હું H1B વિઝાનું સમર્થન કરું છું: ભારે વિવાદ વચ્ચે ટ્રમ્પની જાહેરાત, વિરોધીઓને ઝટકો
USA H1B Visa : અમેરિકાના લૌરા લૂમર નામના એક ‘ફાર-રાઈટ’ (અત્યંત-જમણેરી વિચારધારા ધરાવનારા) રાજકીય કાર્યકરે H-1B વિઝા લઈને અમેરિકા જનારા ભારતીયો અંગે અપમાજનક શબ્દોનો પ્રયોગ કરતા ભારે વિવાદ ચાલી રહ્યો છે. આ મામલે ટ્રમ્પના સમર્થક એવા બાયોટેક ઉદ્યોગસાહસિક વિવેક રામાસ્વામી અને ટેસ્લાના સીઈઓ એલોન મસ્કે લૌરાની ઝાટકણી કાઢ્યા બાદ હવે ડોનાલ્ડ ટ્રમ્પે નિવેદન આપવું પડ્યું છે.
ભારતીયો અંગે લૌરાના નિવેદન બાદ ભડકો
વાસ્તવમાં અમેરિકામાં યોજાયેલી તાજેતરની ચૂંટણી વખતે ડોનાલ્ડ ટ્રમ્પે H-1B વિઝા સહિત ઈમિગ્રેશન મુદ્દે આકરૂં વલણ અપનાવવાની વાત કહી હતી. એટલું જ નહીં અગાઉ તેઓ પ્રમુખ બન્યા હતા, ત્યારે વિઝા પ્રક્રિયા ખૂબ જ મુશ્કેલ બનાવી દીધી હતી, તેથી આ વખતે એવું મનાઈ રહ્યું હતું કે, ટ્રમ્પની જીત બાદ વિઝા નિયમો ફેરફાર કરી આકરા બનાવી દેવાશે. આ ઉપરાંત ચૂંટણી વખતે જ લૌરા લૂમરે અમેરિકામાં આવતા ભારતીયો માટે આક્રમખોરો જેવા શબ્દોનો પ્રયોગ કર્યો હતો, જેના કારણે મોટો વિવાદ ચાલી રહ્યો છે. આ મુદ્દે રામાસ્વામી અને મસ્કે લૌરાની આકરી ઝાટકી કાઢી હતી અને હવે ટ્રમ્પે પણ વિઝા અંગે નિવેદન આપ્યું છે. ટ્રમ્પે H-1B વિઝા અંગે ચાલી રહેલી ચર્ચાઓને રદીયો આપી દીધો છે અને કહ્યું છે કે, તેઓ વર્તમાન H-1Bના પ્રોગ્રામ પર વિશ્વાસ કરે છે.
મને H-1Bના પ્રોગ્રામ પર વિશ્વાસ : ટ્રમ્પ
H-1B વિઝા આકરા બનાવવાના મામલા પર ટ્રમ્પે કહ્યું કે, ‘મને હંમેશા વીઝા પસંદ છે, હું હંમેશા વિઝાનું સમર્થન કરતો રહ્યું છે, તેથી જ મારી પાસે વિઝા છે. મારી સંપત્તિમાં અનેક H-1B ધારકો રહે છે. હું H-1B વિઝા પર વિશ્વાસ કરું છું. મેં તેનો અનેક વખત ઉપયોગ કર્યો છે અને આ એક શ્રેષ્ઠ પ્રોગ્રામ છે.’
જાણો વિઝા પર કેમ શરૂ થયો વિવાદ
ઉલ્લેખનીય છે કે, દુનિયાભરના ભણેશ્રીઓ માટે H-1B વિઝા એ અમેરિકામાં ઘૂસવા માટેની ચાવી છે. અમેરિકન કંપનીઓ આ વિઝા અંતર્ગત દુનિયાના કોઈપણ ખૂણે વસતા માણસને નોકરી આપીને અમેરિકા બોલાવી શકે છે. આ વિઝાનો ભરપૂર ફાયદો ભારતીયો દાયકાઓથી ઉઠાવતા આવ્યા છે. જોકે તાજેતરમાં લૌરા લૂમર નામના એક ‘ફાર-રાઈટ’ (અત્યંત-જમણેરી વિચારધારા ધરાવનારા) કાર્યકરે H-1B વિઝા લઈને અમેરિકા જનારા ભારતીયો માટે ‘થર્ડ વર્લ્ડ ઈન્વેડર્સ ફ્રોમ ઈન્ડિયા’ (ત્રીજા વિશ્વ ‘ભારત’માંથી આવનારા આક્રમણખોરો) જેવા શબ્દોનો પ્રયોગ કર્યો હતો, જેના કારણે વિઝા મામલે અમેરિકામાં વિવાદ ચાલી રહ્યો છે.
