અમેરિકા : બસની રાહ જોઈને ઉભેલા વિદ્યાર્થીઓ પર અંધાધૂધ ફાયરિંગ, આઠ ઈજાગ્રસ્ત
image : Twitter
વોશિંગ્ટન,તા.07 માર્ચ 2024,ગુરૂવાર
અમેરિકામાં વ્યાપક બનેલુ ગન કલ્ચર દેશના નાગરિકોને ભારે પડી રહ્યુ છે.
દેશમાં છાશવારે જાહેરમાં બનતી અંધાધૂધ ગોળીબારની ઘટનાઓમાં વધુ એક બનાવનો ઉમેરો થયો છે. ફિલાડેલ્ફિયા શહેરમાં બસની રાહ જોઈને બસ સ્ટોપ પર ઉભેલા ફિલાડેલ્ફિયા હાઈ સ્કૂલના વિદ્યાર્થીઓ પર ફાયરિંગ થયુ છે અને તેમાં આઠ વિદ્યાર્થીઓને ઈજા થઈ છે.
મળતી વિગતો પ્રમાણે વિદ્યાર્થીઓ બસની રાહ જોઈ રહ્યા હતા ત્યારે એક ગાડી નજીક આવીને ઉભી રહી હતી. તેમાંથી નીકળેલા અજાણ્યા વ્યક્તિઓએ અંધાધૂધ ફાયરિંગ કર્યુ હતુ. જેના પગલે ભાગદોડ મચી ગઈ હતી. માસ શૂટિંગની ઘટનામાં આઠ વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે અને તેમાં 16 વર્ષના કિશોરની હાલત ગંભીર છે.
ફિલાડેલ્ફિયા પોલીસના કહેવા પ્રમાણે બપોરે ત્રણ વાગ્યે આ ઘટના બની હતી. ઘાયલ વિદ્યાર્થીઓની ઉંમર 15 થી 17 વર્ષની વચ્ચે છે. કારમાંથી નીકળેલા ત્રણ લોકોએ માસ શૂટિંગની ઘટનાને અંજામ આપ્યો હતો. તેમણે 30 રાઉન્ડ ફાયરિંગ કર્યુ હતુ. આ દરમિયાન સાઉથ ઈસ્ટર્ન પેન્સિલવેનિયા ટ્રાન્સર્પોટેશન ઓથોરિટીની બે બસો પણ વચ્ચે આવી ગઈ હતી. જોકે તેમાં બેઠેલા મુસાફરો કે બસના ડ્રાઈવરોને કોઈ ઈજા થઈ નથી.