અમેરિકાના ઈતિહાસમાં પહેલી વખત એક કેદીને નાઈટ્રોજન ગેસ વડે મોતની સજા અપાશે
image : twitter
વોશિંગ્ટન,તા.11.જાન્યુઆરી.2024
અમેરિકાના ઘણા બધા રાજ્યો એવા છે જ્યાં આજે પણ દેહાતદંડની સજા યથાવત છે.
અમેરિકામાં દરેક રાજ્ય મોતની સજા આપવી અને આપવી તો કેવી રીતે આપવી તે નક્કી કરતુ હોય છે. હવે અમેરિકાના અલાબામા રાજ્યમાં આ મહિનાના અંતમાં એક વ્યક્તિને મોતની સજા આપવામાં આવનાર છે અને આ સજાના પ્રકારના કારણે આખા અમેરિકામાં ચકચાર મચી ગઈ છે.
અમેરિકાના ઈતિહાસમાં પહેલી વખત નાઈટ્રોજન ગેસ વડે કેદીને મોત આપવામાં આવશે. આ વ્યક્તિનુ નામ કેનેથ સ્મિથ છે. તેણે 1988માં એક પાદરીના કહેવા પર એલિઝાબેથ સેનેટ નામની મહિલાની હત્યા કરી હતી. સેનેટ આ પાદરીની પત્ની હતી. પાદરીએ કેનેથનો ઉપયોગ ભાડૂતી હત્યારા તરીકે કર્યો હતો અને પોતાની પત્નીની હત્યા બદલ 1000 અમેરિકન ડોલર ચુકવ્યા હતા. કેનેથે ચાકુના ઘા મારીને એલિઝાબેથની હત્યા કરી હતી. જ્યારે પાદરીએ બાદમા આત્મહત્યા કરી લીધી હતી.
એ પછી તેની ધરપકડ થઈ હતી અને સ્થાનિક કોર્ટમાં કેસ ચાલ્યો હતો. 1996માં તેને આજીવાન કારાવાસની સજા થઈ હતી. જોકે જ્યુરીના આ ચુકાદાને જજે નકારી કાઢ્યો હતો અને બાદમાં સ્મિથને મોતની સજા અપાી હતી. જેમાં તેને 25 જાન્યુઆરીએ નાઈટ્રોજન ગેસ વડે મોતને ઘાટ ઉતારાશે. જેની સામે તેણે ઉપલી કોર્ટમાં અરજી કરી હતી પણ કોર્ટે કેનેથની અપીલને ફગાવી દીધી છે.
કેનેથના વકીલે સજાની સામે હવે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવાનુ નક્કી કર્યુ છે. સ્મિથના વકીલોએ નીચલી કોર્ટના નિર્ણયને ક્રુર ગણાવ્યો છે. બીજી તરફ સરકારી વકીલનુ કહેવુ છે કે, નાઈટ્રોજન ગેસના કારણે ગણતરીની સેકંડોમાં જ આરોપીનુ મોત થઈ જશે.
હવે કેનેથ પાસે સુપ્રીમ કોર્ટનો વિકલ્પ છે. સુપ્રીમ કોર્ટ હસ્તક્ષેપ કરે તો તેની સજા ટળી શકે છે.