Get The App

પુતિન અને કીમ જોંગ ઉન વચ્ચે થયેલા કરારો યુદ્ધ સમયે પરસ્પરને સહાય કરવા દર્શાવેલી પ્રતિબદ્ધતા

Updated: Jun 21st, 2024


Google NewsGoogle News
પુતિન અને કીમ જોંગ ઉન વચ્ચે થયેલા કરારો યુદ્ધ સમયે પરસ્પરને સહાય કરવા દર્શાવેલી પ્રતિબદ્ધતા 1 - image


- યુક્રેન યુદ્ધમાં ઉને રશિયાને પૂરેપૂરો ટેકો જાહેર કર્યો

- ઉ.કોરિયા અને પૂર્વેનાં સોવિયેત સંઘ વચ્ચે 1961માં સંધિ થઈ હતી, સોવિયેત સંઘ વિસર્જિત થયા પછી તે અકાર્યરત બની : હવે નવા કરારો થયા

પ્યોગાંગ : રશિયાના પ્રમુખ પુતિન આજે વિયેતનામ જવા અહીંથી રવાના થયા છે. તે પૂર્વે ગઇકાલે પ્રમુખ વ્લાદીમીર પુતિન અને ઉત્તર કોરિયાના પ્રમુખ કીમ જોંગ ઊન વચ્ચે અત્યંત મહત્ત્વના કરારો થયા હતા તે પ્રમાણે બંને દેશો યુદ્ધ સમયે પરસ્પરને સહાય કરવા સંમત થયા હતા.

ઉત્તર કોરિયાની ન્યૂઝ એજન્સી કોરિયન સેન્ટ્રલ ન્યૂઝ એજન્સીએ ગુરૂવારે જણાવ્યું હતું કે, બુધવારે બંને નેતાઓ વચ્ચે થયેલા કરારો સર્વગ્રાહી વ્યૂહાત્મક ભાગીદારી અંગે હતા. આ કરારોના અનુચ્છેદ ૪માં જણાવવામાં આવ્યું છે કે જો એક દેશ ઉપર આક્રમણ થાય અને તે યુદ્ધની સ્થિતિમાં મુકાઈ જાય તો બીજા દેશે તેની પાસે રહેલાં તમામ સાધનો દ્વારા બીજા દેશને લશ્કરી તેમજ અન્ય સહાય તત્કાળ પહોંચાડવી.

શીત યુદ્ધ પુરૃં થયા પછી, મોસ્કો અને પ્યોગાંગ વચ્ચે થયેલા આ કરારો બંને દેશોના સંબંધો વધુ મજબૂત બનાવે છે. કીમ અને પુતિને આ કરારોને બંને દેશો વચ્ચેના સંબંધો વધુ ઊંચે લઈ જનારા કહ્યા હતા. આ કરારોમાં સલામતી વ્યાપાર મૂડી રોકાણ અને માનવીય તથા સાંસ્કૃતિ સંબંધો પણ આવરી લેવાયા છે.

આ કરારો અંગે અમેરિકાએ અને તેનાં સાથીઓએ ચિંતા વ્યક્ત કરી છે કારણ કે આ કરારોથી પ્યોગાંગ રશિયાને અત્યંત જરૂરી તેવાં પરંપરાગત શસ્ત્રો અને ગોળીઓ પહોંચાડશે. તેના બદલામાં રશિયા ઉ.કોરિયાને તેનાં પરમાણુ શસ્ત્રો અને મિસાઈલ્સ કાર્યક્રમમાં સહાય કરશે.

આ શિખર મંત્રણા પછી કીમે કહ્યું હતું કે બંને દેશો વચ્ચે ફાયરી ફ્રેન્ડશિપ છે અને આ કરારો સૌથી વધુ સમય સંધિ સમાન બની રહ્યા છે. પુતિને આ કરારોને સીમાઓ તોડતા દસ્તાવેજ સમાન કહેતાં જણાવ્યું હતું કે તે બંને દેશોના સંબંધોને હજી વધુ ઉચ્ચ કક્ષાએ લઈ જશે.

ઉ.કોરિયા અને તે સમયનાં સોવિયેત સંઘ વચ્ચે ૧૯૬૧માં સંધિ થઈ હતી તેમાં જણાવવામાં આવ્યું હતું કે જો ઉ.કોરિયા ઉપર આક્રમણ થાય તો સોવિયેત સંઘે તત્કાળ તેની સહાયે પહોંચી જવું. પરંતુ સોવિયેત સંઘમાં વિસર્જન પછી તે કરારો નિરર્થક બની રહ્યા. તે પછી ૨૦૦૦માં રશિયા અને ઉ.કોરિયા વચ્ચે કરારો થયા હતા, પરંતુ તે ઘણા નબળા હતા. તેમાં સંરક્ષણ ક્ષેત્રે સહાય માટે સ્પષ્ટત: જણાવ્યું ન હતું.

આ કરારો અંગે દક્ષિણ કોરિયાએ કહ્યું હતું કે તે હજી તેનો અભ્યાસ કરી રહ્યું છે. તે પછી પોતાનો પ્રતિભાવ જણાવશે.

અત્યારે તો ઉત્તર અને દક્ષિણ કોરિયા વચ્ચે તીવ્ર તંગદિલી પ્રવર્તી રહી છે. ઉત્તરે રશિયન અને ઉ.કોરિયન દળો લશ્કરી કવાયત કરી ચૂક્યાં છે. જ્યારે દક્ષિણ પૂર્વે પેસિફિક મહાસાગરમાં અમેરિકા-જાપાન અને દ.કોરિયા સામૂહિક નૌકા કવાયતો કરી રહ્યાં છે. તેવામાં ઉત્તર કોરિયા તેનો પરમાણુ ટોચકાં ધરાવતાં ૧૨,૫૦૦ માઈલ સુધી પહોંચી શકે તેવાં આઇ.સી.બી.એમ.ના પ્રયોગો કરી રહ્યું છે. આટલું ઓછું હોય તેમ કીમ-જોંગ-ઉને રશિયા-યુક્રેન યુદ્ધમાં ખુલ્લેઆમ રશિયાને પોતાનું પીઠબળ જાહેર કર્યું છે.


Google NewsGoogle News