરાની સૈન્ય કંપની તરફથી ચીનને મોકલવામાં આવી રહ્યું છે. ચીન, ભારત અને UAEની ઘણી કંપનીઓ અને જહાજો પણ આ પ્રતિબંધની શ્રેણીમાં સામેલ છે.
અમેરિકાએ કહ્યું, 'ઈરાન તેલ વેચીને દર વર્ષે અબજો ડૉલરની કમાણી કરી રહ્યું છે અને સમગ્ર ક્ષેત્રમાં અસ્થિરતા ફેલાવી રહ્યું છે. તે આ તેલના વેચાણથી મળેલા પૈસાથી તેના પરમાણુ કાર્યક્રમને આગળ ધપાવી રહ્યું છે. આ સિવાય તે કિલર ડ્રોન અને મિસાઇલ પણ તૈયાર કરી રહી છે. તેમજ ઈરાન હમાસ, હિઝબુલ્લાહ અને હુતિઓને પણ મદદ કરી રહ્યું છે.'