વિયેતનામ-ફિલિપાઈન્સ બાદ મોટો મુસ્લિમ દેશ ભારત પાસેથી ખરીદશે બ્રહ્મોસ મિસાઇલનો જથ્થો
BrahMos Missile: દુનિયાભરમાં ભારતની બ્રહ્મોસ મિસાઇલની ડિમાન્ડ વધી રહી છે. ક્યારેક હથિયારની સૌથી વધુ આયાત કરનાર દેશ ભારત માટે આ એક મોટી સફળતા છે. આ દરમિયાન ઇન્ડોનેશિયાના રાષ્ટ્ર પ્રમુખ સુબિયાંતો પણ પ્રજાસત્તાક દિવસે નિમિતે ભારત આવી રહ્યા છે. દુનિયાના સૌથી મોટા મુસ્લિમ દેશના રાષ્ટ્ર પ્રમુખ સાથે ભારત ઘણાં કરાર કરી શકે છે. તેમાંથી એક કરાર બ્રહ્મોસ મિસાઇલને લઈને પણ થવાનો છે. ભારત અને રશિયા મળીને આ મિસાઇલ તૈયાર કરે છે, જેની ડિમાન્ડ અનેક દેશોએ કરી છે. માનવામાં આવે છે કે, આ મુલાકાતમાં ઇન્ડોનેશિયાના રાષ્ટ્ર પ્રમુખ બ્રહ્મોસ મિસાઇલને લઈને કરાર કરશે અને આવનાર થોડા વર્ષોમાં તેની ડિલિવરી કરવામાં આવશે.
પ્રજાસત્તાક દિવસે રચાશે ઈતિહાસ
દિલ્હીમાં આયોજિત પ્રજાસત્તાક પરેડમાં ઇન્ડોનેશિયાના પણ 400 સૈનિકો ભાગ લેશે. આ ઘટના પણ ઐતિહાસિક હશે, કારણ કે આજ સુધી કોઈપણ મહેમાન દેશે આટલાં સૈનિકોને પ્રજાસત્તાક દિવસની પરેડમાં ભાગ લેવા નથી મોકલ્યા. દક્ષિણ પૂર્વ એશિયામાં ઇન્ડોનેશિયા એવો ત્રીજો દેશ છે, જે ભારત સાથે બ્રહ્મોસ મિસાઇલનો કરાર કરશે. આ પહેલાં ફિલિપાઈન્સે ભારત પાસેથી આ મિસાઇલ ખરીદી છે. આ સિવાય વિયેતનામે મિસાઇલની ખરીદી માટે ડીલ ફાઇનલ કરી છે. 2020માં પ્રબોવો સુબિયાંતો રક્ષા મંત્રીના રૂપે ભારત આવ્યા હતાં. કહેવામાં આવી રહ્યું છે કે, આ દરમિયાન તેમની રક્ષા મંત્રી રાજનાથ સિંહ સાથે મુલાકાત થઈ અને તેઓએ મિસાઇલ ખરીદવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. પરંતુ, ઇન્ડોનેશિયા પાસે બજેટની કમી હોવાના કારણે તેને ટાળવામાં આવ્યું હતું.
આ પણ વાંચોઃ ગાઝામાં ઈઝરાયલનો ભયાનક હુમલો, બે મોટા પોલીસ અધિકારી સહિત 68નાં મોતથી ખળભળાટ
હવે પ્રબોવો સુબિયાંતો ખુદ સત્તામાં છે અને પહેલું વર્ષ તે જનકલ્યાણકારી યોજનાઓ માટે સમર્પિત કરવા ઈચ્છે છે. એવામાં નવા નાણાંકીય વર્ષમાં તે હથિયારોની ખરીદી કરી શકે છે. ઇન્ડોનેશિયાની સાથે ભારતના ઘણાં સારા સંબંધ રહ્યા છે. ભલે ઇન્ડોનેશિયા દુનિયાનો સૌથી વધારે મુસ્લિમ વસતી ધરાવતો દેશ છે, પરંતુ સાંસ્કૃતિક રૂપે ત્યાં સનાતનના પ્રતિક જોવા મળે છે. જેના કારણે પણ ઇન્ડોનેશિયા અને ભારતની વચ્ચે નિકટતા રહી છે. આ સિવાય ઇન્ડો-એસિયન સમિટમાં પણ ઇન્ડોનેશિયા એક મુખ્ય ભાગીદાર રહ્યો છે. ભારતના હિસાબે જોઈએ તો બ્રહ્મોસ જેવી મિસાઇલ ઘણાં દેશોની ડિમાન્ડ હોવી ઉત્સાહજનક છે.
બ્રહ્મોસ મિસાઇલની વિશેષતા એ છે કે, તેને જળ, જમીન અને હવાથી લોન્ચ કરી શકાય છે. આ મિસાઇલ દુશ્મનને આશરે 650 કિમી દૂર મારીને પાડી શકે છે. આ દૂરથી જ પોતાના નક્કી લક્ષ્યને ભેદી શકે છે. ખાસ વાત એ છે કે, આ મિસાઇલ એ પ્રકારે ડિઝાઇન કરવામાં આવી છે કે, સેંકડો કિમીની દૂરી સુધી લક્ષ્યને ભેદવા છતાં તે રસ્તો ન ભટકે. આ મિસાઇલ સમુદ્રથી લઈને ઊંચા પર્વતો સુધી દુશ્મનોના ઠેકાણા પર વાર કરી શકે છે.