લિસ્ટ બહુ લાંબુ છે, પુતિનની ટીકા કરનારા બીજા નેતાઓના પણ મોત થઈ ચુકયા છે
image : Socialmedia
મોસ્કો,તા.17 ફેબ્રુઆરી 2024,શનિવાર
રશિયન રાષ્ટ્રપતિ પુતિનના પ્રખર ટીકાકાર અને વિરોધી નેતા એલેક્સી નવેલનીના મોતની ખબર સામે આવ્યા બાદ દુનિયાભરમાં ખળભળાટ વ્યાપી ગયો છે.
નવેલનીના મોત બાદ પુતિનની કાર્યશૈલી સામે ફરી સવાલો ઉઠી રહ્યા છે. કારણકે પુતિનની સામે અવાજ ઉઠાવનારાઓના મોતનુ લિસ્ટ ઘણુ લાંબુ છે.
નવેલનીના મોત પહેલા રશિયામાં પ્રાઈવેટ આર્મી ધરાવતા યેવગેની પ્રિગોઝિનનુ એક રહસ્યમય પ્લેન ક્રેશમાં મોત થયુ હતુ. એક સમયે પુતિનના ખાસ ગણાતા પ્રિગોઝિને પુતિન સામે બળવો કરવાની કોશિશ કરી હતી અને તેના ગણતરીના દિવસોમાં તેને દુનિયા છોડવી પડી હતી.
પુતિનના અન્ય એક ટીકાકાર પાવેલ એન્તોવનુ ભારતના ઓરિસ્સા રાજ્યની હોટલમાં શંકાસ્પદ રીતે મોત થયુ હતુ. તેઓ હોટલના ત્રીજા માળેથી પડી ગયા હતા. તેમના મોતના બે દિવસ પહેલા એન્તોવની પાર્ટીના જ એક સભ્ય વ્લાદિમીર બુડાનોવનુ પણ શંકાસ્પદ સંજોગોમાં આ જ હોટલમાં મોત થયુ હતુ. જોકે પોલીસને તપાસમાં કશું શંકાસ્પદ મળ્યુ નહોતુ તેવો દાવો થયો હતો.
યુક્રેન પર રશિયાના આક્રમણની ટીકા કરનારા ઓઈલ કંપની લુકોઈલના ચેરમેન રાવિલ મેગનોવની મોત 2022માં હોસ્પિટલની બારીમાંથી નીચે પડી જવાના કારણે થઈ હતી. તેમણે આત્મહત્યા કરી હોવાનુ કહેવામાં આવ્યુ હતુ. જોકે આજે પણ મેગનોવની મોત પર સવાલો ઉભા છે.
રશિયાના મોટા બિઝનેસમેન ડેન રેપોપોર્ટે પુતિન સાથે મતભેદો બાદ રશિયા છોડી દીધુ હતુ. સોશિયલ મીડિયા પર તેઓ યુક્રેનના સમર્થનમાં વારંવાર પોસ્ટ કરતા હતા. 2022ના ઓગસ્ટ મહિનામાં વોશિંગ્ટનના એક ફ્લેટમાં તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે આ હત્યાનો મામલો હોવાનો ઈનકાર કર્યો હતો.
રશિયાના સંસદ સભ્ય રહી ચુકેલા ડેનિસ નિકોલાઈચ વોરાન્કોવ 2016માં સંસદની ચૂંટણી હારી ગયા હતા અને તેઓ રશિયા છોડીને યુક્રેન જતા રહ્યા હતા. ડેનિસ યુક્રેનમાં બેસીને પુતિન અને તેમની વિદેશ નીતિની ઝાટકણી કાઢતા હતા. 2017ના માર્ચ મહિનામાં તેઓ એક હોટલમાંથી બહાર આવી રહ્યા હતા ત્યારે એક હુમલાખોરે તેમની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. ડેનિસના બોડીગાર્ડે કરેલા વળતા ફાયરિંગમાં હુમલાખોરનુ પણ મોત થયુ હતુ.
2015માં પુતિનના વિરોધી બોરિસ નેમત્સોવની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. બોરિસ 90ના દાયકામાં રશિયાના ડેપ્યુટી પ્રાઈમ મિનિસ્ટર હતા અને તેમને રશિયાના રાષ્ટ્રપતિ પદના પ્રબળ દાવેદાર ગણવામાં આવતા હતા. જોકે પુતિન 2000માં રાષ્ટ્રપતિ બન્યા બાદ બોરિસ નેમત્સોવ હાંસિયામાં ધકેલાતા ગયા હતા. બોરિસે બાદમાં પુતિન સામે વિરોધ પ્રદર્શનો યોજવાના શરુ કર્યા હતા. 2014માં રશિયાએ ક્રિમિયા પર કરેલા હુમલાની તેમણે નિંદા કરી હતી.
જેના એક જ વર્ષમાં તેમની હત્યા કરાઈ હતી. આ મામલામાં પકડવામાં આવેલા પાંચ હુમલાખોરો જેલમાં છે પણ તેમને બોરિસની હત્યા કરવાનો આદેશ કોણે આપ્યો તે બાબતનો ખુલાસો આજદીન સુધી થયો નથી.