અમેરિકાના ટેરિફ-પ્રતિબંધો સામે ઝૂક્યું કોલંબિયા, પ્રમુખ પેટ્રોનો યુ-ટર્ન, જાણો શું લીધો નિર્ણય?
After Trump Emergency Tarrif Gustavo takes U Turn | ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના પ્રમુખ તરીકે શપથ લીધા ત્યારથી જ એક પછી એક ચોંકાવનારા ઝડપી પગલાં ભરી રહ્યા છે. આ વખતે ટ્રમ્પના નિશાને કોલમ્બિયા હતું. ટ્રમ્પે કોલમ્બિયા પર ટેરિફ અને મુસાફરી પ્રતિબંધ લાગુ કરી દીધો. જેના જવાબમાં કોલમ્બિયાએ પણ અમેરિકા પર ટેરિફ લાગુ કર્યો પણ અમુક જ કલાકોમાં સ્થિતિ બદલાઈ ગઇ અને કોલમ્બિયાના પ્રમુખે યુ-ટર્ન મારવો પડ્યો.
ટ્રમ્પ સરકારે શું કહ્યું હતું?
ટ્રમ્પ સરકારે કહ્યું હતું કે કોલમ્બિયાએ ગેરકાયદે ઇમિગ્રન્ટ્સથી ખીચોખીચ બે અમેરિકન આર્મીના વિમાનને લેન્ડ કરવાનો ઈનકાર કરતાં પરત મોકલી દીધા. જેના બાદ ટ્રમ્પ સરકારે કોલમ્બિયા સામે ટેરિફ અને વિઝા પ્રતિબંધો લાદીને કાર્યવાહી કરી છે. અમેરિકાના પ્રમુખ ટ્રમ્પનું કહેવું છે કે કોલમ્બિયાના પ્રમુખ ગુસ્તાવો પેટ્રોના આ નિર્ણયથી અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષાને નુકસાન થયું છે.
ટ્રમ્પે 50% સુધી ટેરિફ વધારવાની ધમકી આપી હતી
ટ્રમ્પે અમેરિકન બજારોમાં કોલમ્બિયન ઉત્પાદનો પર 25 ટકાનો ઇમરજન્સી ટેરિફ લાગુ કર્યો છે, જે એક અઠવાડિયામાં વધીને 50 ટકા થઈ શકે છે. આ ઉપરાંત, કોલમ્બિયા સરકારના અધિકારીઓ અને સહયોગીઓ પર પણ વિઝા પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. ટ્રમ્પે કહ્યું કે આ તો ફક્ત શરૂઆત છે. અમે કોલમ્બિયા સરકારને મનસ્વી રીતે કામ કરવા દઈશું નહીં. સરકારે અમેરિકા મોકલેલા ગુનેગારોને પાછા લેવા પડશે.
દબાણમાં આવ્યા કોલમ્બિયાના પ્રમુખ પેટ્રો
એવા અહેવાલ છે કે કોલમ્બિયાના પ્રમુખ હવે અમેરિકાના પ્રતિબંધ અને ટેરિફના નિર્ણયથી દબાણમાં આવી ગયા છે અને તેમના નિર્ણયથી યુ-ટર્ન લેતા હવે પ્રેસિડેન્શિયલ વિમાન હોન્ડુરાસ મોકલશે અને તેમાં ગેરકાયદે અપ્રવાસીઓને પરત પોતાના દેશમાં લાવશે. કોલમ્બિયાના પ્રમુખે કહ્યું કે અમે અમારા નાગરિકોને સન્માન સાથે પરત લાવીશું.
કોલમ્બિયાના પ્રમુખ ટ્રમ્પના વર્તન સામે નારાજ
ઉલ્લેખનીય છે કે કોલમ્બિયા સરકારે ગેરકાયદે પ્રવાસીઓથી ખીચોખીચ અમેરિકન યુએસ આર્મીના વિમાનને ઉતરવાની મંજૂરી આપી ન હતી. રાષ્ટ્રપતિ પેટ્રોએ કહ્યું હતું કે ટ્રમ્પનું વર્તન યોગ્ય નથી. અમેરિકા અપ્રવાસીઓ સાથે ગુનેગારો જેવું વર્તન ન કરી શકે. અપ્રવાસીઓને ફક્ત સિવિલ વિમાનમાં જ કોલમ્બિયા આવવાની મંજૂરી આપવામાં આવશે. અપ્રવાસીઓ સાથે આદર અને ગૌરવ સાથે વર્તન કરવામાં આવે. માહિતી અુનસાર 15660 અમેરિકન ગેરકાયદે રીતે કોલમ્બિયામાં રહે છે. અગાઉ મેક્સિકોએ પણ ગેરકાયદે પ્રવાસીથી ખીચોખીચો વિમાનને લેન્ડ કરવાની મંજૂરી નહોતી આપી.