પુતિનના કટ્ટરવિરોધી એલેક્સી નવેલની જેલમાં મૃત્યુ પામ્યા, 2020માં પણ થયો હતો નર્વ એટેક
લોકોએ આ ઘટનાને રાજકીય હત્યા ગણાવવાનું શરૂ કર્યું
image : Twitter |
Who Was Alexei Navalny : રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના કટ્ટર વિરોધી એલેક્સી નવેલનીનું જેલમાં નિધન થઇ જતાં ખળભળાટ મચી ગયો છે. તેમના મૃત્યુને રાજકીય હત્યા ગણવામાં આવી રહી છે, કારણ કે રશિયામાં આવતા મહિને રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવા જઈ રહી છે. જોકે આ તપાસનો વિષય છે.
થોડા દિવસ પહેલાં જ જેલ બદલી કરાઈ હતી
થોડા દિવસો પહેલા એલેક્સી નવેલનીને યામાલો-નેનેટ્સ પ્રદેશની જેલમાં ખસેડવામાં આવ્યો હતો. આ પહેલા પણ તેમની હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ચાલો જાણીએ કોણ હતા એલેક્સી નવેલની જેમણે પુતિન સરકાર વિરુદ્ધ મોટો ખુલાસો કર્યો હતો.
કોણ હતા નવેલની?
એલેક્સી નવેલનીનો જન્મ વર્ષ 1976 માં થયો હતો. તેમણે કાયદાનો અભ્યાસ કર્યો. તેઓ જાણીતા વકીલ પણ હતા. તેમની લોકપ્રિયતા એક બ્લોગને કારણે વધી હતી જેમાં તેમણે સરકારી વિભાગોમાં થતા કૌભાંડોનો પર્દાફાશ કર્યો હતો. જેના કારણે અનેક મંત્રીઓ અને નેતાઓની સાથે અનેક અધિકારીઓએ પણ પોતાના પદ છોડવા પડ્યા હતા.
નવેલનીને 2011માં પહેલીવાર જેલની સજા થઈ
ત્યારપછી એલેક્સી નેવલનીએ સોશિયલ મીડિયાની મદદથી સરકાર વિરુદ્ધ અવાજ ઉઠાવવાનું ચાલુ રાખ્યું. 2011માં પ્રથમ વખત તેમની ધરપકડ કરવામાં આવી હતી. તેમના પર સરકાર વિરુદ્ધ બ્લોગ લખવાનો અને સંસદની બહાર વિરોધ પ્રદર્શન કરવાનો આરોપ હતો. આ દરમિયાન તેને 15 દિવસ જેલમાં રહેવું પડ્યું હતું. આ પછી પણ તેમણે સરકાર વિરુદ્ધ પોતાનું અભિયાન ચાલુ રાખ્યું હતું.
નવેલની પુતિન સરકાર વિરુદ્ધ અભિયાન ચલાવી રહ્યા હતા
એક વર્ષ પછી, 2012 માં, રશિયામાં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાઈ અને વ્લાદિમીર પુતિન રાષ્ટ્રપતિ બન્યા. એલેક્સી નવેલનીએ પુતિન સરકાર વિરુદ્ધ માહોલ બનાવવાનું ચાલુ રાખ્યું. આ કારણે સરકારે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. એલેક્સી નેવલનીએ 2013માં પ્રથમ વખત મેયરની ચૂંટણી લડી હતી, પરંતુ તેઓ હારી ગયા હતા.
નવેલની પર વિમાનમાં થયો હતો નર્વ એટેક
નવેલની વર્ષ 2020માં વિમાન દ્વારા ક્યાંક જઈ રહ્યા હતા દરમિયાન તેમના પર નર્વ એટેક કરાયો હતો જેને એક રીતે ઝેર આપવું પણ કહેવાય છે. ઘણા દેશોએ આ ઘટના પર ગુસ્સો વ્યક્ત કર્યો હતો અને આરોપ લગાવ્યો હતો કે રશિયાની સરકારે નવેલનીની હત્યાનો પ્રયાસ કર્યો હતો. જો કે, જર્મનીમાં સારવારથી તેમનો જીવ બચી ગયો. જ્યારે તે જર્મનીથી રશિયા પાછો ફર્યો ત્યારે તેમની ધરપકડ કરવામાં આવી હતી.