ટ્રમ્પે એલન મસ્કનું કર્યું સમર્થન
લૌરાના નિવેદન બાદ ઈલોન મસ્ક અને વિવેક રામાસ્વામી મેદાનમાં આવ્યા હતા અને બંનેએ લૌરાની વાતનો વિરોધ કર્યો હતો. ત્યારબાદ ટ્રમ્પે પણ મસ્ક અને રામાસ્વામીના વાતનું સમર્થન કર્યું હતું. મસ્ક પોતે જ એચ1-બી વિઝા પર દક્ષિણ આફ્રિકાથી આવેલા છે અને તેમણે ટ્વિટ કરીને કહ્યું કે, ‘અમેરિકાના જીતાડવા માટે વિદેશોમાંથી વિશેષ એન્જિનિયરિંગ પ્રતિભાને પ્રોત્સાહન આપવું જરૂરી છે.’
ડોનાલ્ડ ટ્રમ્પે તેમના પ્રથમ કાર્યકાળ દરમિયાન એચ-1બી વિઝા કાર્યક્રમની ટીકા કરી હતી અને તેમાં અનેક ફેરફાર કર્યા હતા. જોકે આ વખતના ચૂંટણી પ્રચારમાં તેમણે કહ્યું કે, જો કોઈ પણ અમેરિકાની કૉલેજ-યુનિવર્સિટીમાંથી સ્નાતક છે તો તેમને આપમેટે ગ્રીનકાર્ડ મળી જવું જોઈએ.
આ પણ વાંચો : H1B વિઝા અને ભારતીયો મુદ્દે ટ્રમ્પના સમર્થકોમાં તિરાડ! વિરોધીઓને મસ્કનો જડબાતોડ જવાબ
વિરોધીઓ પર ભડક્યા મસ્ક
ઈમિગ્રેશનના વિરોધી રહેલા ઈલોન મસ્કે પણ ટ્રમ્પનો પક્ષ લેતાં એચ-1બી વિઝાને સમર્થન આપ્યું હતું. તેમણે ટ્વિટ કર્યું હતું કે, ‘અમેરિકન ટેક્નોલોજી કંપનીઓએ દેશમાં કામ કરી રહેલા એન્જિનિયર્સની સંખ્યા બમણી કરવાની જરૂર છે. જો તમે ઈચ્છો છો કે, તમારી ટીમ ચેમ્પિયનશીપ જીતે તો તમારે ટોપ ટેલેન્ટની ભરતી કરવી પડશે.’ જોકે ટ્રમ્પના અનેક સમર્થકોએ મસ્કની વાતની ટીકા કરી છે. બીજીતરફ મસ્કે વિરોધીઓને અસભ્ય રીતે જવાબ પણ આપ્યો છે. તેમણે વિરોધીઓ માટે F શબ્દનો ઉપયોગ કરીને એક ટ્વિટના જવાબમાં લખ્યું છે કે, ‘હું અમેરિકામાં છું અને મારી સાથે અનેક મહત્ત્વના લોકો છે, જેમણે સ્પેસએક્સ, ટેસ્લા અને અન્ય ઘણી કંપનીઓ સ્થાપી અમેરિકાને મજબૂત બનાવ્યું છે.’
લૌરાએ શું કહ્યું?
અમેરિકાના ‘ફાર-રાઈટ’ (અત્યંત-જમણેરી વિચારધારા ધરાવનારા) રાજકીય કાર્યકર લૌરા લૂમરે કહ્યું હતું કે, ‘અમેરિકા દેશ યુરોપના ગોરી ચામડીવાળા વસાહતીઓ દ્વારા નિર્માણ પામ્યો હોવાથી એના પર ગોરી પ્રજાનો જ હક સૌથી વધારે છે. ત્રીજા વિશ્વના ભારતીયો જેવા આક્રમણખોરોનો નહીં. મેં MAGA નીતિઓ અમલમાં મુકાય એ માટે ટ્રમ્પને મત આપ્યો હતો. મેં H-1B વિઝાનું પ્રમાણ ઓછું કરાય એ માટે મતદાન કર્યું હતું.’
