અમેરિકામાં ફરી ગોળીબાર, સ્કૂલમાં એક વિદ્યાર્થીએ સાથી વિદ્યાર્થિનીને ગોળી મારી પોતે આત્મહત્યા કરી
US Firing News | અમેરિકામાં ગોળીબારની ઘટનાઓ અટકવાનું નામ લઇ રહી નથી. આ વખતે અમેરિકાના નેશવિલેમાં સ્કૂલમાં ફાયરિંગનો મામલો સામે આવ્યો છે. પોલીસે આ મામલે જાણકારી આપતાં જણાવ્યું કે એક વિદ્યાર્થીએ ટેનેસીના નેશવિલેમાં એક હાઈસ્કૂલમાં ગોળીબાર કર્યો હતો જેમાં એક વિદ્યાર્થી મૃત્યુ પામ્યો જ્યારે અન્ય એક સાથી ઘવાયો હતો. જોકે હુમલાખોરે પછીથી પોતાની જાતને ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી.
સ્કૂલના કાફેટેરિયામાં ફાયરિંગ
નેશવિલે પોલીસે આ મામલે જાણકારી આપી કે 17 વર્ષના એક વિદ્યાર્થીએ એન્ટીઓક હાઈસ્કૂલના કાફેટેરિયાની અંદર પિસ્તોલ વડે આડેધડ ફાયરિંગ કર્યું હતું. આ હુમલામાં એક 16 વર્ષની સાથી વિદ્યાર્થિનીની ગોળી મારી હત્યા કરી નાખી હતી. આ દરમિયાન અન્ય એક વિદ્યાર્થીને પણ ગોળી વાગી હતી જેનાથી તે ઈજાગ્રસ્ત થઈ ગયો હતો. હુમલા બાદ હુમલાખોરે પોતાની જાતને ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી.
પોલીસે તપાસ હાથ ધરી
આ હુમલાની જાણકારી મળતાં જ પોલીસે ત્વરિત તપાસ શરૂ કરી હતી. જેમાં હુમલાખોર વિદ્યાર્થીની ઓળખ સોલોમન હેન્ડરસન તરીકે થઇ હતી. જોકે પીડિત વિદ્યાર્થિનીનું નામ જોસેલિન કોરિયા એક્સલાંતે તરીકે થઇ હતી. જોકે આ હુમલો કેમ કરવામાં આવ્યો તે હજુ તપાસનો વિષય છે. આ સ્કૂલમાં લગભગ 2000 થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.