અમેરિકામાં ફરી 2020ની જેમ હિંસા ભડકશે? ટ્રમ્પના નિવેદનથી ખળભળાટ, કહ્યું- 'જો હું હાર્યો તો..'
US Presidential Election 2024: દુનિયાના સૌથી જૂના લોકતંત્ર અમેરિકામાં ચાર દિવસ બાદ રાષ્ટ્ર પ્રમુખ માટેની ચૂંટણી યોજાવાની છે. 5 નવેમ્બરે અમેરિકાના લોકો પોતાના આવનાર રાષ્ટ્ર પ્રમુખ માટે મતદાન કરશે. પરંતુ, હવે સવાલ થઈ રહ્યો છે કે, જો ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના હરીફ કમલા હેરિસને ચૂંટણીમાં હરાવી દે છે તો શું 2020ની જેમ અમેરિકામાં ફરી હિંસા જોવા મળશે? આ સવાલ એટલે થઈ રહ્યો છે, કારણકે ટ્રમ્પે હાલમાં પોતાના એક નિવેદનમાં ધાંધલીનો ઉલ્લેખ કર્યો છે.
એકબીજા પર નિશાનો સાધી રહ્યાં છે
ડોનાલ્ડ ટ્રમ્પ અને કમલા હેરિસ સતત એકબીજા પર પ્રહાર કરી રહ્યા છે. હાલમાં જ ટ્રમ્પે એવું કહ્યું કે, કમલા હેરિસે હિન્દુઓને અવગણ્યા છે, પરંતુ તે હિન્દુઓની રક્ષા કરશે. કમલા હેરિસ પણ પોતાના નિવેદનમાં ટ્રમ્પને અસ્થિર વ્યક્તિ જણાવી ચુક્યા છે. કમલા હેરિસે ટ્રમ્પને પોતાના મેડિકલ રિપોર્ટને સાર્વજનિક કરવાનો પણ ચેલેન્જ આપી ચુક્યા છે.
આ પણ વાંચોઃ ...તો અમેરિકાના મહત્ત્વના રાજ્યોમાં કમલાની જીત થઇ? ABCએ ભૂલથી પરિણામો જાહેર કર્યા
ટ્રમ્પના આક્રામક પ્રહાર
ચૂંટણીના થોડા દિવસ પહેલાં ટ્રમ્પના નિવેદને અમેરિકામાં ચૂંટણી અને રાજકીય નિરીક્ષકોને ચેતવણી આપી છે. ટ્રમ્પ સતત દાવો કરી રહ્યા છે કે, જો ચૂંટણીમાં તેમની હાર થાય છે તો તે ફક્ત લોકતાંત્રિક હસ્તક્ષેપથી થશે. મિશિગ્ન રેલીમાં ટ્રમ્પે કહ્યું કે, 'જો હું ચૂંટણીમાં હારૂ તો તે ફક્ત લોકતાંત્રિક હસ્તક્ષેપથી થશે. આ એકમાત્ર રીત છે, કારણકે તેઓ ચીટિંગ કરે છે.'
ટ્રમ્પના આ નિવેદન બાદ ચર્ચા થઈ રહી છે કે, જો ટ્રમ્પ ચૂંટણી હારે તો તે રિઝલ્ટ પર શંકા વ્યક્ત કરી શકે છે. જો એવું થયું તો તેના સમર્થક 2020ની જેમ ઉગ્ર થઈ શકે છે. 2020માં ટ્રમ્પ અને તેના સમર્થકો આવું કરી ચૂક્યા છે.
2020માં શું થયું હતું?
2020માં રાષ્ટ્ર પ્રમુખની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પને જો બાઇડેન સામે હારનો સામનો કરવો પડ્યો હતો. હાર બાદ ટ્રમ્પ અને તેના સમર્થકોએ ચૂંટણી પરિણામોને કોર્ટમાં ચેલેન્જ કર્યા હતાં. જોકે, તેની રિઝલ્ટ પર કોઈ અસર નહતી થઈ. તેમ છતાં 6 જાન્યુઆરી 2021માં ટ્રમ્પ સમર્થકોએ કેપિટલ હિલ પર હુમલો કર્યો હતો. ઘણી જગ્યાએ ટ્રમ્પ સમર્થકોએ હિંસા પણ કરી હતી.
રિઝલ્ટને ચેલેન્જ કરશે ટ્રમ્પ સમર્થક?
મળતી માહિતી મુજબ, કમલા હેરિસલ ચૂંટણી જીતે છે તો ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકો તેની જીતને કોર્ટમાં ચેલેન્જ કરી શકે છે. આ સિવાય સમર્થકો વચ્ચે ચૂંટણી પરિણામો પર ઉભી કરેલી શંકાને ફેલાવી શકે છે. જોકે, તેના જવાબમાં સમર્થક શું કરશે, તે ભવિષ્યના ગર્ભમાં છૂપાયેલું છે. કહેવામાં આવી રહ્યું છે કે ચૂંટણી બાદ મતગણતરીમાં ઘણાં દિવસનો સમય લાગી શકે છે. જો આ દરમિયાન ટ્રમ્પ પાછળ રહ્યા તો તે રિઝલ્ટ પર સવાલ ઉભા કરી શકે છે. અધિકારીઓ પર પણ આરોપ લગાવી શકે છે. જો વિરોધ ભડક્યો તો હિંસા પણ થઈ શકે છે.