એઆઈ બે વર્ષમાં માણસ જેટલી જ ચબરાક હશે
- માણસે બનાવેલું મશીન માણસની ચાલાકી, બુદ્ધિ કરતાં આગળ નીકળી રહ્યું છે
- ટેસ્લા, સ્પેસએક્સ જેવી કંપનીના સ્થાપક ઈલોન મસ્કની ભવિષ્યવાણી કે એક કે વર્ષમાં માનવ જેટલી જ બુદ્ધિમત્તા એઆઈ પાસે હશે
- વીજળી અને પ્રોસેસરની ઉપલબ્ધી થાય તો એઆઈ 2029 સુધીમાં માનવ કરતા પણ આગળ નીકળી જશે
ઓસ્ટિન, ટેક્સાસ : આગામી બે વર્ષમાં આર્ટીફિસિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) આગામી વર્ષે કે પછી ૨૦૨૬ સુધીમાં ચાલક કે બુદ્ધિશાળી માનવ જેટલું કે તેના કરતા વધારે ચાલક બની જાય એવી આગાહી વિશ્વના ચોથા સૌથી વધુ ધનવાન અને ટેસ્લા સ્પેસએક્સ જેવી કંપનીના સ્થાપક ઈલોન મસ્કે સોશિયલ મીડિયા વેબસાઈટ એક્સ ઉપર આપેલી એક મુલાકાતમાં કરી હતી. અહી ઉલ્લેખનીય છે કે એઆઈમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતી સિસ્ટમ ઓપનએઆઈમાં રોકાણ કરવામાં મસ્ક સૌથી અગ્રેસર હતા. અત્યારે તે પોતાની એઆઈ સિસ્ટમ ગ્રોક ઉભી કરી રહ્યા છે.
એઆઈનું નવું સ્વરૂપ જેણે આર્ટીફિસિયલ જનરલ ઈન્ટેલિજન્સ કે એજીઆઈ તરીકે ઓળખવામાં આવે છે તેના માટે ત્યારે વીજળીની ઉપલબ્ધી સૌથી મોટી સમસ્યા છે. 'ચાલક મનુષ્ય કરતા પણ ચાલક હોય એવી એજીઆઈ અગામી વર્ષે કે પછી બે વર્ષમાં ઉપલબ્ધ થઇ જશે,' એવું એજીઆઈની સમયરેખા અંગે આગાહી કરતા ઈલોન મસ્કે જણાવ્યું હતું.
ઓપનએઆઈની સ્થાપના માનવજાતને ફાયદો કરાવવા અને નફો નહી કરવા માટે થઇ હતી પણ હવે તે એવી પ્રવૃત્તિઓ કરી રહ્યું હોવાના આક્ષેપ સાથે મસ્કે તેની સાથે છેડો ફાડી પોતાનું એઆઈ એન્જિન ઉભી કરવાની જાહેરાત કરી હતી. ગોર્ક મસ્કે ઉભી કરેલી નવી વ્યવસ્થા કે જેનું નામ એક્સએઆઈ છે તેના હેઠળ તૈયાર કરવામાં આવી રહી છે.
એઆઈ માટે ચીપ અને પ્રોસેસિંગ બનાવતી કંપની એનવિડીયા પાસેથી મસ્કની ગ્રોક૨ માટે ૨૦,૦૦૦ જેટલા જીપીયુ ખરીદવામાં આવ્યા છે જયારે ગ્રોક ૩ એન્જિન માટે આવા એક લાખ જેટલા જીપીયુની જરૂર પડશે એવી મસ્કે જણાવ્યું હતું. જોકે, તેમણે જણાવ્યું હતું કે એઆઈ બનાવવા માટે ચીપ અને પ્રોસેસરની અછત ઉપરાંત વીજળીનો પુરવઠો પણ મહત્વનો છે.
