અજબ-ગજબ: માત્ર સાબુ વડે 30 ફૂટ દૂર ખસેડી દીધી 220 ટન વજનની બિલ્ડિંગ, VIDEO થયો વાયરલ
Image:Facebook
નવી મુંબઇ,તા.12 ડિસેમ્બર મંગળવાર 2023
આજની આધુનિક દુનિયા ખૂબ જ આગળ વધી ગઈ છે. દેશ-વિદેશમાં અદ્યતન ટેક્નોલોજીની સાથે દિમાગથી અનેક કારનામાઓ થઈ રહ્યાં છે. હાલમાં જ કેનેડાના નોવા સ્કોટીયામાં આવા જ પ્રકારની એક અજબ-ગજબ ઘટના સામે આવી છે. આ કારનામાની ચર્ચા સોશિયલ મીડિયા દ્વારા આખી દુનિયામાં થઈ રહી છે. અહીં 220 ટન વજનની ઇમારતને સાબુના ગોટી એટલેકે સોપ બારની મદદથી એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડવામાં આવી છે. હા, તમે બરાબર વાંચ્યું છે. અમે હાથ ધસવા-નાહવા માટે વપરાતા સાબુ વિશે જ લખ્યું છે. બિલ્ડિંગના શિફ્ટિંગનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેને જોઈને લોકો ચોંકી ગયા છે.
હેલિફેક્સ સ્થિત આ બિલ્ડિંગ વર્ષ 1826માં ઘર તરીકે બનાવવામાં આવી હતી, જે બાદમાં વિક્ટોરિયન એલ્મવુડ હોટેલમાં પરિવર્તિત થઈ હતી. આ ઈમારતને તોડી પાડવાની તૈયારીઓ ચાલી રહી હતી, પરંતુ રિયલ એસ્ટેટ કંપની ગેલેક્સી પ્રોપર્ટીઝે તેને નવી જગ્યાએ ખસેડવાની યોજના સાથે હોટેલ ખરીદીને તેને તોડી પડતી બચાવી લીધી હતી. જોકે, કન્સ્ટ્રક્શન ફર્મે આ આખી ઇમારત જે રીતે ખસેડી છે તે ખરેખર આશ્ચર્યજનક છે.
સાબુના 700 બારનો ઉપયોગ :
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એસ. રશ્ટન કન્સ્ટ્રક્શન ફર્મની ટીમે સાબુના લગભગ 700 ગોટીની મદદથી હોટલને નવી જગ્યાએ શિફ્ટ કરી છે. કંપનીના માલિક શેલ્ડન રશ્ટને જણાવ્યું હતું કે તેમણે રોલર્સનો ઉપયોગ કરવાને બદલે બિલ્ડિંગને સ્ટીલ ફ્રેમ પર નીચે લાવવા આઈવરી સાબુનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું કારણ કે તે ખૂબ નરમ-પોચા હોય છે.
મકાન 30 ફૂટ દૂર ખસેડવામાં આવ્યું
કન્સ્ટ્રક્શન કંપનીએ ફેસબુક પર બિલ્ડિંગ શિફ્ટિંગનો ટાઈમલેપ્સ વીડિયો શેર કર્યો છે, જેમાં હોટલને સાબુની મદદથી 30 ફૂટ દૂર ખસેડવામાં આવી રહી છે. શેલ્ડને જણાવ્યું હતું કે નવું ફાઉન્ડેશન તૈયાર થઈ ગયા પછી તેમની યોજનાઓમાં અન્ય એક સ્થાનાંતરણનો સમાવેશ થાય છે, જેનો ઉપયોગ નજીકના ભવિષ્યમાં આ ઐતિહાસિક ઈમારતને સાચવવા અને પુનઃસ્થાપિત કરવા માટે કરવામાં આવશે.
જુઓ બિલ્ડિંગ શિફ્ટિંગનો વાયરલ વીડિયો :