અમેરિકા અને ફ્રાંસ પછી યુકે પણ યુએનની સલામતી સમિતિમાં ભારતનાં કાયમી સભ્યપદ માટે અનુરોધ કરે છે
- બ્રિટિશ વડાપ્રધાન કીટ સ્ટેરમર સલામતી સમિતિનાં વિસ્તરણ માટે આગ્રહ રાખે છે : કહે છે તેને રાજકારણના પક્ષઘાતમાંથી મુક્ત રાખો
યુએન : અમેરિકાના પ્રમુખ જો બાયડેન અને ફ્રાંસના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોંએ યુએનની સલામતી સમિતિમાં ભારતનાં કાયમી સભ્ય પદ માટે મહાસમિતિમાં અનુરોધ કર્યા પછી હવે બ્રિટનના વડાપ્રધાન કીર સ્ટેરમરે પણ તેઓનાં સંબોધનમાં ભારતને સલામતી સમિતિમાં કાયમી સભ્યપદ આપવા માટે આગ્રહ કર્યો હતો. તેઓએ કહ્યું : 'જો આપણે સૌથી ગરીબ અને સૌથી નિર્બળ રાષ્ટ્રોનો ઉદ્ધાર કરવા માગતા હોઈએ, અને તેમનો અવાજ પણ સાંભળવા માગતા હોઈએ તો આપણે સમગ્ર વ્યવસ્થાને વધુ પ્રતિનિધિત્વ ધરાવતી બનાવવી જ પડે. આપણે માત્ર પરિણામ લક્ષી જ ન બની રહેતાં સાથોસાથ પ્રતિનિધિત્વ લક્ષી પણ આ સંરચનાને બનાવવી જોઇએ, તે સિદ્ધાંત સલામતી સમિતિને પણ લાગુ પડે છે.'
સંયુક્ત રાષ્ટ્રોની ૭૯મી મહાસભાને સંબોધન કરતાં બ્રિટિશ વડાપ્રધાને કહ્યું હતું કે : 'તેને રાજકારણમાંથી પક્ષઘાતમાંથી મુક્ત રાખો. આપણે સલામતી સમિતિમાં આફ્રિકાનું પણ કાયમી પ્રતિનિધિત્વ જોઇએ છે. આ ઉપરાંત બ્રાઝિલ, ભારત, જર્મની અને જાપાનને પણ કાયમી સભ્યો તરીકે સલામતી સમિતિમાં લેવા જોઇએ.
ફ્રાંસના પ્રમુખ મેક્રોંએ તો બુધવારે જ યુએનની મહાસભાને કરેલાં સંબોધનમાં સલામતી સમિતિમાં ભારતનાં કાયમી સભ્યપદ માટે અનુરોધ કર્યો હતો તે પૂર્વે અમેરિકાએ પણ ભારતની તરફદારી કરી હતી.
સંયુક્ત રાષ્ટ્રોની મહાસભામાં હાજરી આપવા ન્યૂયોર્ક આવી પહોંચેલા ભારતના વડાપ્રધાનને અમેરિકાના પ્રમુખ બાયડેને તેઓના પૈતૃક શહેર ડેલવરમાં આવવા આમંત્રણ આપ્યું હતું અને સપ્ટેમ્બર ૨૧ના દિને તેઓને પોતાનાં નિવાસ સ્થાને ભોજન પણ આપ્યું હતું તે સર્વવિદિત છે.
ભારત વર્ષોથી સંયુક્ત રાષ્ટ્રોની સલામતિ સમિતિમાં ફેરફાર કરવા માટે આગ્રહ કરે છે. વાસ્તવમાં ૧૯૪૫માં રચાયેલાં સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિમાં કુલ ૧૫ સભ્યો નિશ્ચિત કરાયા. જે પૈકી ૧૦ સભ્યો દર બે વર્ષે ચૂંટાઈને આવે છે. જ્યારે પાંચ કાયમી સભ્યો હોય છે. જેમાં અમેરિકા, તે સમયનું સોવિયેત સંઘ, ઇંગ્લેન્ડ, ફ્રાંસ અને (તે સમયનું) ક્વોમિંગટાન ચાયના કાયમી સભ્યપદે નિશ્ચિત કરાયા હતા. ૧ ઓક્ટો. ૧૯૪૯ના દિને ચીનમાં મામોત્સે તુંગની સામ્યવાદી સરકાર આવી. ક્વોમિંગટાન નેતાઓ ડૉ. સોન યાન સેન. અને ચ્યાંગકાઈ શેક તે સમયે ફોર્મોસા કહેવાતાં તાઈવાન પહોંચી ગયા. છતાં તે ટાપુ રાષ્ટ્રને ચીનનાં સ્થાને જ કાયમી સભ્યપદ અપાયું હતું. પછી જવાહરલાલ નહેરૂના પ્રયત્નોથી સામ્યવાદી ચીનને, ક્વોમિંગટાન ચાયના તાઈવાનનાં સ્થાને કાયમી સભ્યપદ યુએનની સલામતિ સમિતિમાં મળ્યું જ તે જ ચીન ભારતનાં કાયમી સભ્યપદ માટે વિરોધ કરી રહ્યું છે. તે માટે 'વીટો' વાપરે છે. હવે યુએનની મહાસભા જો પ્રસ્તાવ પસાર કરે તો ભારતને કાયમી સભ્યપદ સલામતી સમિતિમાં મળી શકે. મહાસભામાં કોઇને 'વીટો' પાવર નથી. તેથી ચીનની મેલી રમત (વીટો વાપરવાની) ચાલી શકે તેમ નથી.