યાહ્યા સિનવારના ખાત્મા બાદ હવે હમાસની કમાન કોણ સંભાળશે? આ 4 નામ ચર્ચામાં આવ્યા
Israel-Hamas War: ઈઝરાયલે હમાસના ટોપ લીડર યાહ્યા સિનવારને મોતને ઘાટ ઉતારી દીધો છે. ઈઝરાયલનો આરોપ છે કે, યાહ્યા સિનવારે ગયા વર્ષે 7 ઑક્ટોબરે ઈઝરાયલ પર હુમલાને અંજામ આપનારો માસ્ટરમાઇન્ડ હતો. હવે ઈઝરાયલે 61 વર્ષના યાહ્યા સિનવારને ખતમ કરીને મોટી સફળતાનો દાવો કર્યો છે. આ દરમિયાન હમાસનું નેતૃત્વ કોણ કરશે, તેની પણ ચર્ચા શરુ થઈ ગઈ છે. યાહ્યા સિનવારે હમાસને છેલ્લાં બે દાયકામાં મજબૂત કર્યું છે અને તે ઈરાનની પણ ખૂબ નજીક હતો. એવામાં હવે તેના બદલામાં હમાસનું નેતૃત્વ કોણ કરી શકશે, તેની શોધ થઈ રહી છે.
હાલ તેની પાછળ અમુક નામ ચર્ચામાં છે.
કોણ છે મહેમૂદ અલ-ઝાહર?
યાહ્યા સિનવારની જગ્યા મહેમૂદ અલ-ઝાહરનું નામ પણ ચર્ચામાં છે. તે હમાસનો સંસ્થાપક સભ્ય રહ્યો છે. તે સિનવારથી પણ વધારે કટ્ટરપંથી માનવામાં આવે છે. માનવામાં આવે છે કે, તે હમાસનો વિચારક છે, જે એક પ્રકારે ઈઝરાયલ સાથે હથિયારબંધ લડાઈની વાત કરે છે, તો વળી ગાઝામાં શાસનને લઈને પણ નીતિ નક્કી કરે છે. 2006માં અલ-ઝાહર ગાઝામાં બનેલી હમાસની સરકારનો વિદેશ મંત્રી રહ્યો છે. ચૂંટણીની હાર-જીતમાં ઝાહરનો મુખ્ય રોલ માનવામાં આવે છે.
આ પણ વાંચોઃ નેતન્યાહૂએ કર્યું મોટું એલાન, હમાસ સામે રાખી નવી શરત, જો માની લે તો કાલે યુદ્ધ સમાપ્ત!
યાહ્યાના ભાઈ મોહમ્મદ સિનવાર પણ રેસમાં
યાહ્યા સિનવારનો ભાઈ મોહમ્મદ સિનવાર પણ તેમની જગ્યા લેવાની રેસમાં છે. પોતાના ભાઈની જેમ તે પણ હમાસની સેનામાં લાંબા સમયથી સક્રિય છે. કહેવામાં આવે છે કે, તે પણ પોતાના ભાઈ યાહ્યાની જેમ કટ્ટર છે. તે હમાસની કમાન સંભાળે તેને લઈને અમેરિકા ચિંતા વ્યક્ત કરી ચૂક્યું છે. અમેરિકાનું કહેવું છે કે, મોહમ્મદ સિનવાર જો લીડર બને તો શાંતિ વાર્તા મુશ્કેલ થઈ જશે. મોહમ્મદ સિનવારની વિશેષતા છે કે, તે પોતાને ચર્ચાઓથી દૂર રાખે છે. જોકે, ઈઝરાયલે તેને પણ મારવાના પ્રયાસ કર્યા હતા, પરંતુ તે દરેક વખતે બચી ગયો.
મૂસા અબૂ મરજૌકના નામ પણ ચર્ચામાં
હમાસના નેતૃત્વને સંભાળવાની રેસમાં મૂસા અબૂ મરજૌક પણ છે. તે હમાસના પોલિટિકલ બ્યુરોનો દિગ્ગજ સભ્ય છે. 1980માં પેલેસ્ટાઇનમાં સક્રિય મુસ્લિમ બ્રદરહુડથી અલગ થઈને હમાસનું ગઠન કરવામાં તેની મુખ્ય ભૂમિકા રહી છે. કહેવામાં આવે છે કે, તે હમાસના નાણાંકીય મામલા પણ સંભાળી રહ્યો છે.
આ પણ વાંચોઃ ગાઝામાં ઇઝરાયેલના હુમલામાં હમાસના વડા સિન્વારનું મોત
ખલીલ અલ-હય્યાનું નામ પણ રેસમાં
કતરમાં બેઠેલા ખલીલ અલ-હય્યા પણ આ રેસમાં છે. ચર્ચા થઈ રહી છે કે, તેણે ઈઝરાયલ સાથે સીઝફાયરની ચર્ચાઓમાં ભાગ લીધો હતો. તેને ખૂબ જ હાર્ડલાઇનર નથી માનવામાં આવતો. એવામાં હમાસ યુદ્ધ રોકવા માટે ઈઝરાયલ સાથે વાતચીત માટે ઇચ્છુક હશે તો તે અલ-હય્યાને કમાન સોંપવાનો વિચાર કરી શકે છે. ખલીલ અલ-હય્યા પર ઈઝરાયલે 2007માં હુમલો કર્યો હતો, જેમાં તેનો આખો પરિવાર ખતમ થઈ ગયો હતો, પરંતુ તે બચી ગયો.