અમેરિકામાં નેવાદા યુનિવર્સિટીના કેમ્પસમાં ગોળીબાર, 3ના મોત, 1 ઘાયલ, હુમલાખોર પણ ઠાર મરાયો
આ હુમલો સ્થાનિક સમય અનુસાર લગભગ 11:45 વાગ્યે થયો હતો
પોલીસ કાર્યવાહીમાં હુમલાખોર પણ માર્યો ગયો હોવાનો દાવો
US Mass shooting News | અમેરિકન શહેર લાસ વેગાસ સ્થિત નેવાદા યુનિવર્સિટીના મુખ્ય કેમ્પસમાં બુધવારે થયેલા ગોળીબારમાં ત્રણ લોકોના મોત થયા છે અને એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થઈ હતી. પોલીસ કાર્યવાહીમાં હુમલાખોર પણ માર્યો ગયો હતો. લાસ વેગાસ મેટ્રો પોલીસે જણાવ્યું કે આ હુમલો સ્થાનિક સમય અનુસાર લગભગ 11:45 વાગ્યે થયો હતો. શૂટર વિશે ચેતવણી મળ્યા પછી વિદ્યાર્થીઓ અને પ્રોફેસરો પોતાનો જીવ બચાવવા માટે યુનિવર્સિટીમાં તેમના રૂમમાં બંધ થઈ ગયા.
હુમલાખોર ઠાર મરાયો
પોલીસે જણાવ્યું હતું કે સ્થાનિક સમય મુજબ બપોરે 12.30 વાગ્યે ગોળીબાર કરનાર શંકાસ્પદ વ્યક્તિ શોધી કાઢવામાં આવ્યો હતો અને તેનું મોત નીપજ્યું હતું. પરંતુ પોલીસે હુમલાખોર વિશે વધુ કોઈ માહિતી શેર કરી ન હતી અને કહ્યું હતું કે હુમલાના સંભવિત હેતુ વિશે કોઈ માહિતી નથી. તે પણ અસ્પષ્ટ છે કે શંકાસ્પદનું મૃત્યુ કેવી રીતે થયું અને પોલીસે પીડિતોની ઓળખ વિશે કોઈ માહિતી જાહેર કરી નથી.
હવે કોઈ ખતરો નથી
અધિકારીઓએ સ્પષ્ટ કર્યું કે હવે કોઈ ખતરો નથી અને પોલીસે ગોળીબારથી પ્રભાવિત લોકો માટે હોટલાઈનની વ્યવસ્થા કરી છે. યુનિવર્સિટી ઓફ નેવાદા એડમિનિસ્ટ્રેશન તરફથી X પર પોસ્ટમાં હુમલાની ધમકી અંગે પહેલાથી ચેતવણી આપવામાં આવી હતી કે બીમ હોલ બિઝનેસ સ્કૂલ બિલ્ડિંગની નજીક એક શૂટર હોવાના અહેવાલ મળ્યા છે. દોડો, સંતાઈ જાઓ અને લડો.