31 વર્ષના લૌરા લૂમર રાજકીય કાર્યકર અને કોન્સ્પિરસી થિયરિસ્ટ છે. ડોનાલ્ડ ટ્રમ્પના પ્રખર સમર્થક એવા લૌરા લૂમર ટ્રમ્પની MAGA (મેક અમેરિકા ગ્રેટ અગેઈન - અમેરિકાને ફરીથી મહાન બનાવો) પોલિસીના પણ કટ્ટર સમર્થક છે. વ્હાઈટ હાઉસના ‘આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ’ વિભાગના વરિષ્ઠ નીતિ સલાહકાર તરીકે ઉદ્યોગ-સાહસિક શ્રીરામ કૃષ્ણનની નિમણૂક થયા પછી લૌરાએ ભારતીયોના વિરોધમાં ઉપરોક્ત ટિપ્પણી કરી હતી. લૌરાએ કૃષ્ણનની નિમણૂકને ‘ડીપલી ડિસ્ટર્બિંગ’ (ખૂબ ખલેલ પહોંચાડનારી) ગણાવી હતી.
વિવેક રામાસ્વામીએ લૌરાની ઝાટકણી કાઢી
લૌરાની ટિપ્પણીના વિરોધમાં વિવેક રામાસ્વામીએ સોશિયલ મીડિયા X પર પોસ્ટ લખીને સમજાવ્યું હતું કે, કઈ રીતે સાંસ્કૃતિક તફાવત એશિયનોને ગોરી પ્રજા કરતાં વધુ કાર્યક્ષમ બનાવે છે. તેમણે લખ્યું હતું કે, ‘ટોચની ટેક કંપનીઓ ‘મૂળ અમેરિકનો’ કરતાં ‘વિદેશમાં જન્મેલા પ્રથમ પેઢીના એન્જિનીયરો’ની નિમણૂક ટોચના પદે કરે છે તેનું કારણ એ નથી કે મૂળ અમેરિકનોમાં બુદ્ધિ ઓછી છે કે પછી તેઓ આળસુ છે. તેનું મુખ્ય કારણ એ છે કે વિદેશીઓ જુદી સંસ્કૃતિમાં ઊછરીને આવેલા હોય છે, જે તેમની કાર્યક્ષમતા ગોરી પ્રજાની સરખામણીમાં અલગ રીતે વધારે છે. આપણે અઘરા પ્રશ્નોના જવાબ જોઈતા હશે અને સમસ્યાઓ હલ કરવી હશે તો આપણે આ સત્ય સ્વીકારવું પડશે.’ ટૂંકમાં, રામાસ્વામીએ વિદેશી નાગરિકોના અમેરિકામાં પ્રવેશની વકાલત કરી હતી.
મસ્કે લૌરાને ટ્રોલ ગણાવ્યા
ટેસ્લાના સીઈઓ ઈલોન મસ્કએ લૌરાને ‘ટ્રોલ’ ગણાવતા કહ્યું હતું કે, ‘આજના જમાનામાં વ્યવસાય કરવાની સંભાવનાઓ અનંત છે. 20-30 વર્ષ અગાઉ અસ્તિત્વમાં જ ન હતી તે બધી વસ્તુઓ હવે શક્ય છે, એના વિશે વિચારો.’ ટૂંકમાં, મસ્કએ લૌરાને ખુલ્લા વિચારો અપનાવવાની સલાહ આપી દીધી હતી. મસ્કની ટિપ્પણીથી ઘવાયેલ લૌરાએ અમેરિકન સરકારની ‘ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિયન્સી’ (DOGE) પોલિસી બાબતે પ્રશ્ન કર્યો હતો કે, ‘શું DOGE ની રચના દેશનો ખર્ચ ઘટાડીને બચેલા નાણાં (ઈલોન મસ્ક જેવા) ટેક અબજોપતિઓની કંપનીઓના પ્રોજેક્ટ્સ તરફ વાળવા માટે કરવામાં આવી છે?’ જવાબમાં મસ્કએ લૌરા ‘ફક્ત લોકોનું ધ્યાન પોતાના તરફ ખેંચવા માટે’ આવા નિવેદનો કરતી હોવાનું લખ્યું હતું. તેમણે લૌરાના શબ્દોને ‘ઈગ્નોર કરવા’ (અવગણવા) કહ્યું હતું.
મોટી સંખ્યામાં H-1B વિઝા અપાય છે
ગૂગલ, એમેઝોન અને ટેસ્લા જેવી મોટી અમેરિકન કંપનીઓ H-1B વિઝા આપીને બીજા દેશોના નાગરિકોને અમેરિકા બોલાવે છે. વર્ષ 2024માં H-1B વિઝા માટે વિશ્વભરમાંથી 7,80,884 અરજીઓ આવી હતી, જેમાંથી 85,000 ને વિઝા આપવામાં આવ્યા હતા.