આફ્રિકાનાં બુર્કીના ફાસોનાં બાર્સાલોધો શહેરમાં અલ-કાયદાના શખ્સોનો હુમલો : 600ની એક સાથે હત્યા
- થોડાએક કલાકોમાં ભયંકર નરસંહાર
- સાઉથ વેસ્ટ સહરન સ્ટેટમાં મૃતકોને દફનાવવાની કબ્રસ્તાનમાં જગ્યા નથી : મૃતકોમાં મોટાભાગનાં મહિલાઓ અને બાળકો છે
નવી દિલ્હી : પશ્ચિમ આફ્રિકાનાં સાઉથ સહરન સ્ટેટ બુર્કીના ફાસોમાં શુક્રવારે બનેલી ભયંકર ઘટનામાં અલ કાયદાના અનુયાયી કહેવાતા શખ્સોએ અંધાધૂંધ ગોળીબાર કરી માત્ર થોડા જ કલાકોમાં ૬૦૦થી વધુને મારી નાખ્યા છે. પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે ત્યાં મૃતકોને દફન કરવા માટે કબ્રસ્તાનમાં જગ્યા નથી.
જે લોકોની હત્યા કરવામાં આવી છે તે પૈકી મોટાભાગના તો સેનાાના હુક્મ પ્રમાણે ગામ ફરતી ખાઈ ખોદવામાં વ્યસ્ત હતા. આ ખાઈ ખોદવાનું કારણ તે આતંકી જૂથના સભ્યો ઓચિંતા તે નાનાં શહેરમાં ધપી ન આવી શકે.
આ હુમલામાં જેઓનાં મોત થયાં છે તે પૈકી મોટાભાગનાં તો મહિલાઓ અને બાળકો હતાં. વાસ્તવમાં આ નરસંહાર દેશમાં હજી સુધીમાં થયેલો સૌથી મોટો નરસંહાર છે. એવું પણ જાણવા મળ્યું છે કે, બે આતંકવાદી ઇસ્લામિક જૂથો, અલ કાયદા અને ઇસ્લામિક સ્ટેટ (આઈ.એસ.ખિલાફત)નાં આતંકી જૂથો વચ્ચે હવે, તે વિસ્તારમાં (સાઉથ સહરન રીજીઅનમાં) પ્રભુત્વ સ્થાપવાની સ્પર્ધા ચાલે છે અને જૂથો વચ્ચે વારંવાર યુદ્ધો ફાટી નીકળે છે. તેમાં નિર્દોષ ગ્રામજનો, અને નાગરિકો ભોગ બને છે.
વાસ્તવમાં બુર્કીના ફાસોની ઉત્તરે આવેલાં સહરન સ્ટેટ માલીમાં અલકાયદાની જ શાખા મનાતાં જમાન નુસરત અલ ઇસ્લામ વાલ મુસ્લિમીનુ (જેએનઆઈએમ)ના સભ્યોએ બાર્સાલોધો શહેરના બહારના વિસ્તારોમાં ગ્રામજનોને ગોળી મારી દીધી હતી.
સંયુક્ત રાષ્ટ્રોએ જણાવ્યા પ્રમાણે ત્યાં આશરે ૨૦૦ની હત્યા જ્યારે જેએનઆઈએમ કહે છે કે તેણે ૩૦૦ની હત્યા કરી છે. પરંતુ સંયુક્ત રાષ્ટ્રો વતી ત્યાં વિવિધ સહાય પ્રવૃત્તિમાં જોડાયેલાઓએ જણાવ્યું હતું કે આ હુમલામાં ૬૦૦થી વધુની ગોળીમારી હત્યા કરવામાં આવી હતી.
આ હત્યાકાંડમાંથી બચી ગયેલી એક વ્યક્તિએ કહ્યું હતું કે સેનાએ આપેલા આદેશ પ્રમાણે તે તેના સાથીઓ સાથે શહેર ફરતી ખાઈ ખોદી રહ્યો હતો. ત્યાં સવારે આશરે ૧૧ વાગે અચાનક ગોળીબારીના અવાજો આવવા લાગ્યા. હું બચવા માટે ખાઈમાં જ છુપાઈ ગયો તો મેં પેલા આતંકીઓને તે તરફ આવતા જોયા તેથી પેટે ચાલીને ખાઈની બીજી તરફ સરક્યો પછી બહાર નીકળતાં જોયું કે ચારે તરફ લોહી નીતરતા લોકો પડયા હતા. તેમાં કેટલાયેના મૃત્યુ થયા હતા. બચી ગયેલા પણ લોહીથી લથપથ હતા. હું પેટે ઢસડાઇને એક ઝાડી પાછળ ચાલ્યો ગયો અને ત્યાં બપોર સુધી છુપાઈ રહ્યો.
બચી ગયેલા બીજા એકે કહ્યું કે જેએનઆઈએમના આતંકીઓએ આખા દિવસ દરમિયાન હત્યાકાંડ ચલાવે રાખ્યો હતો. પહેલા જ હુમલામાં થોડા કલાકોમાં જ તેમણે અનેકને મોતને ઘાટ ઉતારી દીધા હતા. કારણ કે તેઓ તેમના વિરોધી જૂથના ટેકેદારો છે તેમ તે આતંકીઓ માનતા હતા. તે આતંકીઓ હત્યાકાંડ મચાવી ચાલ્યા ગયા પછી ત્રણ દિવસ સુધી તો, અમે શબ એકઠા કરતા રહ્યા. ૬૦૦થી વધુ મૃતકોને દફનાવવા માટે કબ્રસ્તાનમાં પણ જગ્યા ન હોવાથી કબ્રસ્તાનની બહાર અનેકને દફનાવવા પડયા છે.