અગાઉ, માર્ચ મહિનામાં અમેરિકન જો રોગનના એક પોડકાસ્ટની વિડીયો કલીપ શેર કરતા ઈલોન મસ્કે દાવો કર્યો હતો કે ૨૦૨૯ સુધીમાં એઆઈ વિશ્વના દરેક માનવી કરતા વધારે સ્માર્ટ કે ચાલક અને બુદ્ધિશાળી બની જશે. આ વિડીયોમાં રોગન સાથે વાતચીતમાં ટેકનોલોજીની ભવિષ્યવાણી અંગે બોલતા અમેરિકન ટેકનોલોજી એક્સપર્ટ રેમન્ડ કર્ઝવિલે પણ આવી જ આગાહી કરી હતી જેને મસ્કે અનુમોદન આપ્યું હતું.
વર્તમાન એઆઈ એક માનવી કરતા પણ વધારે સ્માર્ટ : જયોફ્રી હિન્ટન
ગુગલના પૂર્વ વરિ અધિકારી અને વિશ્વમાં એઆઈના ભીષ્મ પિતામહ ગણતા જયોફ્રી હિન્ટને અગાઉ જણાવ્યું હતું કે એઆઈ અત્યારથી માણસ કરતા વધારે ઝડપથી સ્માર્ટ બની રહી છે. 'એવી વાત હતી કે મશીનને શીખતા વાર લાગે પણ હકીકતે તે વધારે ઝડપથી જ્ઞાાન મેળવી રહી છે. આજે મશીન પાસે એટલી માહિતી અને જ્ઞાાન છે જે એક સામાન્ય માણસને ખબર પણ નથી હોતી,' એવું હિન્ટન જણાવે છે. એઆઈથી માનવજાત માટે ખતરો ઉભો થઇ રહ્યો છે એવી વિચારધારા સાથે જયોફ્રી હિન્ટને મે ૨૦૨૩માં ગુગલની નોકરી છોડી હતી. હિન્ટન જણાવે છે કે આપણા મગજમાં ૮૬ અબજ જેટલા ન્યુરોન છે અને તે ૧૦૦ લાખ કરોડ કનેક્શનથી એકબીજા સાથે જોડાયેલા છે. ચેટજીપીટી જેવા એઆઈ એન્જિનમાં ત્યારે ૫૦૦ અબજ થી એક લાખ કરોડ જોડાણ છે પરંતુ તે ટેકનોલોજીથી એકબીજા સાથે જોડાયેલા હોવાથી તે માહિતીનો સંગ્રહ અને તેનો ઉપયોગ વધારે સારી રીતે કરી શકે છે.
કેટલાક કાર્યોમાં એઆઈ માનવ જેટલું જ સજ્જ : MIT
અમેરિકામાં એઆઈના માનવ કરતા વધારે ચબરાક બનવા અંગે એક સંશોધન પત્ર રજૂ થયું હતું. આ પેપરમાં મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજીના સેન્ટર ફોર બ્રેન, માઈન્ડ અને મશીનના સંશોધક ઈલીઝા કોસોયના મતે કેટલાક કાર્યોમાં માનવ કરતા મશીન અત્યારથી જ આગળ નીકળી રહ્યા છે. કોસોય જણાવે છે કે ચેસ, વિડીયો ગેમ્સ, વિમાન ઉડાડવા, સર્જરી કરવી જેવી બાબતોમાં મશીન માણસો જેટલા જ સ્માર્ટ બની રહ્યા છે અને શક્ય છે કે એઆઈની સ્માર્ટનેસ ભવિષ્યમાં નહી પણ અત્યારે જ આપણી વચ્ચે મોજૂદ હોય. આ રિસર્ચ પેપર નોંધે છે કે અગાઉ એઆઈ માનવ સ્તરની ૫૦ ટકા બુદ્ધિ મેળવે એ માટે ૪૫ વર્ષનો સમય લાગશે એવી આગાહી થઇ રહી હતી. પરંતુ, આ પ્રક્રિયા વધારે ઝડપી બની રહી છે.