આખરે એલક્સી નવલનીનો મૃતદેહ તેમની માતાને સોંપાયો, ગુપ્ત રીતે અંતિમ સંસ્કાર કરવાની ફરજ પડાઈ હોવાની અટકળો

Updated: Feb 25th, 2024


Google NewsGoogle News
આખરે એલક્સી નવલનીનો મૃતદેહ તેમની માતાને સોંપાયો, ગુપ્ત રીતે અંતિમ સંસ્કાર કરવાની ફરજ પડાઈ હોવાની અટકળો 1 - image


Image Source: Twitter

મોસ્કો, તા. 25 ફેબ્રુઆરી 2024

કેટલીય કાકલૂદીઓ બાદ આખરે રશિયન સરકારે રાષ્ટ્રપતિ પુતિનના કટ્ટર વિરોધ એલક્સી નવલનીનો મૃતદેહ તેમના માતાને સોંપ્યો છે.

તેમના મોતના લગભગ એક સપ્તાહ બાદ આખરે સત્તાધીશોએ મૃતદેહ સોંપવાની કાર્યવાહી પૂર્ણ કરી છે. એલક્સી નવલનીએ સ્થાપેલા એન્ટી કરપ્શન ફાઉન્ડેશનના ડાયરેકટર ઈવાન ઝદાનોવે સોશિયલ મીડિયા પર આ વાતની જાહેરાત કરી હતી અને સાથે સાથે એલક્સી નવલનીની માતાને સમર્થન આપનારા લોકોનો આભાર માન્યો હતો.

રશિયાની જેલમાં બંધ એલક્સી નવલનીનુ 16 ફેબ્રુઆરીએ મોત થયુ હતુ. જોકે મૃતદેહ સોંપ્યા બાદ એલક્સી નવલનીના અંતિમ સંસ્કારની જાણકારી ગુપ્ત રાખવામાં આવી છે. આ બાબતે ભાગ્યે જ કોઈ વ્યક્તિ માહિતગાર છે અને તેના કારણે એવી અટકળ થઈ રહી છે કે, મૃતદેહ સોંપવાના બદલામાં એલક્સી નવલનીનો પરિવાર જાહેર અંતિમ સંસ્કાર નહીં કરે તેવી રશિયન સરકારની શરત ના છુટકે એલક્સી નવલનીના પરિવારે માની લીધી છે.

ઉલ્લેખનીય છે કે, રશિયન સત્તાધીશોએ એલક્સી નવલનીની માતા સમક્ષ ગુપ્ત રીતે અંતિમ સંસ્કાર કરવાની શરત મુકી હતી. છેલ્લા પાંચ દિવસથી એલેક્સીના માતા મૃતદેહ મેળવવા માટે તેમનુ મોત જે જેલમાં થયુ હતુ તેના ધક્કા ખાઈ રહ્યા હતા.

જોકે એલક્સી નવલનીની પત્ની યૂલિયા પોતાના પતિના મોત માટે સતત રાષ્ટ્રપતિ પુતિનને જવાબદાર ગણાવી રહી છે. યુલિયાએ કહ્યુ છે કે, પુતિને મારા બાળકોના પિતાને મારી નાંખ્યા છે. પુતિને એલક્સી નવલનીને મારીને દેશના લોકોની આશા, આઝાદીની અપેક્ષા અને લોકોના ભવિષ્યને પણ ખતમ કરવાનો પ્રયાસ કર્યો છે પણ લોકો સાથે મળીને પુતિન સામેનો સંઘર્ષ ચાલુ રાખવામાં આવશે.



Google NewsGoogle News