Get The App

ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે વધતો તણાવ: એર ઈન્ડિયાની તેલ અવીવની તમામ ફ્લાઈટ્સ અનિશ્ચિત સમય માટે સ્થગિત

Updated: Aug 9th, 2024


Google NewsGoogle News
Air India


Iran Israel Tension Rise: પેલેસ્ટાઈન અને હમાસ સાથેના યુદ્ધમાં ઈરાનના ઘરમાં ઘુસીને વિરોધીને ઠાર મારવા બદલ ઈઝરાયેલ સામે ચારેય મોરચે વિરોધનો વંટોળ ઉભો થયો છે. ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે વધી રહેલા તણાવને કારણે સમગ્ર વિશ્વની નજર હવે મધ્ય પૂર્વ પર છે. આ દરમિયાન એર ઈન્ડિયાએ શુક્રવારે ભારત અને ઈઝરાયેલ વચ્ચેની ફ્લાઈટ્સ અનિશ્ચિતકાળ સુધી રદ કરવાની જાહેરાત કરતા સ્થિતિ વધુ તંગ બનવાના ભણકારા વાગી રહ્યાં છે. 

એર ઈન્ડિયાએ એક ટ્વિટમાં જણાવ્યું કે, એરલાઈન કંપનીએ આગામી સૂચના સુધી તેલ અવીવથી અને તેલ અવીવની તમામ ફ્લાઈટ્સ સ્થગિત કરી દીધી છે. ટાટા ગ્રૂપની માલિકીની કંપનીએ અગાઉ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીથી તેલ અવીવ સુધીની તેની સેવાઓ 8 ઓગસ્ટ સુધી સ્થગિત કરી દીધી હતી. આ સાથે એરલાઈને ટિકિટ બુક કરેલા મુસાફરોને તમામ રકમ પરત કરવાની પણ તૈયારી આદરી છે.

હેલ્પલાઈન નંબર જાહેર કર્યો :

એર ઈન્ડિયાએ ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે વધતા તણાવને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે. એર ઈન્ડિયાએ તેની એક્સ-પોસ્ટમાં લખ્યું કે, 'મધ્ય પૂર્વના કેટલાક ભાગોમાં વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, અમારી તેલ અવીવ આવતી અને જતી ફ્લાઈટ્સનું સંચાલન આગામી સૂચના સુધી તાત્કાલિક અસરથી સ્થગિત કરવામાં આવ્યું છે. અમે સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ અને તેલ અવીવની ટિકિટ બુક કરાવનારા મુસાફરોને સંપૂર્ણ રિફંડ ઓફર કરી રહ્યા છીએ. અમારા મહેમાનો(મુસાફરો) અને ક્રૂની સુરક્ષા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. વધુ માહિતી માટે કૃપા કરીને અમારા 24/7 સંપર્ક કેન્દ્ર 011-69329333 / 011-69329999 પર કોલ કરો.

ઈરાને અમેરિકા પર આરોપ લગાવ્યો 

નોંધનીય છે કે તેહરાનમાં હમાસના ટોચના નેતા ઈસ્માઈલ હનીયેહની હત્યા બાદ ઈરાને ઈઝરાયેલ સામે જવાબી કાર્યવાહી કરવાની ધમકી આપ્યા બાદ અમેરિકાએ પણ સમુદ્રમાં પોતાની સેનાની તૈનાતી વધારી દીધી છે. ઈરાને અમેરિકા પર ઈઝરાયેલને સમર્થન આપવાનો આરોપ લગાવ્યો છે. ગયા અઠવાડિયે, ટાટાની માલિકીની એરલાઇન્સે જાહેરાત કરી હતી કે, તે તેલ અવીવથી 8 ઓગસ્ટ સુધી તાત્કાલિક અસરથી ફ્લાઇટ કામગીરી સ્થગિત કરી રહી છે. સસ્પેન્શન હવે અનિશ્ચિત સમય માટે લંબાવવામાં આવ્યું છે. આ વર્ષની શરૂઆતમાં પણ એર ઈન્ડિયાએ મધ્ય પૂર્વના તણાવને કારણે અલગ-અલગ સમયે તેલ અવીવની ફ્લાઈટ્સ સ્થગિત કરી દીધી હતી.


Google NewsGoogle News