Get The App

મિડલ ઈસ્ટમાં વધુ એક મોરચે યુદ્ધ? ઈરાકમાં ઈરાનના સૈન્ય ઠેકાણે અમેરિકાના તાબડતોબ હવાઈ હુમલા

આ પહેલા અમેરિકી સૈનિકોને નિશાન બનાવતા હુમલા કરવામાં આવ્યા હતા

Updated: Dec 26th, 2023


Google NewsGoogle News
મિડલ ઈસ્ટમાં વધુ એક મોરચે યુદ્ધ? ઈરાકમાં ઈરાનના સૈન્ય ઠેકાણે અમેરિકાના તાબડતોબ હવાઈ હુમલા 1 - image

વોશિંગ્ટન, તા. 26 ડિસેમ્બર 2023, મંગળવાર

ગાઝા પટ્ટી પર ઈઝરાયેલના હુમલા વચ્ચે અમેરિકાએ પણ ક્રિસમસના અવસર પર એક નવો મોરચો ખોલ્યો છે. અમેરિકાએ ઈરાકમાં ઈરાનના સૈન્ય ઠેકાણાને હવાઈ હુમલા દ્વારા નિશાન પર લીધા છે. અમેરિકાએ ઈરાકમાં ત્રણ સ્થળો પર હવાઈ હુમલા કર્યા છે. આ સ્થળોનો ઉપયોગ ઈરાન સમર્થક ફોર્સ કરી રહી હતી. તેમાંથી એક ઠેકાણા પર હિઝબુલ્લાહના લડાકુ પણ એકઠા થયેલા હતા. આ પહેલા અમેરિકી સૈનિકોને નિશાન બનાવતા હુમલા કરવામાં હતા. આ હુમલામાં ત્રણ સૈનિકો ઘાયલ થયા હતા. તેનો જ બદલો લેતા અમેરિકાએ આ કાર્યવાહી કરી છે. આ હુમલા અંગે અમેરિકી રક્ષા મંત્રી લોયડ ઓસ્ટિને કહ્યુ કે, આ જરૂરી અને યોગ્ય કાર્યવાહી હતી. 

હુમલામાં ત્રણ અમેરિકન સૈનિકો ઘાયલ થયા હતા

ઓસ્ટિને X પર હુમલા વિશે માહિતી આપતા લખ્યું કે, જો બાઈડેનના આદેશ પર અમેરિકાએ ઈરાકમાં હિઝબુલ્લાહ અને તેની સાથે જોડાયેલા જૂથોના ત્રણ ઠેકાણા પર હુમલા કર્યા છે. ઈરાન સમર્થિત આતંકવાદી સંગઠનોએ તાજેતરમાં ઈરાક અને સીરિયામાં અમેરિકાના ઠેકાણા પર હુમલા કર્યા હતા. આ હુમલાઓ તેનો જ જવાબ છે. તે હુમલામાં ત્રણ અમેરિકન સૈનિકો ઘાયલ થયા હતા જેમાંથી એકની હાલત ગંભીર છે. ઓસ્ટિને કહ્યું કે મારી પ્રાર્થના બહાદુર અમેરિકન સૈનિકો સાથે છે જેઓ આજે ગંભીર રીતે ઘાયલ થયા છે.

અમે યુદ્ધ નથી ઈચ્છતા પરંતુ પોતાના બચાવમાં જરૂર આવીશું

તેમણે કહ્યું કે, અમેરિકન હિતોની રક્ષા માટે જો બાઈડેન સરકાર એક ઈંચ પણ પાછળ નહીં હટશે અને કોઈપણ કાર્યવાહી કરવાથી પણ પાછળ નહીં હટશે. નિવેદનમાં કહ્યું કે, હું એક વાત સ્પષ્ટ કરી દેવા માંગુ છું કે, અમેરિકન સૈનિકો અને દેશના હિત માટે રાષ્ટ્રપતિ જો બાઈડેન અને હું જરૂરી કાર્યવાહી કરવામાં અચકાઈશું નહીં. આનાથી વધુ અમારી કોઈ પ્રાથમિકતા નથી. અમે યુદ્ધ નથી ઈચ્છતા પરંતુ પોતાના બચાવમાં જરૂર આવીશું. કતૈબ હિઝબુલ્લાહ એક શિયા ઉગ્રવાદી સંગઠન છે. તેની સ્થાપના 2007માં થઈ હતી. માનવામાં આવે છે કે આની પાછળ ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સનો હાથ છે.


Google NewsGoogle News