અલ અક્શા મસ્જિદ તે મસ્જિદ જ નથી તે સાયનેગોગ છે : ઇઝરાયેલના મંત્રી

Updated: May 23rd, 2024


Google NewsGoogle News
અલ અક્શા મસ્જિદ તે મસ્જિદ જ નથી તે સાયનેગોગ છે : ઇઝરાયેલના મંત્રી 1 - image


- યુરોપના કેટલાયે દેશોએ પેલેસ્ટાઇનને માન્યતા આપતાં ધૂંધવાયેલાં ઇઝરાયલે કહ્યું : પેલેસ્ટાઇન અંગે એક પણ વિધાન સ્વીકારવા અમે તૈયાર નથી

તેલ અવિવ : ઇઝરાયલના કટ્ટર જમણેરી કેબિનેટ મંત્રી ઇતામારબેન ગ્વિરે બુધવારે જેરૂસલેમની અલઆશ્કા મસ્જિદ પરિસરની મુલાકાત લીધી હતી, અને ઘોષણા કરી હતી કે આ વિવાદિત પવિત્ર સ્થળ માત્ર ઇઝરાયલનું જ છે તે મસ્જિદ નથી. સાયનેગોગ (યહુદીઓનું મંદિર) જ છે. બેન ગ્વિવરનાં આ વિધાનોએ વિરોધનો વંટોળ ઉભો કરી દીધો છે. આ સાથે તેઓએ કહ્યું કે ત્રણ યુરોપીય દેશોએ પેલેસ્ટાઇનને સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે એક તરફી માન્યતા આપી છે, પરંતુ અમે તે વિધાનો સ્વીકારવા તૈયાર જ નથી.

ઉલ્લેખનીય છે કે એક પર્વતની ઉપર રહેલું આ અલ આશ્કા સ્થાપત્ય યહુદીઓ અને મુસ્લીમો તેમ બંને માટે આરાધના સ્થાન છે. તેની ઉપર કબ્જા માટે અનેક હિંસાઓ થઇ ચૂકી છે.

ઇઝરાયલ યહૂદીઓને તે પરિસરમાં જવાની અનુમતિ આપે છે, પરંતુ મુસ્લીમોને નમાઝ પઢવા દેવાની અનુમતિ નથી આપતું.

આ સ્થાપત્યની રચના તેવી છે કે કોન્સ્ટટીનોયલનાં સેંટ સોફિયાનાં દેવળમાં જેમ બે ભાગ રાખી દેવળનો એક તૃતીયાંશ જેટલા ભાગમાં મુસ્લીમોને તે મસ્જિદ તરીકે આપી નમાઝ પઢવાની છૂટ અપાય છે. તેવી છૂટ અહીં આપી ન શકાય તે પ્રકારનું તે સ્થાપત્યનું બાંધકામ છે. ટૂંકમાં ઇઝરાયલે તેની ઉપર સંપૂર્ણ કબ્જો જમાવી દીધો છે.

ઇઝરાયેલે ગાઝા પટ્ટી અને તેનાં મહત્ત્વનાં શહેરો ગાઝા અને રફાહમાં કરેલા પ્રચંડ હુમલા પછી રફાહમાં તો ખાદ્યાન્ન અને પીવાનાં પાણીનાં પણ ફાંફાં પડી ગયા છે. આથી નોર્વે, સ્પેન, આયર્લેન્ડ, સ્લોમાનિયા અને માલ્ટાએ ઇઝરાયલ ઉપર ગુસ્સો ઠાલવતાં પેલેસ્ટાઇનને એક સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે માન્યતા આપી દીધી છે.

યુએનના ચાર્ટર પ્રમાણે એક રાષ્ટ્ર બીજાં રાષ્ટ્ર ઉપર કબ્જો જમાવી શકે નહીં. હવે જો પેલેસ્ટાઇની પ્રદેશને સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે સ્વીકારાય તો યુએનના ચાર્ટર પ્રમાણે ઇઝરાયલે પેલેસ્ટાઇની વિસ્તારો ઉપર જમાવેલો કબ્જો છોડી જ દેવો પડે. જે ઇઝરાયલની કટ્ટરપંથી સરકાર સ્વીકારે તેમ નથી. તેથી ઇઝરાયલ તે યુરોપીય દેશો ઉપર ગિન્નાયું છે અને તેના રાજદૂતોને પાછા બોલાવી લીધા છે.


Google NewsGoogle News